Select Page

ચુંટણી પહેલા નાનામા નાના કાર્યક્રમોમાં હાજરી આપનારકેબીનેટ મંત્રી ઋષિભાઈની રામનવમી શોભાયાત્રામાં ગેરહાજરી

રામમંદિરના નામે હિન્દુત્વના મુદ્દા ઉપર ભાજપ સત્તા ઉપર આવ્યુ છે. ત્યારે વિસનગરમાં રામનવમીની શોભાયાત્રામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ગેરહાજરી ટીકાપાત્ર બની હતી. ઋષિભાઈ પટેલના કારણે આખુ ભાજપ સંગઠન શોભાયાત્રાના પ્રસ્થાન સમયે નહી દેખાતા તેની પણ લોકોએ નોધ લીધી હતી.
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ રામ મંદિરની જગ્યાનો વિવાદ ઉકેલી મંદિર નિર્માણ કાર્ય શરૂ કરતા આજે સમગ્ર દેશમાં હિન્દુ સમાજ જાગૃત બન્યો છે. રામ મંદિર નિર્માણના કારણે રામનવમીએ દેશમાં અનેક સ્થળે રામરથયાત્રા શોભાયાત્રાના આયોજનો થઈ રહ્યા છે. વિસનગરમાં છેલ્લા બે વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા રામનવમીની શોભાયાત્રાનુ આયોજન થઈ રહ્યુ છે. આ વર્ષે રામનવમીએ ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર ફરી હતી. રામનવમીના પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. સવારે ૯-૩૦ કલાકે શોભાયાત્રાના પ્રસ્થાન સમયે કેબીનેટ મંત્રી ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ ગમે તે કારણોસર હાજર રહી શક્યા નહોતા. શોભાયાત્રાના પ્રસ્થાન સમયે કાર્યક્રમનુ સંચાલન કરનાર વિ.એચ.પી. જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે કામગીરીની વ્યસ્તતાના કારણે કેબીનેટ મંત્રી ઉપસ્થિત રહી શક્યા નહી હોવાનુ જણાવ્યુ હતુ. શોભાયાત્રામાં કેબીનેટ મંત્રી હાજર નહી રહેતા વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ જોવા મળ્યા નહોતા. ભાજપ રામના નામે મત માગે છે ત્યારે રામલલ્લાની શોભાયાત્રામાં કેબીનેટ મંત્રી, તેમના ટેકેદાર કાર્યકરો કે સંગઠનના એક પણ હોદ્દેદાર હાજર નહી રહેતા ફક્ત ચુંટણી પુરતાજ રામ યાદ આવે છેકે શુ તેવી ચર્ચા થઈ હતી.
શોભાયાત્રા દરમ્યાન પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ જોવા મળ્યા હતા. જ્યારે શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા દ્વારા શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો. આ સીવાય કેબીનેટ મંત્રી જુથના એકપણ કાર્યકર કે આગેવાન જોવા મળ્યા નહોતા. રામનવમી શોભાયાત્રામાં કેબીનેટ મંત્રીની ઘેરહાજરીથી લોકોએ ટીકા કરી હતી કે, વિધાનસભાની ચુંટણી પહેલા પણ ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી પદે હતા. સવા વર્ષમાં ઋષિભાઈ પટેલે દિવસ રાત જોયા વગર મહેનત કરી સરકારમાં કર્મનિષ્ઠ મંત્રી તરીકેની છાપ ઉભી કરી હતી. સવા વર્ષમાં સરકારની જવાબદારી સંભાળવા છતા કેબીનેટ મંત્રી વિસનગરમાં નાનામાં નાના કાર્યક્રમમાં હાજરી આપતા હતા. હવે ચુંટણી પતી ગયા બાદ હમણા કાર્યકરો કે મતદારોની જરૂર પડવાની નહી હોવાથી હવે કેબીનેટ મંત્રી નાના કાર્યક્રમોમાં તો શું પણ રામનવમીની શોભાયાત્રાના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાનુ યોગ્ય સમજતા નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts