મહેસાણા જીલ્લામાં મચ્છર નિયંત્રણની કામગીરીના કોન્ટ્રાક્ટ મુદ્દે
- મચ્છર નિયંત્રણની કામગીરી કરનાર કંપની સુંઢિયા સીટના ભાજપના મહિલા સદસ્યાના પતિની છે તેવી માહિતીથી શું જીલ્લા પંચાયતના અધિકારી અજાણ હતા?
- આ કંપનીને બિલના નાણાં ચુકવી ફરજ ઉપર બેદરકારી દાખવનાર જીલ્લા પંચાયતના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ
મહેસાણા જીલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની કામગીરીનો કોન્ટ્રાક્ટ જીલ્લા પંચાયતના ભાજપના સદસ્યાના પતિની એજન્સીને આપવાના મુદ્દે કોંગ્રેસના મહિલા સદસ્યાએ ડી.ડી.ઓને લેખિત રજુઆત કરી પંચાયત ધારાના નિયમ મુજબ ભાજપના મહિલા સદસ્યાને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા તેમજ એજન્સીને ચુકવેલ બિલના નાણાં રિકવર કરવાની માગણી કરી હતી. જેમાં નાયબ ડી.ડી.ઓએ ભાજપના મહિલા સદસ્યાને નોટીસ પાઠવી સોમવારે (આજે) ખુલાસો રજુ કરવાનુ જણાવતા આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.
મહેસાણા જીલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની કામગીરી માટે તા.૧૪-૭-૨૦૨૨ના રોજ મહેસાણાની પ્રાઈમ યુએવી પ્રા.લી. કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીના એમ.ડી મહેસાણા જીલ્લા પંચાયતના સુંઢિયા સીટના ભાજપના સદસ્યા ભાવિષાબેન પટેલના પતિ પ્રદિપભાઈ છે. જેમની કંપનીએ વિસનગર અને મહેસાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણ માટે દવા છંટકાવની કામગીરી કરી હતી. જેનું રૂા.૧૯,૯૪,૨૦૦/- બિલ ચુકવવા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવતા વિવાદ થયો હતો છતાં આ કંપનીને બિલના નાણાં ચુકવાતા જીલ્લા પંચાયતના સવાલા સીટના કોંગ્રેસના સદસ્યા રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ તા.૧૫-૨-૨૦૨૩ના રોજ મહેસાણા ડી.ડી.ઓ. ડા.ઓમપ્રકાશ અને વિકાસ કમિશ્નર ગાંધીનગરને પત્ર લખી રજુઆત કરી હતી કે ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરનાર કંપની સુઢિયા જીલ્લા સદસ્યા ભાવિષાબેન પટેલના પતિની છે. પંચાયત ધારાના નિયમ મુજબ કોઈપણ સદસ્યાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત ધરાવતા સબંધીને કોઈપણ કામનો કોન્ટ્રાક્ટ આપી શકાય નહી. જેથી પંચાયતધારાની કલમ ૩૦(જ) મુજબ કાર્યવાહી કરીને સુંઢિયા સીટના મહિલા સદસ્યાને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા જોઈએ તેવી માગણી કરી હતી. કોંગ્રેસના મહિલા સદસ્યની રજુઆતને પગલે નાયબ ડી.ડી.ઓ (પંચાયત)એ સુંઢિયા સીટના ભાજપના મહિલા સદસ્યાને નોટીસ પાઠવી તા.૩-૪ના રોજ (આજે) ૧૧-૦૦ કલાકે પોતાનો ખુલાસો રજુ કરવાનુ જણાવ્યુ છે.
અત્રે નોંધપાત્ર બાબત છે કે મહેસાણા જીલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની કામગીરી માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કંપની સુંઢિયા સીટના ભાજપના મહિલા સદસ્યાના પતિની છે તેવી માહિતીથી શું જીલ્લા પંચાયતના અધિકારી અજાણ હતા? જો આ અધિકારીને પાછળથી બ્રહ્મજ્ઞાન થયુ હોય તો તેમને આ કંપનીને બિલનો ચેક આપવામાં ઉતાવળ કેમ કરી? શું આ અધિકારીને બિલના નાણાંનો ચેક આપવાથી કોઈ મોટો ફાયદો થતો હતો? શું આ અધિકારી પોતાના ફાયદા માટે જીલ્લા પંચાયતના કોઈ વ્યક્તિના ઈશારે વહીવટ કરી રહ્યા છે? તેવા અનેક સવાલો જીલ્લાના બુધ્ધીજીવી પદાધિકારીઓ અને આગેવાનોના મગજમાં વલોણાની જેમ ફરી રહ્યા છે. ત્યારે સરકારે આ કંપનીને બિલના નાણાં ચુકવી ફરજ ઉપર બેદરકારી દાખવનાર જીલ્લા પંચાયતના જવાબદાર અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરી ભાજપ સરકાર ભ્રષ્ટાચાર વિરોધી સરકાર છે તેવુ પ્રજા આગળ સાબિત કરવુ જોઈએ. આ તો ભાજપના મહિલા સદસ્યાને નોટીસ આપી જીલ્લાના અધિકારી પોતે દુધના ધોયેલા છે તેવુ લોકો આગળ સાબિત કરી રહ્યા હોવાનું જીલ્લા પંચાયતના સદસ્યો અને આગેવાનો ચર્ચા કરી રહ્યા છે.