Select Page

સતલાસણા બાર એસોશિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર

સતલાસણા બાર એસોશિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર

ડૉકટરોની હડતાળ પાડી પ્રજાને બાનમાં લેવાની જોહુકમી વિરુધ્ધમાં

ખેરાલુની અલકા હોસ્પિટલ અને સતલાસણાની ભાવના હોસ્પિટલના અપમૃત્યુ કેસમાં ભારે હોબાળા થયા હતા. બન્ને કેસોમાં પોલીસની નિર્ણાયક ભૂમિકાને કારણે હોસ્પિટલોને કોઈ નુકશાન પહોચ્યુ નહોતું. લોકોનો અપમૃત્યુ કેસમાં ભારે આક્રોશ હોવાથી સુત્રોચ્ચાર કરાયા હતા. ડૉકટરો દ્વારા સુત્રોચ્ચાર અને રેલીઓ કાઢનાર ઉપર કોઈપણ પ્રકારના કાયદાકીય પગલા ભર્યા વગર પાડાના વાંકે પખાલીને ડામની જેમ નિર્દોષ પ્રજાને હડતાળ પાડી સારવાર ન કરવાનો માનવતા નેવે મુકીને નિર્ણય લીધો હતો. સતત ચાર દિવસ સુધી હડતાળ પાડતા હવે જન આક્રોશ ભભુકી ઉઠતા લોકોએ ખેરાલુ અને સતલાસણામાં વકીલોને વિનંતી કરી કે ડૉકટરોની જોહુકમી સામે તમે અમને ન્યાય અપાવો. સતલાસણા બાર એસોશિયેશનના તમામ વકીલોએ ભેગા મળીને સતલાસણા મામલતદારને ડૉકટરો ઉપર કાયદેસરના પગલા ભરવા આવેદનપત્ર અપાયુ હતુ.
સતલાસણા બાર એસોશિએશન દ્વારા ર૪-૪-ર૦ર૩ના રોજ સતલાસણાના તમામ વકીલો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. જેમા જણાવ્યુ હતુ કે સતલાસણા તાલુકાની જનતાના જાહેર હિતમાં આવેદનપત્ર આપતા જણાવીએ છીએ કે સતલાસણા તાલુકો જિલ્લાનો છેવાડાનો તાલુકો છે. સતલાસણા ગામમાં પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલો આવી છે. જેમાં જનતા સારવાર લઈ રહી છે. સતલાસણા તાલુકો પછાત છે તેમાં વધુમાં વધુ બક્ષીપંચની વસ્તી ધરાવતો તાલુકો આર્થિક રીતે સધ્ધર નથી. તાલુકાની એક બહેનનું સતલાસણા ગામની હોસ્પિટલમાં પ્રસુતી થયેલ ત્યારબાદ સારવાર દરમ્યાન તેનુ અમદાવાદમાં મૃત્યુ થતા ઘણી મોટી સંખ્યામાં હાજર રહી આપશ્રી (મામલતદાર) ને આવેદનપત્ર આપેલ છે. સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના તમામ ડૉકટરશ્રીઓએ ર૧-૪થી ર૪-૪-ર૦ર૩ સુધી હડતાળ ઉપર ગયેલ જેથી તાલુકાની જનતા ખુબજ પરેશાન થઈ રહી છે. જે તે વિભાગના ડૉકટરશ્રીઓની ટ્રીટમેન્ટ ચાલતી હતી તે ડૉકટરશ્રીઓ હડતાળ ઉપર હોવાને કારણે પેશન્ટો ખુબ જ પરેશાન છે. ડૉકટરોના સમર્થનમાં મેડીકલો પણ બંધ છે. જેથી જનતા માનસિક તણાવ નીચે જીવી રહી છે. આવા કારણોથી પોતાનુ સ્વજન ગુમાવવાનો વારો આવે તેમ છે. જેથી સત્વરે હોસ્પિટલો અને મેડીકલ સ્ટોર્સ ચાલુ કરાવવા (આ આવેદન પત્ર પછી વડનગર, ખેરાલુ અને સતલાસણામાં એક પણ દવાખાના મામલતદાર શરુ કરાવી શક્યા નહોતા) સતલાસણા બાર એસોશિયેશન દ્વારા તાલુકાની જનતાના હિતમાં માંગણી કરી હતી છતા હડતાળ ચાલુ રહી હતી. આ બાબતે ન્યાયીક ધોરણે તટસ્થ તપાસ કરી હડતાળ ઉપર જનાર તમામ ડૉકટરશ્રીઓ ઉપર કાયદા મુજબ ઈ.એમ.એસ.એ.પ્રમાણે કાર્યવાહી કરવા માંગણી કરી છે. વધુમાં મેડીકલ કોડ ઓફ એથિક્સ એન્ડ રેગ્યુલેશન એક્ટમાં નિર્ધારીત હુકમ મુજબ હડતાળ ઉપર રહેલા ડૉકટરો સામે કડક પગલા લેવા જોઈએ. રજીસ્ટર્ડ સોસાયટી V/S યુનિયન ઓફ ઈન્ડીયા-ર૦૦૬ સુપ્રિમ કોર્ટ પેરા નંબર ર૯પમાં જણાવેલ છે. ડૉકટરો તથા તેના એસોશિયેશન સામે શિસ્તભંગના પગલા લેવા જોઈએ. ડૉકટરો લોકોના જીવ બચાવી ભગવાનનું કાર્ય કરી શકતા હોય તેવા ડૉકટરોને કોઈપણ કારણસર હડતાળનો આશરો ન લેવો જોઈએ. ડૉકટરશ્રીઓએ જવાબદારી અને ઈમાનદારીથી કાર્ય કરવું જોઈએ. હડતાળ પાડી તાલુકાની જનતાને બાનમાં ન લેવી જોઈએ. પરંતુ વાસ્તવિક ધોરણ પ્રમાણે ન્યાયની માંગણી કરવી જોઈએ.
આ બાબતે સતલાસણા બાર એસોશિયેશનના પ્રમુખ જયંતિભાઈ પટેલ મંત્રી મનહરસિંહ વણોલ સહીત બાર એસોશિયેશનના સભ્યોએ જણાવ્યુ હતુ કે આ આવેદન પત્ર કોઈની તરફેણ કે વિરોધ કરવા આપ્યુ નથી. આ આવેદનપત્ર તાલુકાની જનતાના હિતમાં આપ્યુ છે. જે ઘટના બની તેમાં તાલુકાના લોકો મોટી સંખ્યામાં ભેગા મળી આવેદનપત્ર અપાયુ હતુ. જેના વિરોધમાં વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ડૉકટરોએ ચાર દિવસની હડતાળ પાડી છે. તાલુકો બક્ષીપંચ સમાજનો છે. જનતા પરેશાન છે. જે અનુસંધાને સતલાસણા બાર એસોશિયેશન દ્વારા આવેદનપત્ર આપ્યુ છે કે અમારો અવાજ સરકાર સુધી પહોચાડજો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us