Select Page

સાંસ્કૃતિક નગરી વિસનગરનું આંગિકમ ગૃપ રાજ્યમાં પ્રથમ

કલા મહાકુંભ ગરબા સ્પર્ધામાં ગૌરવ

વિસનગર શહેરના શિક્ષિકા શીખાબેન દરજી દ્વારા સંચાલીત આંગિકમ ગૃપ એ સાંસ્કૃતિક નગરી માટે ગૌરવ સમાન છે. આ ગૃપ કલા મહાકુંભ-ર૦રર-ર૩ માં ગરબાની સ્પર્ધામાં ભાગ લઈ તાલુકા, જિલ્લા, ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને રાજ્ય કક્ષાએ પહોચ્યુ હતુ. ગૌરવની બાબત છે કે આ ગૃપે અમરેલી ખાતે યોજાયેલ રાજ્યકક્ષા કલા મહાકુંભ ર૦રર-ર૩ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમા બિન્દ્રા મોદી, નમ્રતા પટેલ, આયુષી દરજી, ક્રિષ્ણા દરજી, ઝંખના કંસારા, પ્રિયંકા કંસારા, માધુરી સોની, મોના ભાવસાર, હિરલ પટેલ, વૈશાલી પટેલ, આશા ચૌધરી, જીગીશા રાવલ, ધરતી ગજ્જર, પૂજા બારોટ, અંકિતા પટેલ, કલ્યાણી શાહે ગરબાની હરીફાઈમાં ભાગ લીધો હતો. જેને સહાયક ભાઈઓ અજીત નાયક, હિરેન બારોટ, કિરણ નાયક, રાજુભાઈ નાયક, સંજય રાવલ, દ્વારા ખુબ સરસ સંગીત આપવામા આવ્યુ હતુ. ૧૬ બહેનો પૈકી પોતાના પરિવાર-બાળકો, વ્યવસાયની જવાબદારી ધરાવતી ૧૪ પરણિત અને ર કોલેજીયન બહેનોની પ-૬ મહિનાની મહેનત રંગ લાવી. આ આંગિકમ ગ્રૃપ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ર૧-પ૯ વયજૂથમાં અવ્વલ આવી રાજ્ય કક્ષાએ ગૌરવવંતુ સ્થાન હાંસિલ કરી મહેસાણા જીલ્લાની સાંસ્કૃતિક નગરી વિસનગરનું ગૌરવ વધાર્યુ છે.
આંગિકમ ગૃપને તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સ્પર્ધામાં પ્રોત્સાહીત કરવા બદલ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર શહેર મધ્યે બહેનોને પ્રેકટીસ માટે જગ્યા પૂરી પાડનાર ગોવિંદ ચકલા પાટીદાર વાડીના સંચાલકો તેમજ બહેનોને પ્રોત્સાહન પુરુ પાડવા બદલ રોટરી રાઉન્ડ ટાઉન વિસનગર અને સમર્થ ડાયમંડ વિસનગરનો આભાર માનવામા આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us