મામલતદાર ઓફીસમાં બેસતા માતા અને પુત્ર દ્વારા માસિક રૂા.ર.૬૦ લાખ ઉઘરાવાય છે
વિજાપુરમાં મધ્યાહ્ન ભોજન સંચાલકો પાસેથી મોટો હપ્તો ઉઘરાવવાનો હોવાના એક સામાજીક કાર્યકરના આક્ષેપથી ખળભળાટ વ્યાપો છે. મામલતદાર ઓફીસમાં અડ્ડો જમાવનાર માતા અને પુત્રની કરતુતો સામે ગંભીર આક્ષેપ થયા છે. ત્યારે કોના ઈશારાથી મધ્યાહ્ન ભોજન સંચાલકોને માતા પુત્ર લુંટી રહ્યા છે તે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિજાપુર મામલતદાર ઓફીસમાં મધ્યાહ્ન ભોજન શાખામાં બેસીને વહીવટ કરતા એક મહિલા અને તેના પુત્રની કરતુતોના કારણે મધ્યાહ્ન ભોજન સંચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળના પુર્વ પ્રમુખ તથા સામાજીક કાર્યકર બીલીયાના જયંતિજી વી.ઠાકોર દ્વારા વિજાપુર મામલતદાર ઓફીસ તેમજ કલેકટર ઓફીસમાં ગંભીર આક્ષેપ કરતી રજુઆત કરવામા આવી છે. જયંતિજી ઠાકોરે જણાવ્યુ છે કે વિજાપુર મામલતદાર ઓફીસની મધ્યાહ્ન ભોજન શાખામાં એક મહિલા અને તેનો પુત્ર સીસીટીવી કેમેરા વગરની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ બન્ને માતા પુત્રને ઓફીસમાં મદદરૂપ થવા બેસાડવામા આવ્યા છે. ત્યારે ઓફીસની ખુરશીની મર્યાદા ઓળંગી મધ્યાહ્ન ભોજન સંચાલકો પાસેથી દર માસે રૂા. ર.૬૦ લાખની માતબર રકમના હપ્તા ઉઘરાવવામાં આવે છે. ગાંધીનગર અને વિજાપુરના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા હોવાના કારણે મધ્યાહ્ન ભોજન સંચાલકો બોલી શકતા નથી. આ મહિલા અને તેનો પુત્રને કોઈ સત્તા નહી હોવા છતા સંચાલકોના સેન્ટરો તપાસવા દસ્તાવેજો તપાસીને રોફ જમાવી રહ્યા છે. મધ્યાહ્ન ભોજનમાં સ્ટાફ નહી હોવાના બહાને મહિલા અને તેના પુત્રને બેસાડવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારના આઉટ શોસીંગથી બેરોજગાર યુવાનોને જવાબદારી સોંપી શકાય તેમ છે. અધુરો સ્ટાફ હોય તો એકજ ઘરના બે વ્યક્તિને કેમ બેસાડવામા આવ્યા છે. તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ગેરકાયદેસર રીતે ઉઘરાયેલ રકમ સંચાલકોને પરત કરવા તેમજ મધ્યાહ્ન ભોજન સંચાલકોને થતી ખોટી કનડગત બંધ કરવા રજુઆત કરવામા આવી છે.
નોંધપાત્ર બાબત છે કે વિજાપુર તાલુકામાં મધ્યાહ્ન ભોજનમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવા કલેકટર દ્વારા વિજાપુર મામલતદારને જાણ કરવામા આવી છે. વિજાપુર ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડાએ પણ મધ્યાહ્ન ભોજન સંચાલકો પાસેથી પેશગી ૧પ ટકા રકમ ઉઘરાવી થતી ગેરરીતી ભ્રષ્ટાચાર અટકાવવા નાયબ કલેકટર મધ્યાહ્ન ભોજન શાખાને રજુઆત કરવામા આવી છે ત્યારે હજુ સુધી કોઈ તપાસ થઈ નથી.