Select Page

કેબીનેટ મંત્રીશ્રી તક મળી છે તો વિસનગર શહેરનો યાદગાર વિકાસ કરી બતાવો

રાજકારણના ઉથલ ધડામાં બહુ કર્યા

તંત્રી સ્થાનેથી…

લોકહિતની સતત ચિંતા અને નિઃસ્વાર્થ ભાવે અવિરત કામ થતા હોય ત્યારે પ્રજા વાત્સલ્યતા કેળવાતી હોય છે. ઉચ્ચ હોદ્દો મેળવ્યા બાદ અગાઉની જેમજ સરળ સ્વભાવ સાથે સામાન્ય નાગરિક કે કાર્યકરનો સંપર્ક કેળવી શકે તેજ નેતા આગળ વધી શકે છે અને લોકચાહના ટકાવી શકે છે. એક નેતામાં આ સદ્‌ગુણો એટલા માટે જરૂરી છે કે, લોકશાહીમાં દર પાંચ વર્ષે ચુંટણી આવે છે, જેમાં પ્રજા અને કાર્યકરોની જરૂર પડતી હોય છે. મને કોઈની જરૂર પડવાની નથી અને હરાવનાર નથી તેવા ભ્રમમાં રહેતા ભલભલા નેતાઓને ચુંટણીમાં ધોબી પછાડ મળી છે. ચૈત્રી નવરાત્રીની આઠમે આ તંત્રી લેખ લખતા જગત જનની માઁ અંબાને પ્રાર્થના કરીએ કે, વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને એવુ રક્ષા કવચ આપે કે જેમને ગંદા રાજકારણના કોઈ દુર્ગુણ અડી શકે નહી તેમજ ધારાસભ્ય પદે નાત જાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે જે રીતે વિકાસ કાર્યો કરતા હતા તેમજ સામાન્ય નાગરિક કે કાર્યકર સાથે જે સહજતાથી મળતા હતા તેવા સદ્‌ગુણોની ક્યારેય ઓટ આવે નહી. અત્યારે જે માહોલ ઉભો થયો છે તેના કારણે ઋષિભાઈ પટેલ ઉપરથી લોકોનો વિશ્વાસ ડગી ગયો છે અને લોકપ્રીયતા ઘટી રહી છે. સાચુ કહેવાવાળુ કોઈને સાથે ન રાખીએ અને ખુશામતખોરો જ્યારે વીંટળાઈ જતા હોય છે ત્યારે આવો માહોલ ઉભો થતો હોય છે. સરકારમાં અત્યારે વિસનગરને એવુ મજબુત સ્થાન મળ્યુ છેકે, ભૂતકાળમાં ક્યારેય આવી તક મળી નથી. આવી તકનો જો લાભ ઉઠાવવામાં સહેજ પણ વિલંબ થાય તો આવો સમય પાછો આવવાનો નથી. ઋષિભાઈ પટેલના ત્રણ ટર્મના પંદર વર્ષના ધારાસભ્ય કાળમાં ચીલાચાલુ વિકાસ સીવાય કંઈ મળ્યુ નથી. ઋષિભાઈ પટેલ સરકારના કામમાં સતત વ્યસ્ત રહે છે. જે નિષ્ઠાપુર્વક કામ કરતુ હોય તેની સાથે વધુ કામની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે ઋષિભાઈ પટેલ ઉપર સરકારની જવાબદારીઓનુ ભારણ વધવાનુ છે. ત્યારે સરકારની જવાબદારી સાથે તક મળી છે તો વિસનગર શહેરનો યાદગાર વિકાસ કરી બતાવવાની વિશેષ જવાબદારી પણ નિભાવવી પડશે. શરૂઆત અત્યારથી નહી થાય તો પાંચ વર્ષનો સમય ક્યા જતો રહેશે તેની ખબર પણ પડશે નહી. શહેરની હદ બહાર વિસ્તાર વધ્યો છે. પુરતી સુવિધાના અભાવે રહેણાંક સ્કીમોમાં લોકો હેરાન થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી ટી.પી. સ્કીમ પડી નથી. ત્યારે ભાવિ વિકાસને લક્ષમાં રાખી ટી.પી. સ્કીમ દાખલ કરવી જરૂરી બન્યુ છે. સાંસ્કૃતિક નગરી માટે કોમ્યુનીટી હૉલ, રેલ્વે ફાટક ઉપર ટ્રાફીક ન થાય તે માટે ઓવરબ્રીજ, શહેર ગંદકી, દુર્ગંધ અને મચ્છરોથી મુક્ત થાય તે માટે ગટરના નાળા ઉપર સ્લેબ અથવા કમળ પથ, શહેરના લોકો સુરક્ષીત રહે તે માટે સીસીટીવી કેમેરા, તાલુકાનુ નવીન પોલીસ સ્ટેશન, ગૌરવપથનુ સુવિધાયુક્ત રીડેવલોપીંગ, વિગેરે મોટા વિકાસ કાર્યોની લોકો અપેક્ષા રાખીને બેઠા છે. વિસનગર પાલિકા ભવનની જગ્યાની મંજુરી મળી પરંતુ જમીનના દરમાં રકમ ઘટાડવાની ફાઈલ કેબીનેટમાં મંજુરીના અભાવે પડી રહી છે. દર બુધવારે સરકારની કેબીનેટ મળે છે. જેમાં વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ હાજર હોય છે છતા ફાઈલ મંજુર થતી નથી. અન્ય મહત્વના વિકાસના કાર્યો મંજુર થતા કેટલો સમય લાગશે તેનો પાલિકા ભવનની અટકેલી ફાઈલ ઉપરથી અંદાજ મુકવાનો છે. કોઈ આગળ ન નિકળી જાય તેવા ડરથી ઋષિભાઈ પટેલે અનુભવી સંનિષ્ઠ એકપણ સિનિયર કાર્યકર કે આગેવાનને સાથે રાખ્યા નથી. જ્યારે શહેરના મહત્વના વિકાસ કાર્યો ઋષિભાઈ પટેલના એકલા હાથે શક્ય નથી. ત્યારે તક મળી છેતો શહેરનો યાદગાર વિકાસ થાય તે માટે મજબુત ટીમવર્ક થાય તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us