કોરોનાના વધતા કેસમાં સાવચેતીજ બચાવશે – બદલાતા વેરીઅન્ટ ગમે ત્યારે જીવલેણ હુમલો કરી શકે છે
તંત્રી સ્થાનેથી…
વર્ષ ૨૦૨૦ થી શરૂ થયેલી વિશ્વવ્યાપી કોરોનાની મહામારી જેમણે જોઈ છે તે ક્યારેય ભુલી શકશે નહી. દવાઓ, ઓક્સીજન બેડ, વેન્ટીલેટર, ઓક્સીજનની તંગીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્મશાનોમાં અંતિમ વિધિ માટે મૃતદેહોની લાઈનો જેવા જીવનમાં જોયા ન હોય તેવા અનેક બનાવો લોકોએ જોયા છે. કોરોનાએ વૈશ્વીક અર્થવ્યવસ્થા તોડી નાખી છે. આ મહામારીમાંથી લોકો હજુ બહાર આવી શક્યા નથી, ત્યાં કોરોનાના નવા નવા વેરીઅન્ટના થતા હુમલાથી કેન્દ્ર સરકારની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાને વારંવાર સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે. છેલ્લા મહિનાઓમાં એક્ટીવ કેસની સંખ્યા ૪૧૦૦૦ ને પાર જોવા મળી રહ્યા છે. રોજના ૭૮૦૦ ઉપરાંત્ત નવા કેસ સામે આવી રહ્યા છે. ICMR અને નિષ્ણાતોના મત પ્રમાણે XBB.1.16 નામનો વેરીઅન્ટના કારણે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે પરંતુ અગાઉના વેરીએન્ટની જેમ ઘાતક નહી હોવાથી દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. કોરોના સંક્રમણ અને તેની ઘાતક અસરોના કારણે સરકારે અગાઉ ઘણુ સહન કર્યુ છે. જે પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે વારંવાર મોકડ્રીલ કરી ઓક્સીજન પ્લાન્ટ, ઓક્સીજન બેડ, વેન્ટીલેટર, દવાઓનો જથ્થો વિગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. સરકાર તથા આરોગ્ય વિભાગ કોરોના બાબતે સતર્ક છે. પરંતુ લોકો કોરોનાની ભયાનકતા ભુલી ગયા છે. લોકોએ એ નથી ભુલવાનુ કે કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. કોરોનાની એક યા બીજા સ્વરૂપે સતત સતામણી ચાલુ છે. કોરોના વચ્ચે જીવતા શીખી ગયા છીએ ત્યારે આ મહારોગ સામે સાવધાની કે સતર્કતા ન રાખવી તે મોટી ભુલ સાબીત થશે. નવા નવા વેરીઅન્ટ સ્વરૂપે કોરોના જીવલેણ હુમલો કરી શકે તેમ છે. કોરોનાની વેક્સીન લીધા બાદ બે વર્ષ પુરા થવા આવ્યા છે. નિષ્ણાતોના મતે વેક્સીનની અસર છ માસ પુરતી મર્યાદિત છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. ગીચ વસતી ધરાવતા ચીનમાં કોરોના સંક્રમણના કેસ વધતા હજુ પણ લોકડાઉન જેવી નોબત આવે છે. WHO ના નિષ્ણાતોએ ચેતવણી આપી છેકે વેક્સીન લીધા બાદ ઘણો સમય થયો હોવાથી ભારતમાં ગમે ત્યારે કોરોનાનો વિસ્ફોટ થઈ શકે તેમ છે. હમણા ગયા મહિનામાજ ઈન્ફ્લુએન્જાનો વેરીઅન્ટ H3N2 ના વાયરસનો લોકોએ અનુભવ કર્યો છે. કોરોનાની જેમ આ વાયરસથી શરદી, તાવ, ઉધરસના અનેક દર્દીઓથી હોસ્પિટલ તથા ક્લીનીક ઉભરાયા હતા. ટી.બી.પેશન્ટ હોય અને વર્ષોથી ઉધરસ ઘર કરી ગઈ હોય તેટલી હદે લોકો ઉધરસ ખાતા જોવા મળતા હતા. કોરોના મહામારીમાં લોકો એક વાયરસથી બહાર આવે છે અને તુર્તજ નવો વેરીઅન્ટ ત્રાટકે છે. ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધતા ચીંતીત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને સતર્ક તથા સજ્જ રહેવા વારંવાર તાકીદ કરવામાં આવે છે. દેશની તમામ હોસ્પિટલોને તાત્કાલીક સારવારની જરૂરીયાત ઉભી થાય તો ઓક્સીજન પ્લાન્ટ, ઓક્સીજન બેડ, વેન્ટીલેટર, દવાઓ વિગેરે કોરોનાને લગતા તબીબી ઉપકરણોથી સુસજ્જ થવા સુચન કરવામાં આવ્યા છે. ટ્રેક, ટેસ્ટ, ટ્રીટ, વેક્સીનેશન તેમજ કોરોનાના નિયમોનુ ચુસ્ત પાલન કરવા સરકારે પાંચ પાંખીયો વ્યુહ અપનાવી આ મહામારી સામે સાવચેતી રાખી છે. કોરોના સામે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આ મહામારી સામે સાવચેતી રાખવાની લોકોની પણ એટલીજ જવાબદારી તથા ફરજ થઈ પડે છે. કોરોનાને હંફાવવા તેના નિયમોનુ ચુસ્ત પાલન કરવુ એ પણ એક પ્રકારના વેક્સીનના ડોઝ બરોબર છે.