Select Page

વસતી વધારાના રોદણાં રોવાનુ બંધ કરો – ભારત વધુ આર્થિક વિકાસ કરવા સક્ષમ

તંત્રી સ્થાનેથી…

સંયુક્ત રાષ્ટ્રએ અભ્યાસ ને વિશ્લેષણ બાદ ભારતને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જાહેર કરી દીધો છે. વિશ્વના નકશામાં ૨.૪ ટકા ભુમિ ધરાવતા ભારત દેશમાં વિશ્વની પાંચમાં ભાગની વસતી રહે છે. અમેરિકા, આફ્રિકા અને યુરોપની કુલ વસતી કરતા ભારતની વસતીનો આંક ઉંચો છે. આપણા દેશની કુલ વસતી ૧૪૨ કરોડ અને ૮૬ લાખની થઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારત સૌથી વધુ વસતી ધરાવતો દેશ જાહેર કરતા દેશમાં વસતી વિસ્ફોટની ટીપ્પણી, ચર્ચાઓ અને ટીકાઓ થવા લાગી છે. અત્યાર સુધી ચીનની વસતી વિશ્વમાં સૌથી વધુ હતી. હવે ચીનની વસતી ભારત કરતા ૩૦ લાખ ઓછી છે. ચીનની કુલ વસતી ૧૪૨ કરોડ ૫૭ લાખ છે. ઝાઝા હાથ રળીયામણા એવી કહેવત હવે સાબીત થવાની છે. ભારત વિશ્વમાં વસતીમાં નંબર વન બનતા આ પડકારને કેવી રીતે ઝીલી આગળ વધવુ જોઈએ તેની ચર્ચા કરવાની જગ્યાએ વસતી વધતા દેશમાં શુ તકલીફ પડવાની છે, વસતી વધતા શુ વિપરીત અસરો થશે તેની ચીંતાઓ કરવામાં આવી રહી છે. પડકારો ઝીલી આગળ વધવુ એ આપણા દેશના લોકોમાં ગુણ રહેલો છે. ચીન સૌથી વધુ વસતી ધરાવતો દેશ હતો. ત્યારે આ દેશના નેતાઓ કે લોકોએ વસતી વધારાના રોદણાં ક્યારેય રોયા નથી. ચીને વધતી વસતીનો ઉપયોગ ઔદ્યોગીક ઉત્પાદન ક્ષેત્રે કર્યો. સસ્તા માનવ કલાકથી ઉત્પાદન મેળવી સસ્તા માલનો વિશ્વભરમાં નિકાસ કર્યો. ચીનના સસ્તા માલ સામે વિશ્વના વિકસીત દેશો પણ ફફડી ગયા હતા. ઉત્પાદન કિંમત કરતા પણ ચીનનો માલ સસ્તો હોવાથી ઉદ્યોગો પડી ન ભાગે તે માટે ઘણા દેશોએ ચીનની આયાત ઉપર ભારે ટેક્ષ લગાવ્યા હતા. ઉત્પાદન ક્ષેત્રે વસતીનો ઉપયોગ કરી રોજગારી પણ ઉભી કરી હતી. આમ ચીને વસ્તીના કારણે આર્થિક વિકાસ કર્યો. હકીકતમાં વધુ વસતી એટલે વધુ આર્થિક વિકાસ. એનો મતલબ એ નથી કે પડોશી દેશના લોકોને પણ આવકારવા. ભારત એ કોઈ ધરમશાળા નથી તે અભિગમને વળગી રહી દેશના હિતમાં ઘુસપેઠ તો રોકવીજ પડશે. વિશ્વમાં અવ્વલ નંબરની વસતી ધરાવતા ભારત દેશ માટે મહત્વની બાબત તો એ છેકે, કામ કરી શકે તેવા ૧૫ થી ૬૪ વર્ષના લોકોની સંખ્યા દેશની કુલ વસતીના ૬૮ ટકા છે. ૦ થી ૧૪ વર્ષના બાળકોની સંખ્યા ૨૫ ટકા અને ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ૭ ટકા જેટલી છે. આમ ૬૮ ટકા વસતીજ દેશને સુપરપાવર બનાવી વિશ્વગુરૂ તરફ લઈ જશે. આપણો દેશ યંગસ્ટર્સનો દેશ છે. યુવાનોના આ દેશમાં ઔદ્યોગિક તાલીમ આપતા અભ્યાસક્રમો હવે મહત્વના બની રહેશે. ચીલાચાલુ પરંપરાગત અભ્યાસક્રમ છોડી કૌશલ્ય ધરાવતા યુવાનો મળી રહે તે માટેના સરકારે પ્રયત્નો કરવા પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી ભારતે સ્કીલ્ડ લેબર એટલે કે કૌશલ્ય ધરાવતા લેબર તૈયાર કરવા માટે છેલ્લા દશેક વર્ષથી જહેમત ઉઠાવી છે, જે પ્રયત્નો હવે ફળદાયી બનશે. લોકલ ફોર વોકલ અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટેનો પ્રચાર થઈ રહ્યો છે તેની પાછળનુ કારણ દેશના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનુ છે. વધતી વસતી ધરાવતા દેશમાં દરેક ચીજવસ્તુની માગ રહે છે. માગ વધારે હોય ત્યા ઉત્પાદન વધારવાની જરૂર પડે છે, અને જ્યા ઉત્પાદન વધુ હોય ત્યા વધારે ઉદ્યોગોની જરૂર પડે છે. વસતી વધારે હોવાથી નોકરીની માગ વધશે જ્યા નોકરીની માગ હોય ત્યા સસ્તુ લેબર મળે છે. સસ્તા લેબરથી ઉત્પાદન સસ્તુ થાય છે. સસ્તા માલનો વિદેશોમાં નિકાસ થાય છે. ચીનની જેમ ભારતના ઉત્પાદનોનો પણ નિકાસ થશે. આગામી થોડા વર્ષમાં ભારત અમેરિકા તથા ચીન પછીનુ વિશ્વનુ ત્રીજા નંબરનુ અર્થતંત્ર બની જશે. આમ વસતી વધારો એટલે વધુ આર્થિક વિકાસ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us