Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રત્યે ડીડીઓના અણગમાનુ પરિણામ!
ભાજપની નબળી નેતાગીરીમાં મનરેગામાં શ્રમિકોની રોજગારી છીનવાઈ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રત્યે ડીડીઓના અણગમાનુ પરિણામ!<br>ભાજપની નબળી નેતાગીરીમાં મનરેગામાં શ્રમિકોની રોજગારી છીનવાઈ

મનરેગા યોજનામાં જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને રોજગારી મળી રહે તે જોવાની જવાબદારી જીલ્લા વિકાસ અધિકારીની છે. ત્યારે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રત્યેના અણગમાના કારણે વર્ષ ૨૦૨૨-૨૩ મા વિસનગરમાં ૨૨૩૪૭ માનવદિન રોજગારી મળી હોવાની ચર્ચાથી ભારે ચકચાર જાગી છે. ભેદભાવભર્યા વહિવટના કારણે વિસનગર તાલુકાના જોબકાર્ડ ધરાવતા શ્રમિકોની રોજગારી છીનવાઈ છે. કેબીનેટ મંત્રી સરકારની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તાલુકામાં ધ્યાન આપી શકતા નથી અને ભાજપની નબળી નેતાગીરીના કારણે આ વર્ષે વિસનગર તાલુકો મનરેગા યોજનામાં સમગ્ર જીલ્લામા છેલ્લા સ્થાને આવી ગયુ છે.
વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧,૫૨,૮૪૮ માનવદિન રોજગારી જ્યારે ૨૦૨૨-૨૩ માં ૨૨૩૪૭ માનવદિન રોજગારી – આ કિન્નાખોરી નહી તો બીજુ શુ
લગભગ એક વર્ષ અગાઉ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સહિત જીલ્લા ભાજપના આગેવાનો દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ર્ડા.ઓમપ્રકાશ વિરુધ્ધ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોની રજુઆતની કોઈ અસર ન થઈ પરંતુ તેની અવળી અસર અત્યારે વિસનગર તાલુકાની મનરેગા યોજનામાં જોવા મળી રહી છે. મનરેગા યોજનામાં ગ્રામ્યકક્ષાના જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને રોજગારી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. જ્યારે અધિકારીઓની મનમાની અને ગમા અણગમાના કારણે સરકારની શ્રમિકોના લાભની યોજનાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે. મહેસાણા જીલ્લાના ૧૦ તાલુકામાં જોટાણામાં મનરેગાના કામ બહુ ઓછા થાય છે. વિસનગરમાં વર્ષોથી મનરેગા યોજનાના કામ થતા આવ્યા છે. ગત વર્ષ ૨૦૨૧-૨૨ ની વાત કરીએ તો મનરેગામાં ૧૫૨૮૪૮ માનવદિન રોજગારી આપી વિસનગર તાલુકો ત્રીજા ક્રમે હતો. આ વર્ષમાં મનરેગા યોજનામાં રૂા.૫ કરોડની આસપાસ કામ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩ મા અત્યાર સુધી ૨૨૩૪૭ માનવદિન કામ થયુ છે.
જાણવા મળ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૨-૨૩ મા વિસનગર તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનામાં ૧૫૦ જેટલા કામોની દરખાસ્ત જીલ્લા પંચાયતમાં મોકલવામાં આવી હતી. જેમાં કેટલશેડ, કાંસ સફાઈ, જંગલ કટીંગ, તળાવ ઉંડા કરવા, પેવરબ્લોક જેવા ૪૭ કામોની મંજુરી મળી છે. છેલ્લા ચાર મહિનાથી મનરેગા યોજનામાં વિસનગર તાલુકા પંચાયતને એક પણ કામની મંજુરી મળી નથી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા મનરેગા યોજનાના ટાર્ગેટ પુર્ણ કરવા તાલુકા પંચાયત કર્મચારીઓ ઉપર દબાણ કરે છે. બીજી બાજુ ગમ તે કારણોસર ૬૦ ટકા લેબર અને ૪૦ ટકા મટેરીયલનો રેશીયો જળવાતો નથી તેવા કારણ દર્શાવી વહિવટી મંજુરી મળતી નથી. જ્યારે બીજા તાલુકામાં રેશીયો જળવાતો ન હોવા છતા વહિવટી મંજુરી આપવામાં આવી હોવાનુ ચર્ચાય છે. થોડા સમય અગાઉ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મનરેગા યોજનાના કામ માટે ડીડીઓને ફોન કરી ભલામણ કરી હતી. છતા મનરેગા યોજનામાં વિકાસકામની કોઈ વહિવટી મંજુરી મળી નથી. જ્યારે અગાઉ ઋષિભાઈ પટેલ ધારાસભ્ય પદે તત્કાલીન ડીડીઓ એમ.વાય.દક્ષીણીને રજુઆત કરતા હતા ત્યારે ધારાસભ્યની રજુઆત ધ્યાને લઈ વહિવટી મંજુરી આપતા હતા. અત્યારે મનરેગા યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડીત દિન દયાળ આવાસ યોજનાના કામ થાય છે. આમ મનરેગા યોજનામાં વહિવટી મંજુરી નહી મળતા વિસનગર તાલુકાના જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને આ વર્ષ ભરપુર અન્યાય થયો છે. કયા કારણે વિસનગર પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે તે જોવાની જવાબદારી હવે કેબીનેટ મંત્રીની તથા ભાજપના આગેવાનોની છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us