Select Page

વિસનગરના ગામડામાં ચોરીનો હાહાકાર મચાવનાર ગેંગ જબ્બે

એલ.સી.બી.ટીમે ચોરીની રીક્ષા અને બાઈક જપ્ત કર્યા

  • ભુંડ પકડવાના બહાને ગામડામાં ફરી દૂધ મંડળીઓને ટાર્ગેટ બનાવતા હતા
  • ચોરી કરતી ગેંગ ખેરાલુની, બે આરોપી પકડાયા બે વોન્ટેડ
વિસનગર તાલુકાના ગામડામાં ચોરીના વધતા બનાવોથી ગ્રામજનોની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારે એલ.સી.બી. ટીમે બાતમી આધારે મહેસાણા પાસેથી ચોરીમાં વપરાતી લોડીંગ રીક્ષા લઈને બેને ઝડપ્યા હતા. જેમણે વિવિધ ગામમાં કરેલી ચોરીના ગુના કબુલ્યા હતા. ભુંડ પકડવાના બહાને ખેરાલુની આ ગેંગ રેકી કરી દૂધ મંડળીઓને ટાર્ગેટ કરતી હતી. પોલીસે ચોરીની રીક્ષા, બાઈક સાથેનો મુદ્દામાલ કબજે કરતા તાલુકાના લોકો ચોરીના ભયમાંથી મુક્ત થઈ હાશકારો અનુભવી રહ્યા છે.
વિસનગર તાલુકાના ગામડામાં દૂધ મંડળીઓને ટાર્ગેટ કરી રોકડ રકમની ચોરીના બનાવો વધ્યા હતા. આતરે દિવસે ચોરી થતી હોવા છતા સ્થાનિક પોલીસ ચોરોને શોધવામાં નિષ્ફળ નિવડી હતી. ચોરીનુ પગેરૂ શોધવા માટે એલ.સી.બી. ટીમે ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. અલગ અલગ ૩૫ જેટલા સીસીટીવી કેમેરા તથા નેત્રમ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. એલ.સી.બી. પી.એસ.આઈ. એચ.એલ.જોષી, અન્ય સ્ટાફ સાથે મહેસાણા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન જી.જે.૦૨ વાય વાય ૯૮૭૧ નંબરની રીક્ષામાં ચોરીના ગુનાના શકમંદ ઈસમો નિકળતા મહેસાણા સાંઈબાબા મંદિરથી લાખવડ ગામ તરફ જતા ઝડપ્યા હતા. શકમંદ ઈસમોની પુછપરછ કરતા સનીસીંગ તુફાનસીંગ ગુરૂબચ્ચનસીંગ સરદાર (ચીખલીગર) ઉં.વ.૨૩ રહે ખેરાલુ ઈન્દીરાનગર વૃંદાવન ચાર રસ્તા તથા પપ્પુભાઈ ચેલાભાઈ દેવીપૂજક ઉં.વ.૨૨ રહે બહેલીમવાસની પાછળ દેવીપૂજક વાસ ખેરાલુ વાળા હોવાનુ જણાવ્યુ હતુ. પકડાયેલ ઈસમોની કડક પુછપરછ કરતા વિસનગર તાલુકાના મગરોડા ગામમાં લોડીંગ રીક્ષા લઈ દૂધ ડેરીમાં તાળા તોડી રૂા.૩૫,૦૦૦/- ની ચોરી કરી હોવાનુ, મેઘાઅલીયાસણા ગામની દૂધ ડેરીમાં ચોરી કરવા ગયા હોવાનુ જ્યા ચોરી નહી કરી ડેરી નજીક પડેલી જી.જે.૦૨ વાય વાય ૯૮૭૧ નંબરની રૂા.૧,૦૦,૦૦૦/- ની કિંમતની રીક્ષાની ચોરી કરી હોવાનુ, સદુથલા ગામની ડેરીમાંથી રૂા.૬૫,૦૦૦/- ની ચોરી કરી હોવાનુ, કંસારાકુઈ ગામમાં ડેરી નજીક પાર્લર આગળ પડેલ જી.જે.૦૨ બી.કે. ૬૨૫૨ નંબરનું બાઈક ચોરી કરી હોવાનુ, ચિત્રોડીપુરા ગામમાં ડેરીનુ તાળુ તોડી અવાજ થતા ચારેય રીક્ષા લઈ નિકળી ગયા હોવાનુ, ચિત્રોડા ગામે બે પાન મસાલાના ગલ્લા તોડી એકમાંથી રૂા.૩૦૦ ની રોકડ તથા     બીજામાંથી રૂા.૩૫૦૦ ની ચોરી કરી હોવાનુ તેમજ દેલા ગામમાં ડેરીના તાળા તોડતા અવાજ થતા નિકળી ગયા હોવાનુ કબુલ્યુ હતુ.
એલ.સી.બી.એ રૂા.૧૦,૦૦૦ રોકડ, રૂા.૧૦,૦૦૦/- ની કિંમતના બે મુદ્દામાલ, રીક્ષા બાઈક, લોડીંગ રીક્ષા, ચોરીમાં વપરાયેલ લોખંડનુ પાનુ તથા લોખંડના સળીયા સહિત કુલ રૂા.૨,૯૦,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોરીની આ ગેંગમાં બોબીસીંગ તુફાનસીંગ ગુરૂબચ્ચનસીંગ સરદાર (ચીખલીગર) રહે ઈન્દીરાનગર વૃંદાવન ચાર રસ્તા ખેરાલુ તથા પ્રેમસંગ તુફાનસીંગ ગુરૂબચ્ચનસીંગ સરદાર (ચીખલીગર) રહે ઈન્દીરાનગર વૃંદાવન ચાર રસ્તા ખેરાલુ વાળા પણ સામેલ હતા. જે બન્નેની પોલીસ શોધખોળ કરી રહી છે.
ગામડામાં ચોરીનો હાહાકાર મચાવનાર આ ગેંગ લોડીંગ રીક્ષામાં નિકળી ગામડાઓમાં ભુંડ શોધવા ફરતા હતા. આ દરમ્યાન ગામડાઓની દૂધ મંડળીઓની રેકી કરી રાત્રે ટાર્ગેટ બનાવતા હતા. કોઈને શક પડે નહી તે માટે ચોરી કરવા જતા પહેલા અને ચોરી કર્યા બાદ કપડા બદલતા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts