Select Page

સ્વ.ભોળાભાઈ પટેલનુ સ્ટેચ્યુ જોઈ યુવાનો શુ પ્રેરણા મેળવશે? કૌભાંડીઓ અને સટ્ટાકીંગોને સન્માનની માનસિકતામાંથી ક્યારે બહાર આવીશુ

સ્વ.ભોળાભાઈ પટેલનુ સ્ટેચ્યુ જોઈ યુવાનો શુ પ્રેરણા મેળવશે? કૌભાંડીઓ અને સટ્ટાકીંગોને સન્માનની માનસિકતામાંથી ક્યારે બહાર આવીશુ

તંત્રી સ્થાનેથી…
વિસનગરમાં કોઈ મોટી ઈન્ડસ્ટ્રીઝ નથી. હાઈવે ઉપરનુ કે લાંબા રૂટની રેલ્વે લાઈનનો ધમધમાટ ધરાવતુ શહેર નથી. આઝાદી કાળથી શાળા કોલેજો તેમજ વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓના કારણે શૈક્ષણિક નગરીનુ બીરૂદ મેળવ્યુ છે. આ શૈક્ષણિક નગરીમાં યુવાધન તૈયાર થઈ રહ્યુ છે. ત્યારે આ યુવાધનને સારી પ્રેરણા મળે તેવુ કાર્ય થવાની જગ્યાએ અવળા માર્ગે વળે તેવુ કાર્ય થઈ રહ્યુ છે. ભારતની બેંકોને લુંટનાર, બેંકોમાં અબજો રૂપિયાનુ કરી નાખનારની ટીકા કરવામાં આવે છે. ત્યારે વિસનગરમાં રૂા.૪૦૦ કરોડનુ ઉઠમણુ કરનાર, ધમધમતી બેંકને તાળા લગાવનારનુ સન્માન કરવુ એ કેટલા અંશે વ્યાજબી કહેવાય? મૃત્યુ પામનારની ટીકા કરવી એ આપણી સંસ્કૃતિ કે સંસ્કાર નથી. પરંતુ કૌભાંડ કરનારનુ જાહેરમાં સ્ટેચ્યુ મુકવામાં આવે અને કોઈ બોલે નહી તે પણ યોગ્ય નથી. વિસનગર પાલિકાના ગત બોર્ડમાં સ્વ.ભોળાભાઈ પટેલનુ સ્ટેચ્યુ મુકવાનો ઠરાવ થયો અને જે આધારે અત્યારે બજરંગ ચોકમાં સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યુ છે. ભોળાભાઈ પટેલે એસ.કે.કેમ્પસનો પાયો નાખ્યો. ત્યારે કોલેજના સંચાલનમાં પણ કૌભાંડ કરતા તેમની સામે કેસ થયા અને છેવટે ચેરમેન પદ છોડવા વારો આવ્યો. તેમ છતા એસ.કે.યુનિવર્સિટીમાં સ્વ.ભોળાભાઈ પટેલનુ સ્ટેચ્યુ મુકવુ તે સંચાલકોની કોઈ મજબુરી હશે. પરંતુ શહેરમાં જાહેર સ્થળે કંઈ મજબુરીમાં સ્ટેચ્યુ મુકવામાં આવ્યુ. નાગરિક બેંકના આચરવામાં આવેલ કૌભાંડના કારણે બેંક બંધ થતા તેની અસરથી શહેરની અન્ય બેંકો અને ક્રેડીટ સોસાયટીઓ પણ બંધ થઈ ગઈ. નાગરિક બેંકમાં ધાર્મિક સહિતની અનેક સંસ્થાઓના, લોકોની મહેનત મજદુરીની મુડી ડૂબી, અનેક વિધવાઓના પૈસા ડૂબ્યા. દેશ માટે કે શહેર માટે બલીદાન આપ્યુ હોય, મહત્વનો ફાળો આપ્યો હોય તેમના સ્ટેચ્યુ એટલા માટે મુકવામાં આવે છેકે જેમાંથી આવનાર પેઢી પ્રેરણા લે અને તેમના પથ ઉપર ચાલવાનો પ્રયત્ન કરે. ત્યારે સ્વ.ભોળાભાઈ પટેલનુ સ્ટેચ્યુ મુકી વિસનગરના વર્તમાન અને ભવિષ્યના યુવાધનને કંઈ પ્રેરણા આપવાની છે? પૂજ્ય સાંકળચંદ કાકા, શીવાકાકા, આર.ટી.મણીયાર, ર્ડા.ગજેન્દ્રપ્રસાદ આચાર્ય તથા અન્ય દેશનેતાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા તે યોગ્ય છે. પરંતુ પ્રથમ બેંકમાં અને ત્યારબાદ કોલેજમાં કૌભાંડ કરનારનુ સ્ટેચ્યુ! ભાષણોમાં શહેરને સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખ આપીએ છીએ પરંતુ સાંસ્કૃતિક નગરિ તરીકેની ઓળખ જેમના કારણે મળી તે પદ્‌મભૂષણ જયશંકર સુંદરીનુ સ્ટેચ્યુ હજુ સુધી મુકવામાં આવ્યુ નથી. આવી અંધ સ્વામિ ભક્તિ ક્યા સુધી? શહેરના યુવાનોને પાયમાલ કરી જીંદગી બગાડીને માલેતુજાર બનેલા સટ્ટાકીંગોને પણ કૌભાંડીઓની જેમ સન્માનવામાં આવી રહ્યા છે. લોકોને બરબાદ કરી પૈસાપાત્ર થયેલા સટ્ટાકીંગ ફંક્શનમાં દાતા તરીકે રૂપિયાનો ઢગલો કરે એટલે સ્ટેજ ઉપર બેસાડી જાહેરમાં સન્માન કરવામાં આવે છે. પરંતુ લોકો કેમ સમજતા નથી કે શહેરનુ યુવાધાન પણ સટ્ટાથી તગડી કમાણી કરવાના તેમજ દાન આપી સ્ટેજ ઉપર બેસવાના સપના જુએ છે અને છેવટે બરબાદ થાય છે. શહેરમાં સટ્ટાને છુટો દોર મળ્યો છે. સટ્ટામાં દેવાદાર બની ઝેર પીને આત્મહત્યા કરવાના એક નહી પરંતુ અનેક બનાવ બન્યા છે. સટ્ટાના રવાડે ચડવાના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે. સટ્ટાના કારણે ચર્ચાસ્પદ હત્યાકાંડ પણ થયા છે. છતા સટ્ટાકીંગોને સન્માનવામાં શરમ અનુભવાતી નથી. પૈસાના ઢગલા આગળ બધા આંધળા થઈ જાય છે. કૌભાંડીઓ અને સટ્ટાકીંગોને સન્માનવાની માનસિકતામાંથી ક્યારે બહાર આવીશુ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us