Select Page

વિસનગરમાં હર્બલ ટોનિકના નામે નશાનો કાળો કારોબાર

વિસનગરમાં હર્બલ ટોનિકના નામે નશાનો કાળો કારોબાર

૧૧ ટકા આલ્કોહોલ મિશ્રિત પીણાનુ પાર્લરો ઉપર છુટથી વેચાણ

વિદેશી દારૂના વેચાણમાં પ્રતિબંધ ધરાવતા ગુજરાત રાજ્યમાં હવે આયુર્વેદિક દવાની આડમાં નશાનો કાળો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. વિસનગરમાં આલ્કોહોલ મિશ્રિત હર્બલ ટોનિકની બોટલો છુટથી વેચાતા શૈક્ષણિક નગરીનુ યુવાધન નશા તરફ ધકેલાઈ રહ્યુ છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા નશાયુક્ત ટોનિકનુ વેચાણ રોકવા માટે પી.આઈ. સમક્ષ રજુઆત કરી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સનો સહયોગ મળે તો ટોનિક વેચતા પાર્લરો અને પાનના ગલ્લા ઉપર રેડ કરવા પોલીસે ખાતરી આપી હતી.
વિધાનસભાની ચુંટણી બાદ વિસનગરમાં વિદેશી દારૂનો વેપાર વધી ગયો છે. વિજાપુર રોડ ઉપર આખી રાત દારૂનો વેપાર ધમધમે છે. જેમાં પોલીસ આંખમીચામણા કરી રહી છે. કેમ રાજકીય છત્રછાયામાં છુટ મળી રહી છે તેની સમગ્ર શહેરમાં ચર્ચા ચાલી રહી છે. આવા માહોલમાં હવે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટના નામે આલ્કોહોલ મિશ્રિત ટોનિકની બોટલો વિસનગરમાં પાનના ગલ્લા અને પાર્લરો ઉપર છુટથી વેચાઈ રહી છે. ટોનિકમાં આલ્કોહોલનુ પ્રમાણ ૧૧ ટકા હોવાથી નશા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ટોનિક આયુર્વેદિક વસ્તુના નામે વેચાતુ હોવાથી તેના ઉપર હજુ તંત્રનુ કોઈ ધ્યાન ગયુ નથી. કોઈપણ રોકટોક કે નિયંત્રણ વગર ટોનિક વેચાતુ હોવાથી શૈક્ષણિક નગરીના યુવાનો નશા તરફ ધકેલાઈ રહ્યા છે.
મહત્વની બાબત છેકે ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમો મુજબ ખાવા પીવાની કોઈપણ પ્રોડક્ટ ઉપર કંપનીનુ સેલ્ફ ડેક્લેરેશન હોવુ જરૂરી છે. ત્યારે આ ટોનિકની બોટલ ઉપર પ્રોડક્ટ કરનાર કંપનીનુ સેલ્ફ ડેક્લેરેશન નથી. એલોપેથીક, હોમિયોપેથિક કે આયુર્વેદિક દવાઓ જે તે વિભાગના ર્ડાક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર વેચી શકાતી નથી. ત્યારે આ નશો કરાવતુ હર્બલ ટોનિક પાર્લરો અને પાનના ગલ્લા ઉપર છુટથી વેચાય છે. નશા માટે ઉપયોગ થતો હોવાથી પ્રિન્ટ કરતા પણ વધારે કિંમત લેવામાં આવે છે.
વિસનગર શહેરમાં આયુર્વેદિક ટોનિકના નામે નશાના આ કાળા કારોબાર ધ્યાન ઉપર આવતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા સભ્યો, બાબુભાઈ વાસણવાળા, જે.કે.ચૌધરી, હરગોવનભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, વિષ્ણુભાઈ સુથાર સહિતના સભ્યો દ્વારા વિસનગર પી.આઈ. એસ.એસ.નિનામા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. રેડ કરીને આવી બોટલો જપ્ત કરી વેચનાર વિરુધ્ધ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી. પથરી કાઢવા માટે ટોનિક વપરાતુ હોવાથી સીધી રેડ કરવા માટે સત્તા નહી હોવાનુ પી.આઈ.એ જણાવ્યુ હતુ. ફૂડ એન્ડ ડ્રગ્સ સહકાર આપે તો રેડ કરવા માટે ખાતરી આપી હતી.
નોધપાત્ર બાબત છેકે ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ભરતભાઈ પટેલ, જીલ્લા ફૂડ એડવાઈઝરી કમિટિના પણ સભ્ય છે. તા.૧૫-૩-૨૦૨૩ ના રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં, જીલ્લા પોલીસ વડા, જીલ્લા આરોગ્ય અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ વિગેરેની ઉપસ્થિતિમાં લોકોને નશા તરફ ધકેલતા આલ્કોહોલ મિશ્રિત ટોનિકના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા ભરતભાઈ પટેલે રજુઆત કરી હતી. જેમાં કલેક્ટરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રીપોર્ટ કરી તપાસ કરવાના આદેશ આપ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us