Select Page

ખેરાલુ પાલિકાના રૂા.ર.ર૬ કરોડનો ટેન્ડર વિવાદ RCMમાં

ખેરાલુ પાલિકા દ્વારા રૂા. ર.ર૬ કરોડના ખર્ચે ખેરાલુ શહેરના ૩૧ વિકાસ કામોનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. જેને ખોલવાનો સમય પાલિકાની ટર્મ પુરી થયા પછી હોવાથી કોન્ટ્રાકટરોએ રીંગ કરી હતી જેમા એક કોન્ટ્રાક્ટરને રીંગના નાણા ન મળતા હોબાળો થયો હતો. જેની જાણ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિને થઈ હતી. તેમણે તાત્કાલિક પાલિકા સભ્યોની મિટીંગ બોલાવી ચિફ ઓફીસર સમક્ષ લેખિત વાંધો રજુ કર્યો હતો. તેમજ આ વાંધામાં પાલિકા પ્રમુખે હેમન્તભાઈ શુકલએ પણ સહી કરી યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. અંતે ટેન્ડર રદ કરાયુ પરંતુ તે સમયે પાલિકા સભ્યોની ટર્મ પુરી થઈ ગઈ હતી. ચિફ ઓફીસરે ફરીથી ટેન્ડર બહાર પાડવા વહીવટદાર મામલતદાર સમક્ષ મંજુરી માંગી. પાલિકા ચિફ ઓફીસર  અને વહીવટદાર વચ્ચે રી ટેન્ડરીંગ બાબતે વિવાદ થતા ખેરાલુ ચિફ ઓફીસર ઉમાબેન રામીણા દ્વારા ગાંધીનગર આર.સી.એમ. (રીઝીયોનલ કમિશ્નર મ્યુનિસિપાલીટી) સમક્ષ રી ટેન્ડરીંગ બાબતે સલાહ લેવા ફાઈલ મોકલી દીધી છે.
 ખેરાલુ પાલિકાના વહીવટદાર મામલતદારને ખેરાલુ શહેરનો વિકાસ ઝડપથી થાય તેમાં રસ હોય તેવું લાગતુ નથી. રૂા. ર.ર૬ કરોડના ૩૧ વિકાસ કામો થાય તો તેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે. આ બાબતે પાલિકાના વહીવટદાર સારી રીતે જાણે છે. છતા રી-ટેન્ડરીંગને અટકાવી દીધુ છે. પાલિકાના રૂા.ર.ર૬ કરોડના ૩૧ વિકાસ કામોમાં ચિમનાબાઈ સરોવરની કેનાલથી કુંભારવાડ સુધી પાઈપલાઈન નંખાશે જેથી કુંભારખાડ તળાવ ઓવરફલો થશે ત્યારબાદ સવળેશ્વર તળાવમાં પાણી આવશે. એક જ પાઈપ લાઈનથી બે તળાવો વરસાદી પાણીથી ભરાશે. ઝાલી તળાવ પાછળ રેલ્વે નાળા નીચેથી પ્રજાપતિ સમાજના ખેતર પાસે ચોમાસામાં જોડિયા વિસ્તારનું પાણી સીધુ રૂપેણ નદીમાં જાય છે. તેને અટકાવી ઝાલી તળાવમાં પાઈપ લાઈન દ્વારા લાવવામાં આવશે. ઝાલી તળાવ ચોમાસામાં ઓવરફલો થશે તેનુ પાણી રૂપેણ નદીમાં જશે. જેથી ઝાલી તળાવ ઓછા વરસાદમાં પણ છલોછલ ભરાઈ જશે. મહાકાળેશ્વર મંદિરનું ડેવલપમેન્ટ, વૃદાંવન મહાદેવમાં બાકી રહેતો રોડ, મોઈઠા તળાવ પાસેના મહાકાળી માતા મંદિરમાં બ્લોક અને સંરક્ષણ દિવાલ, માતીપરાના નાળા પાસેથી પંચમુખી હનુમાનજી મંદિર પાછળનો રોડ  જે રસુલપુર- ખેરાલુને જોડતો બાયપાસ રોડ, જુના ગંજબજાર પાસેનો સદીકપુરને જોડતો રોડ, ખેરાલુ શહેરના એક્તા નગરમાં પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ દ્વારા ગટરલાઈન નાંખવા ખાસ મંજુરી અપાઈ છે. ગોરજીની વાવથી દેસાઈ (રબારી) સમાજના ખેતરો સુધી જી.આઈ.ડી.સી.પાછળનો રોડ, ખોખરવાડા સંઘથી રાજ રેસીડેન્સી  થઈ હરી હરેશ્વર મહાદેવ મંદિરનો રોડ, ઝાલી તળાવ પાછળ વણઝારા વસાહતમાં ગટરલાઈન, આ સીવાય બીજા નાના કામો જેમાં ગટર લાઈનો, પાણીની લાઈનો નાના રોડ, બ્લોક નાંખવા જેવા ૩૧ કામોનું ટેન્ડરીંગ કરાયુ હતુ. જેના રી-ટેન્ડરીંગમાં વહીવટદાર દ્વારા વિવાદ કરાતા ભાજપની વોટ બેંકને અસર થાય તેમ છે.
ખેરાલુ ચિફ ઓફીસર ઉમાબેન રામીણા દ્વારા યુધ્ધના ધોરણે ગાંધીનગર આર.સી.એમ.પાસેથી મંજુરી મેળવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આર.સી.એમ. ઓર્ડર કરશે ત્યારે વહીવટદારને કામગીરી કરવી જ પડશે. ભાજપ વિરોધી માનસિકતા ધરાવતા વહીવટદાર વિરૂધ્ધ કલેકટરશ્રી તેમજ આર.સી.એમ. સમક્ષ ફરીયાદ કરાયાનું ચર્ચાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us