Select Page

વિસનગરમાં સ્પોર્ટસ સંકુલ તથા કોમ્યુનીટી હૉલ માટે રજુઆત

વિસનગરમાં સ્પોર્ટસ સંકુલ તથા કોમ્યુનીટી હૉલ માટે રજુઆત

પ્રમુખ વર્ષાબેન પટેલના પ્રયત્નોથી દેળીયા તળાવમાં સફાઈ અભિયાન

  • પાલિકાના પૂર્વ કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને સ્પોર્ટસ સંકુલ બનાવવા ભલામણ કરી હતી

૧૫ વર્ષથી વિકાસથી વંચીત રહેલા વિસનગર શહેરમાં હવે ચીલાચાલુ વિકાસ કરતા આગવો વિકાસ થાય તેવી લોકો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના સમક્ષ આશા રાખીને બેઠા છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે શહેરને સ્પોર્ટસ સંકુલ, કોમ્યુનીટી હૉલ જેવી સુવિધા મળે તે માટે માગણી કરી છે. પ્રમુખે દેળીયા તળાવમાં સફાઈ અભિયાન પણ શરૂ કર્યુ છે ત્યારે તળાવના વિકાસ માટે પણ વિશેષ ગ્રાન્ટની જરૂર છે. પૂર્વ સભ્ય ફુલચંદભાઈ પટેલે માર્ચ મહિનામાં સ્પોર્ટસ સંકુલ માટે કેબીનેટ મંત્રી સમક્ષ ભલામણ કરી હતી. ત્યારે કેબીનેટ મંત્રીશ્રી શહેર તરફે લક્ષ આપી મહત્વના વિકાસ કામોની ભેટ આપે અને પંદર વર્ષનુ પાંચ વર્ષમાં સાટુ વાળે તેવી માગણી થઈ રહી છે.
મહત્વના વિકાસમાં વિસનગરને સતત અન્યાય કરવામાં આવ્યો છે. ઋષિભાઈ પટેલ વિસનગરમાં પંદર વર્ષથી ધારાસભ્ય છે પરંતુ શહેર માટે એક પણ આગવો વિકાસ કરી શક્યા નથી. જેમાં રૂા.૧૫૦ કરોડની વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અપવાદરૂપ છે. કેબીનેટ મંત્રી બન્યા બાદ એમ.એન.કોલેજ અને સિવિલ હોસ્પિટલ માટે કરોડો મંજુર કરાવ્યા તેમ છતા શહેરના લોકોની સુવિધાને લગતુ કોઈ કામ મંજુર થયુ નથી. મંત્રીશ્રીના માર્ગદર્શનમાં પ્રમુખ વર્ષાબેન પટેલની પાલિકા ભવન માટેની દોડધામ સફળ બની છે. ગાંધીનગરની અવરજવર બાદ પ્રમુખ વર્ષાબેન પટેલ જાણે છેકે સરકારમાં કેબીનેટ મંત્રી આપણા ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ કેટલુ કદ છે. જેનો લાભ લઈ શહેરમાં નવી સુવિધાઓ ઉભી થાય તે માટેના પાલિકા પ્રમુખે પ્રયત્નો હાથ ધર્યા છે. પ્રમુખ દ્વારા શહેર માટે કોમ્યુનીટી હૉલ, અદ્યતન સ્વીમીંગ પુલ સાથેનુ સ્પોર્ટસ સંકુલ, જી.ડી.હાઈસ્કુલની અદ્યતન હોસ્ટેલ, લાલ દરવાજા વિસ્તારમાં સફાઈ કામદાર આવાસ, ફાયર વિભાગ માટે મોટુ વોટર બાઉઝર, દેળીયા તળાવના વિકાસ માટે વિશેષ ગ્રાન્ટની કેબીનેટ મંત્રીશ્રી સમક્ષ માગણી કરવામાં આવી છે. પાલિકા પ્રમુખના પ્રયત્નોથી દેળીયા તળાવ નગીનાવાડીની સફાઈ શરૂ કરવામાં આવી છે. દેળીયા તળાવની સફાઈ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો છે.
નોધપાત્ર બાબત છેકે સ્પોર્ટસ સંકુલ માટે પાલિકાના પૂર્વ કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલે તા.૧૫-૩-૨૦૨૩ ના રોજ કેબીનેટ મંત્રીશ્રીને પત્ર લખી ભલામણ કરી હતી. પૂર્વ કોર્પોરેટર દ્વારા રજુઆત હતી કે, વિસનગર શહેર અને તાલુકામાં જુદી જુદી રમતોના ખેલાડીઓની કમી નથી. શહેરમાં ખેલાડીઓના ઉત્કર્ષ માટે માળખાકીય સુવિધાઓનો અભાવ છે. જેના કારણે ખેલાડીઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. ઘણા ખેલાડીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાએ વિસનગરનું ગૌરવ વધાર્યુ છે. ઘણા ખેલાડીઓ ક્રિકેટમાં પણ પોતાની પ્રતિભા દેખાડી રહ્યા છે. ખેલાડીઓને આગળ વધવા પ્રેક્ટીસની જરૂર હોવા છતા સ્પોર્ટસ સંકુલ નથી. ખાનગી શૈક્ષણિક સંસ્થામાં પ્રેક્ટીસ માટે ખેલાડીઓને મંજુરી મળતી નથી. જેથી કૌશલ્ય દાખવી શકતા નથી. શહેરમાં સ્પોર્ટસ સંકુલ હોય તો વિસનગર શહેર અને તાલુકાના ખેલાડીઓ પ્રેક્ટીસ કરી ઉત્તમ દેખાવ કરી શકે તેમ છે. સરકારી ખરાબામાં દબાણો થઈ રહ્યા છે તેના કરતા રમતવિરોના ઉપયોગ માટે સ્પોર્ટસ સંકુલ બને તે જરૂરી છે. પૂર્વ કોર્પોરેટરની રજુઆત સંદર્ભે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સ્પોર્ટસ સંકુલ માટે જમીન ફાળવવા જીલ્લા કલેક્ટરને સુચન કર્યુ છે. કામના ભારણના કારણે કેબીનેટ મંત્રી સ્પોર્ટસ સંકુલની જગ્યાની માગણી ભુલી ન જાય તે માટે ભાજપના કોઈ કર્મનિષ્ઠ કાર્યકરને આ જવાબદારી સોપે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts