Select Page

કોમ્યુનીટી હૉલ નહી બનાવતા કેબીનેટ મંત્રીના પગ તળેજ રેલોતંત્ર ગંજબજાર ભોજનાલયમાં સરકારી કાર્યક્રમ માટે મજબુર

સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વિસનગરમાં ઋષિભાઈ પટેલ સતત ત્રણ ટર્મ ધારાસભ્ય પદે રહી ચોથી ટર્મ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પરંતુ ત્રણ ટર્મમાં શહેરમાં કોમ્યુનીટી હૉલ નહી બનાવી શકતા આ નિષ્ફળતાથી કેબીનેટ મંત્રીના પગ તળેજ રેલો આવ્યો છે. વિસનગરમાં સરકારી કાર્યક્રમો થઈ રહ્યા છે. પરંતુ કોમ્યુનીટી હૉલના અભાવે તંત્રને માર્કેટયાર્ડ ઓફીસના હૉલમાં હોય કે ભોજનાલય હૉલનો ઉપયોગ કરવા મજબુર થવુ પડ્યુ છે. કાર્યક્રમમાં આવતા રાજ્ય કક્ષાના અધિકારીઓ હૉલની વ્યવસ્થા નહી હોવાનુ જાણી આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
વિસનગરમાં ઋષિભાઈ પટેલ સતત ચોથી ટર્મ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પરંતુ ઋષિભાઈ પટેલ તેમના ધારાસભ્ય કાળમાં શહેરમાં કોમ્યુનીટી હૉલ નહી બનાવી શકતા તેમનેજ સહન કરવાનો સમય આવ્યો છે. અત્રે એ પણ યાદ કરવુ જરૂરી છેકે નૂતન હાઈસ્કુલની બાજુમાં આવેલ જયશંકર સુંદરી હૉલના રીનોવેશન માટે ઋષિભાઈ પટેલે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવી હતી. પરંતુ હૉલની જગ્યા નૂતન કેળવણી મંડળના નામે બોલતી હોવાથી ગ્રાન્ટનો ઉપયોગ થઈ શક્યો નહોતો. તે સમયે નૂતન કેળવણી મંડળના ચેરમેન ભોળાભાઈ પટેલ હતા. જેથી રાજકીય પ્રતિસ્પર્ધિ હોવાના કારણે હૉલની જગ્યા સરકાર હસ્તક કરી શકાઈ નહોતી. ત્યારબાદ પ્રકાશભાઈ પટેલ કેળવણી મંડળના ચેરમેન બન્યા. પરંતુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ મિત્રતાનો લાભ લઈ શક્યા નહી અને હૉલનુ રિનોવેશન થયુ નહી. વિસનગરમાં ઘણી જગ્યાઓ કોમ્યુનીટી હૉલના લાયક છે. જેમાં મોટા સમાજોનુ દબાણ હોઈ આ જગ્યાઓનો કોમ્યુનીટી હૉલ માટે ઉપયોગ થઈ શકે તેમ નથી. આમ સાંસ્કૃતિક નગરીમાં હૉલ બનાવવા કોઈ પ્રયત્ન નહી કરતા કેબીનેટ મંત્રીનેજ નડી રહ્યુ છે.
જયશંકર સુંદરી હૉલનુ રિનોવેશન કરી ઉપયોગમાં લેવામાં આવે તો ૪૦૦ ની બેઠક વ્યવસ્થાની સુવિધા મળી શકે
કેબીનેટ મંત્રી સરકારમાં બીજા નંબરનો હોદ્દો ધરાવતા હોવાથી વિસનગરમાં સરકારી કાર્યક્રમોનો ધમધમાટ વધ્યો છે. ગત સપ્તાહમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ, મેઘા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પ આરોગ્ય વિભાગ દ્વારા યોજાયો હતો. કોમ્યુનીટી હૉલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી તંત્રને ગંજબજારના ભોજનનાલય હૉલમાં કાર્યક્રમ કરવો પડ્યો હતો. જ્યાં કોઈ બેઠક વ્યવસ્થા નહી જળવાતા લોકો ભોજનાલયના ડાઈનીંગ હૉલમાં બેસવા મજબુર થયા હતા. આ કાર્યક્રમમાં જીલ્લાના અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ સરકારમાં મહત્વની જવાબદારી સંભાળતા કેબીનેટ મંત્રીના શહેરમાં કોમ્યુનીટી હૉલ નહી હોવાનુ જાણી આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં જીલ્લાના અન્ય તાલુકાના ધારાસભ્યો અને ભાજપના અદના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ વ્યાજખોરી ડામવાના અભિગમ રૂપે લોન માર્ગદર્શન કાર્યક્રમ પણ વિસનગરમાં યોજાયો હતો. કોમ્યુનીટી હૉલ નહી હોવાથી આ કાર્યક્રમ પણ માર્કેટયાર્ડની ઓફીસના હૉલમાં યોજાયો હતો. એસ.કે.યુનિવર્સિટી કેમ્પસમાં ૩૦૦ થી ૪૦૦ ની બેઠક વ્યવસ્થા ધરાવતા હોલ છે. પરંતુ કેબીનેટ મંત્રી સરકારી કાર્યક્રમ માટે સંમતી આપે નહી.
ઋષિભાઈ પટેલ સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવે છે ત્યારે તેમની આજ્ઞાની કોઈ અવગણના કરે નહી તે ચોક્કસ વાત છે. જયશંકર સુંદરી હૉલ સરકાર હસ્તક લઈ રિનોવેશન કરે તો ૪૦૦ થી બેઠક વ્યવસ્થા થઈ શકે તેમ છે. એમ.એન.કોલેજમાં કોમ્યુનીટી હૉલ બની રહ્યો છે. પરંતુ હોલ બન્યા બાદ વારંવાર કાર્યક્રમો કરવામાં આવશે તો શૈક્ષણિક કાર્યમાં ખલેલ પડશે. જેથી કેબીનેટ મંત્રી શહેરમાં મોટી જગ્યા શોધી કોમ્યુનીટી હૉલ બનાવે તે ખુબજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us