ખેરાલુ તાલુકામાં સૈનિક સ્કુલની આશા પર કમોસમી માવઠુ
દુધસાગર ડેરીના ડીરેક્ટર તથા ધારાસભ્યના કાર્યકાળમાં
ખેરાલુ શહેરમાં સૈનિક સ્કુલ બનવાની છે તેવી એક વર્ષ પર વાતો થતા ખેરાલુના પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર તથા પાલિકાના પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ દ્વારા પાલિકાની ૧૦૮ વિઘા જમીન આપવા સહમતી દર્શાવી હતી. પાલિકા દ્વારા જનરલ મિટીંગમા દૂધ સાગર ડેરીનો જમીન મેળવવાનો પત્ર વંચાણે લઈને સૈનિક સ્કુલ માટે જમીન આપવા ઠરાવ કરાયો હતો. પાલિકા દ્વારા ૧૦૮ વિઘા જમીનમાં અમુક વિઘા જમીન ગૌચર હેડે હતી તેને બીજી જગ્યાએ પડતર જમીનને ગૌચરમાં તબદીલ કરી ૧૦૮ વિઘા જમીન આપવા મામલતદાર તથા પ્રાંત અધિકારીએ કલેકટરશ્રી મહેસાણાને જમીનના તમામ સર્વેને બરોના ૧૯પરથી આજ સુધીની હયાત પોજીશનના ૭-૧ર અને ૮-અ ના ઉતારાની ફાઈલ મંજુરી માટે મોકલી હતી. પરંતુ જે રીતે જિલ્લાના તમામ અધિકારીઓને ખેરાલુના વિકાસમાં રસ નથી તે રીતે સૈનિક સ્કુલ માટે જમીનની દરખાસ્ત અભરાઈએ ચડાવી દેવામાં આવી અને હવે દૂધ સાગર ડેરી દ્વારા મહેસાણા શહેરથી રપ કી.મી. અને મહેસાણા જિલ્લાના તાલુકાની હદથી ૧૦ કી.મી.દૂર રપ એકર જમીન વેચાણ લેવા જાહેરાત દૈનિક પેપરોમાં પ્રસિધ્ધ કરી છે. જેથી એવુ કહી શકાય કે દૂધ સાગર ડેરીના ડીરેક્ટર અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ ઘડાયો છે.
ખેરાલુ તાલુકામાં સૈનિક સ્કુલ બનાવવાની છે તેવી વાતો વહેતી થતા ખેરાલુ શહેર/તાલુકા તથા સતલાસણા તાલુકામાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. પરંતુ ખેરાલુ ધારાસભ્ય પોતે દૂધસાગર ડેરીના ડીરેક્ટર છે છતા દૂધસાગર ડેરી સંચાલિત સૈનિક સ્કુલ ખેરાલુ તાલુકામાં લાવવામાં નિષ્ફળ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ પતિઓને હજારો વિઘા ગૌચર જમીનો પધરાવી દીધી પરંતુ ખેરાલુ-સતલાસણા તાલુકાના ગરીબ ખેડુતોના બાળકોને ઘર આંગણે સૈનિક બનવાનું સ્વપ્ન રોળાઈ ગયુ છે. ખેરાલુ તાલુકામાં સૈનિક સ્કુલ ન બનવા પાછળ ખેરાલુના એક ભાજપી અગ્રણી કે જેને સરદારભાઈ ચૌધરી વિરોધી ગણે છે અને ઓફીસે પણ બોલાવતા નથી તેણે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે સૈનિક સ્કુલ ખેરાલુમાં ન આવવા પાછળનું કારણ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી નથી પરંતુ સૈનિક સ્કુલમા ભણાવવા આવતા શિક્ષકો, આર્મિના ઓફીસરો તથા સ્કુલનો સ્ટાફ, પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા મહેસાણા સુધી લાંબા થવુ પડે તેમ છે કારણકે ખેરાલુ-સતલાસણા કે વિસનગરમાં એક પણ સી.બી.એસ.સી.સ્કુલ નથી જેથી સારા અધિકારીઓકે શિક્ષકો અને સ્ટાફ ખેરાલુમાં રહેવાનું પસંદ કરે નહી. સૈનિક સ્કુલ કેન્દ્ર સરકાર સંચાલિત થવાની હોવાની હિન્દી ભાષી અધિકારીઓ અને શિક્ષકોને પોતાના પરિવારજનો અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ખેરાલુમાં કોઈ વ્યવસ્થા નહોવાથી સૈનિક શાળા બનવાની નહોતી તેવું ભાજપી અગ્રણી જણાવે છે. ભાજપમાં એક વાતતો નિશ્વિત છે કે હોદ્દેદારો અને ધારાસભ્યમાં પહેલા મતભેદ હતો. વિધાનસભાની ચુંટણી પછી મતભેદ મનભેદમાં તબદીલ થઈ ગયો છે. છતાં ભાજપની આબરૂ ન જાય તે માટે સાચા તર્ક રજુ કરે છે.
દૂધસાગર ડેરી દ્વારા તાજેતરમાં ૮-૩-ર૦ર૩ ના રોજ દૈનિક પેપરોમાં વેચાણ અને ભાડે જોઈએ છે તેવી જાહેરાત આપી છે. જેમા દૂધસાગર ડેરી મહેસાણાને આશરે રપ એકર ખુલ્લી બિન ખેતીલાયક જગ્યા વેચાણ જોઈએ છે. આ જગ્યા મુખ્ય રોડથી પ૦૦ મીટર અંદરની બાજુ ૪૦ ફુટના રસ્તાવાળી હશે તો પણ આવકાર્ય છે તેમ લખ્યુ છે. તેમજ દૂધસાગર ડેરીને સૈનિક સ્કુલ માટે રપ૦ બાળકોના સમાવેશ થઈ શકે તેવું મકાન, બાળકોને રહેવા હોસ્ટેલ તેમજ રમત માટેના મેદાનની સુવિધા ધરાવતા શાળા કોલેજ મકાન બે વર્ષ માટે ભાડે મેળવવા જાહેરાત કરાઈ છે. આ બન્ને મિલ્કતો મહેસાણાથી રપ કી.મી. સુધીના અંતરમાં તેમજ મહેસાણા જિલ્લાના તાલુકા મથકથી ૧૦ કી.મી. સુધીના અંતરમાં આવેલી હોવી જોઈએ તેમ જાહેરાત કરાઈ છે. જે હોય તે ખેરાલુ પાલિકા મફત આપતી જમીન કેન્સલ કરાઈ હવે જમીન ખરીદાઈ રહી છે. જે ખેરાલુનું કમોસમી માવઠા જેવું કમનસીબ કહેવાશે.