તા.૧૪-૦૪ પહેલા સહીની તારીખથી દસ્તાવેજ ચાર માસમાં રજુ કરી શકાશે
મિલ્કતો સ્ટેમ્પ માટે સબ રજીસ્ટ્રાર ઓફીસોમાં ઘસારો વઘતા સરકારનો નિર્ણય
- એપ્રીલમાં તા.૧પ-૪ પહેલાની જાહેર રજાઓના દિવસે પણ સબરજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે
મિલ્કતોમાં જંત્રીનો દર તા.૧પ-૪ થી વધારવાની જાહેરાત સાથે જ સબ રજીસ્ટ્રાર ઓફીસોમાં સ્ટેમ્પ માટે ઘસારો વધ્યો છે. ત્યારે મિલ્કત માલિકોને રાહત આપતો સરકાર દ્વારા નિર્ણય કરવામા આવ્યો છે. તા.૧૪-૪-ર૦ર૩ પહેલા પક્ષકારોની સહી કરેલા દસ્તાવેજ સહી કર્યા તારીખથી ચાર માસ સુધી નોંધણી માટે રજુ કરવામા આવશે તો નવો જંત્રી દર લાગુ પડશે નહી. આ સિવાય જંત્રી દર વધારાની તારીખ પહેલાના જાહેર રજાના દિવસોમાં પણ સબરજીસ્ટ્રાર ઓફીસ કાર્યરત રાખવા નિર્ણય કરવામા આવ્યો છે. સરકારના આ પરિપત્રથી સ્ટેમ્પ કરવા માંગતા અરજદારોને રાહત મળી છે.
તા.૧પ-૪-ર૦ર૩થી નવી જંત્રી દર વધારવાની સરકારની જાહેરાત બાદ મિલ્કત લેવા તથા વેચવા માંગતા માલિકોમાં ભારે દોડધામ થઈ રહી છે. સબ રજીસ્ટ્રાર ઓફીસમાં સ્ટેમ્પ કરવા ઘસારો થઈ રહ્યો છે. હાલ પરિસ્થિત એવી છે કે સબ રજીસ્ટ્રાર ઓફીસો ર૪ કલાક ખુલ્લી રાખવામા આવે તો પણ સ્ટેમ્પ માટેનો ઘસારો ઓછો થાય તેમ નથી. ત્યારે મિલ્કતોનો સ્ટેમ્પ કરવા માંગતા અરજદારોને રાહત આપતા સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯પ૮ની કલમ ૩ર-ક ના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી(એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ ના ભાવોમાં તા.૧પ-૪-ર૦ર૩ થી વધારો અમલમાં આવનાર છે. જેથી તા.૧પ-૦૪-ર૦ર૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે નીચે મુજબની સ્પષ્ટતા કરવામા આવે છે.
(૧) તા.૧પ-૦૪-ર૦ર૩ કે તે પછી નોંધણી માટે રજુ થતો દસ્તાવેજ તા.૧પ-૦૪-ર૦ર૩ પહેલા કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧પ-૦૪-ર૦ર૩ પહેલા (તા.૧૪-૦૪-ર૦ર૩ સુધીમા) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલા અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧પ-૦૪-ર૦ર૩ થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહી. પરંતુ તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામા આવશે.
(ર) તા.૧પ-૦૪-ર૦ર૩ પહેલા પક્ષકારો વચ્ચે મિલકતમાં વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામા આવેલ હશે. અને તા.૧પ-૦૪-ર૦ર૩ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામા આવશે. તો તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખ અમલી જંત્રીના (એટલે કે વધારેલા) ભાવ મુજબ થતી મિલકતોની બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂા.૩૦૦/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડયુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની રકમમાં મજરે ગણવામા આવશે.
(૩) રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હીતને ધ્યાનમાં રાખી તા.૦૪-૦૪-ર૦ર૩ , તા.૦૭-૦૪-ર૦ર૩ તથા તા.૦૮-૦૪-ર૦ર૩ ના જાહેર રજાના દિવસોએ રાજ્યની તમામ ર૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામા આવેલ છે. જેથી તા.૦૪-૦૪-ર૦ર૩, તા.૦૭-૦૪-ર૦ર૩ તથા તા.૦૮-૦૪-ર૦ર૩ના રોજ રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.