શ્રી રામ રથયાત્રાના સ્વાગત માટે સુશોભન સમિતિએ
ખેરાલુ શહેરને દુલ્હનની જેમ શણગારાયુ
ખેરાલુ શહેરમાં યોજાનારી શ્રી રામ રથયાત્રા માટે ખેરાલુ શહેરની સુશોભન સમિતી બનાવવામાં આવી છે. જેમાં ૧૦૦ ઉપરાંત શ્રી રામ ભક્તોએ કોઈ પણ પ્રકારની પ્રસિધ્ધિ કે પ્રસાર પ્રચાર કર્યા વગર છેલ્લા એક અઠવાડીયાથી દરરોજ રાત્રે મોડા સુધી કામગીરી કરીને ખેરાલુ શહેરને દુલ્હનની જેમ શણગારી દીધુ છે. ખેરાલુ શહેરની શ્રી રામ રથયાત્રાના રૂટ સાથે તમામ મંદિરોને શણગારી દીધા છે. જે માટે સમગ્ર ખેરાલુ શહેર શ્રી રામ ભક્તોનો આભાર માનતો જોવા મળ્યો હતો.
ખેરાલુ શહેરમાં શ્રી રામની રથયાત્રાના રૂટને શણગાર્ય પછી લોકોએ એવી માંગ કરી કે યાત્રામાં ન આવતા વિસ્તારોમાં પણ શણગારો જેથી ૧પ૦૦ ઉપરાંત ધજાઓ લાગી ગયા પછી બીજી પ૦૦ ધજાઓ બનાવવી પડી હતી. સુશોભન સમિતિ દ્વારા દરરોજ રાત્રે યાત્રા રૂટ ઉપર જાણે હાલ યાત્રા નિકળવાની હોય તેવો માહોલ ઉભો કરાય છે. લોકોપણ શ્રી રામ ભક્તોને મદદ કરે છે. દરજી સમાજ દ્વારા મફત ધજાઓ યુધ્ધના ધોરણે તૈયાર કરવામાં આવે છે. યાત્રા રૂટ સિવાયના મહેતાવાડ, ચબુતરવાસ, મેઈન બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં ધજાઓ લગાવવાનું શરુ કરાયુ છે. લોકો દ્વારા મોટી સંખ્યામાં બાઈકો, સ્કુટરો, અને ઉપર શ્રી રામના ધ્વજ લગાવી ફરી રહ્યા છે. સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સાયકલો ઉપર શ્રી રામના ધ્વજ લગાવી રહ્યા છે. હાઈવે ઉપર ભાજપ-કોંગ્રેસના નેતાઓ લોકોને શ્રી રામની રથ યાત્રામાં જોડાવા બેનરો લગાવી રહ્યા છે. ખેરાલુ શહેરમાં રામ નવમીનો ઉત્સવ હવે સમગ્ર શહેરનો ઉત્સવ બની ગયો છે. ખેરાલુ શહેરમાં તમામ મકાન-દુકાનો ધરાવતા લોકો શ્રી રામની રથયાત્રામાં જોડાવા થનગની રહ્યા છે. ખેરાલુ શહેરમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી શ્રી રામ રથયાત્રામાં જોડાવા ગામેગામથી લોકો શ્રી રામ સેવા સમિતિના કાર્યકરોનો સંપર્ક કરી રહ્યા છે. શ્રી રામ રથયાત્રામાં સાધુ સંતો પણ આશિર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે. સુશોભન સમિતિએ ખેરાલુ શહેરને દુલ્હનની જેમ શણગારી દીધુ છે.