Select Page

મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખના પ્રયત્નોપાલિકા દુકાન ભાડામાં રૂા.૧ વધારવાનો ઠરાવ સર્વાનુમતે મંજુર

વિસનગર પાલિકા હસ્તકની દુકાનોમાં તોતીંગ ભાડા વધારો કરવામાં આવતા વેપારીઓ લાલઘુમ થઈ ભાડા વધારાની દરખાસ્ત કરનાર સ્ટેન્ડીંગ કમિટિ ઉપર માછલા ધોવાયા હતા. વિસનગર વેપારી મહામંડળ અને કોપરસીટી મરચન્ટ એસોસીએશન બન્ને વેપારી મંડળોએ વેપારીઓને સાથે રાખી ભાડામાં ઘટાડો કરવા આવેદન આપ્યુ હતુ. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલના પ્રયત્નોથી ભાડામાં રૂા.૧ વધારાનો ઠરાવ સર્વાનુમતે મંજુર થતા વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે. નોંધપાત્ર બાબત છેકે અગાઉ કેબીન એસોસીએશનના પ્રમુખ તેમજ પ્રચાર સાપ્તાહિકના તંત્રી સ્વ.બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના પ્રયત્નોથી દુકાનદારોનુ હિત સચવાતુ હતુ. ત્યારે પાલિકા દુકાનદાર વેપારીઓની એકતાથી વેપારીઓના હિતમાં પાલિકાને નિર્ણય લેવાની ફરજ પડી છે.
ન જાણે કેમ પણ વખતો વખતના પાલિકા બોર્ડના કેટલાક સભ્યોએ પાલિકા દુકાનદાર વેપારીઓના હિતશત્રુની ભૂમિકા અદા કરી છે. પાલિકાના દરેક બોર્ડમાં વેપારીઓને હેરાન કરવાની તક છોડવામાં આવતી નથી. ભાજપ શાસીત પાલિકાના વર્તમાન બોર્ડમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન નિરવભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં પાલિકા હસ્તકની દુકાનોના ભાડામાં ચોરસ ફૂટે સીધોજ રૂા.૪/- નો ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં હાજર કેટલાક કમિટિ સભ્યોએ દુકાનો પેટા ભાડે આપી ઉંચુ ભાડુ વસુલાતુ હોવાનુ જણાવી ભાડા વધારાની દરખાસ્તને યોગ્ય ગણાવી હતી. જોકે હોબાળો થતા આ સભ્યો ચુપ થઈ ગયા હતા. સ્ટેન્ડીંગ કમિટિની દરખાસ્તનો તા.૧૦-૩-૨૦૨૩ ની પાલિકાની ખાસ સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવતા આ મુદ્દે ભારે હોબાળો થયો હતો.
પાલિકાની દુકાનોનુ અત્યારે ચોરસ ફૂટે રૂા.૧.૫૦ ભાડુ લેવામાં આવે છે. તેમાં સીધોજ રૂા.૪ નો વધારો કરવામાં આવતા પાલિકાની દુકાનો ભાડે ધરાવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. કોપરસીટી મરચન્ટ એસોસીએશન તથા વિસનગર વેપારી મહામંડળ વેપારીઓના હિતમાં જોડાઈને સીધાજ રૂા.૪ ના વધારા સાથે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવેદન આપવામાં આવ્યુ હતુ. જેમાં પાલિકા દુકાનના ભાડુઆત વેપારી અગ્રણી પટેલ મનુભાઈ લાછડી, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, હર્ષલભાઈ પટેલ એમ.જે.મેડિકલ, કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલ, પટેલ કરશનભાઈ લાછડી, શાહ નિમેષભાઈ તાવડાવાળા વિગેરે અગ્રણીઓએ ભાડામાં ઘટાડો કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
ભાડા વધારો કરી વેપારીઓ અને ભાજપ શાસીત પાલિકાને આમને સામને કરી હોબાળો કરાવાનો કેટલાકનો ગેમ પ્લાન હતો. ત્યારે શહેર ભાજપ પ્રમુખ પટેલ મનિષભાઈ ગળીયા પરિસ્થિતિ પામતા ભાડા વધારાનો મુદ્દો હાથ ઉપર લીધો હતો. ધારાસભ્ય કાર્યાલયમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલિકા વિકાસ કામની ચર્ચામાં પાલિકાની દુકાનો ભાડે ધરાવતા એક વેપારીની ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખે ભાડા વધારાના મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારે વેપારીઓની લાગણી સમજી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ચીફ ઓફીસરને ટકોર કરી હતી કે, વેપારીઓએ વર્ષોથી વાવ્યુ છે ત્યારે હવે લણવા વારો આવ્યો છે. કેબીનેટ મંત્રીએ વધારેલા ભાડામાં વેપારીઓના હિતમાં ઘટાડો કરવા માટે સુચન કર્યુ હતુ. મંત્રીશ્રીના સુચન બાદ શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ આ મુદ્દો હાથ ઉપર લીધો હતો અને વધારેલા રૂા. ૪ માંથી રૂા.૩ નો ઘટાડો કરી રૂા.૧ ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તા.૨૯-૪-૨૦૨૩ ના રોજ પાલિકા જનરલ મળી હતી. જેમાં પાલિકા હસ્તકની દુકાનોમાં ચોરસ ફૂટે રૂા.૧ વધારો કરવાના ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જેનો તા.૧-૪-૨૦૨૩ થી અમલ થશે. અગાઉ ચોરસ ફૂટે રૂા.૧.૫૦ ભાડુ લેવામાં આવતુ હતુ. હવે રૂા.૧ વધારો કરીને ચોરસ ફૂટે રૂા.૨.૫૦ પ્રમાણે ભાડુ લેવામાં આવશે. ૧૦૦૦ ઉપરાંત્ત વેપારીઓના હિતમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની લાગણી સાથેની સુચના તેમજ શહેર ભાજપ પ્રમુખ પટેલ મનિષભાઈ ગળીયા તથા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પ્રયત્નોથી દુકાનોના ભાડા વધારામાં ઘટાડો કરવામાં આવતા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. પાલિકા દુકાનો ભાડે ધરાવતા વેપારીઓની એકતા ફરીથી સાર્થક નિવડી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us