Select Page

વિસનગર તા.સંઘના પૂર્વ પ્રમુખ તથા ડીરેક્ટરોને રૂા.૫.૬૪ લાખ ભરવા હુકમ

વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ના રિ- ઓડીટમાં સંઘના વહીવટમાં ક્ષતિઓ જણાતા

  • સહકારી મંડળીઓના કાયદાની કલમ-૯૩ની જોગવાઈ મુજબ તાલુકા સંઘના પુર્વ પ્રમુખ સહિત ડિરેક્ટરો હવે ગુજરાત રાજ્યની કોઈપણ સહકારી સંસ્થામાં હોદ્દેદાર કે કારોબારી સભ્ય તરીકે રહી શકશે નહી

વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની નિમણુક થયા બાદ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીના ચાર વર્ષના રિ-ઓડીટમાં નાણાંકીય વહીવટમાં ક્ષતિઓ જણાતા પ્રમાણિત ઓડીટરે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ-૯૩ મુજબ સંઘના તત્કાલિન પ્રમુખ સહિત ૧૩ ડીરેક્ટરોને જવાબદાર ગણી ચાર વર્ષના વહીવટમાં થયેલ આર્થિક નુકશાનના રૂા.૫,૬૪,૦૮૫ સંઘના હોદ્દેદારો પાસેથી સરખા ભાગે વસુલ કરવાનો હુકમ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સંઘના તત્કાલિન બે ડીરેક્ટરોનું અવસાન થયુ છે.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના તાત્કાલિક પ્રમુખ કે.કે.ચૌધરીને સહકારી ક્ષેત્રના અનુભવી અઠંગ ખેલાડી માનવામાં આવે છે. જેના કારણે તેમને વીસ વર્ષ સુધી તાલુકા સંઘમાં એક હથ્થુ શાસન કર્યુ. પરંતુ “દરિયાનો તરવૈયો તળાવમાં ડુબે” તે કહેવતની જેમ કે.કે.ચૌધરીએ વધુ પડતા આત્મવિશ્વાસ સાથે સંઘનો વહીવટ કરતા આજે તેઓ તથા તેમના સાથી ડીરેક્ટરો સંઘના રિ-ઓડીટમાં સહકારી કાયદાની ચુંગાલમાં કરોળીયાના જાળાની જેમ ફસાયા છે. વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની નિમણુંક થયા બાદ પ્રમાણિત ઓડીટર કે.ડી.તુરી દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીના સંઘના વહીવટનું રિ-ઓડીટ કરવામાં આવ્યુ હતુ. જેમાં સંઘના તાત્કાલિન પ્રમુખ કે.કે.ચૌધરીના વહીવટમાં સંઘના કર્મચારીઓના બોનસ ખર્ચમાં, કર્મચારીઓને વગર વ્યાજે આપેલ ધિરાણમાં, સંઘની ગાડીના વપરાશમાં તથા વાર્ષિક સાધારણ સભાના ખર્ચમાં નાણાંકીય વહીવટમાં ક્ષતિઓ જણાતા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૯૩ અન્વ્યે સંઘના તત્કાલિન પ્રમુખ કે.કે.ચૌધરી, ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈ પટેલ તથા ડીરેક્ટરોમાં ઈશ્વરભાઈ જીવરામભાઈ પટેલ, કમલેશભાઈ ભાયચંદભાઈ પટેલ, ઈશ્વરભાઈ અંબારામ પટેલ, ત્રિભોવનભાઈ વિરચંદભાઈ પટેલ, શૈલેષભાઈ મણીલાલ પટેલ, ૅશંકરભાઈ ડુંગરભાઈ ચૌધરી, લવજીભાઈ સેંધાભાઈ ચૌધરી, મણીલાલ લવજીભાઈ ચૌધરી, વિનુભાઈ મગનભાઈ ચૌધરી, રામજીભાઈ હલુભાઈ દેસાઈ તથા પ્રતિનિધિ મણીલાલ શંભુદાસ પટેલને વર્ષ ૨૦૧૫-૨૦૧૯ સુધીના સંઘના વહીવટમાં જવાબદાર ગણી આ ચાર વર્ષમાં થયેલ આર્થિક નુકશાનીના રૂા.૫,૬૪,૦૮૫ દરેક હોદ્દેદારો પાસેથી સરખા ભાગે વસુલ કરવાનો હુકમ કરી તેની કાર્યવાહી કરવા તાલુકા સંઘને હુકમ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સંઘના ડીરેક્ટર પટેલ ત્રિભોવનભાઈ વિરચંદદાસ અને દેસાઈ રામજીભાઈ હલુભાઈનુ અવસાન થયુ હતુ. જ્યારે બાકીના હોદ્દેદારો અને ડીરેક્ટરોમાં ઈશ્વરભાઈ પટેલ (રંગપુર) અત્યારે મહેસાણા જીલ્લા મધ્યસ્થ બેંક, મહેસાણા જીલ્લા સહકારી સંઘ, વિસનગર તાલુકા મજુર સહકારી મંડળી, વિસનગર જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી સહિતની સંસ્થાઓમાં સહકારી મંડળીઓના કાયદાની કલમ-૯૩ની જોગવાઈ મુજબ દરેક સંસ્થામાંથી હોદ્દેદાર તરીકે આપોઆપ દુર થઈ જશે. આ સાથે સંઘના અન્ય ડીરેક્ટરો પણ પોતાની જે તે સહકારી મંડળીમાંથી કારોબારી સભ્ય તરીકે દુર થઈ જશે. આ કાર્યવાહીથી હવે તમામ હોદ્દેદારો ગુજરાત રાજ્યની કોઈપણ સહકારી સંસ્થામાં હોદ્દેદાર કે કારોબારી સભ્ય તરીકે રહી શકશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us