ભાન્ડુ જુગારના અડ્ડા ઉપર વિજીલન્સની રેડથી ત્રણ કર્મચારીઓનો ભોગ લેવાયોવિસનગર તાલુકામાં વિવાદોથી ઘેરાયેલા પી.આઈ.રાઠોડ સસ્પેન્ડ
ભાન્ડુ જુગારના અડ્ડા ઉપર વિજીલન્સની રેડથી ત્રણ કર્મચારીઓનો ભોગ લેવાયો
વિસનગર તાલુકામાં વિવાદોથી ઘેરાયેલા પી.આઈ.રાઠોડ સસ્પેન્ડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.એન.પી. રાઠોડ તથા સ્ટાફમા રહેતા તેમના ગોઠીયા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં હતા. જાણે રજવાડા ઉપર રાજ કરતા હોય તેમ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ કે ભાજપ મારૂ કંઈ બગાડી શકશે નહી તેવા ઉધ્ધત જવાબો પી.આઈ. રાઠોડના મોઢેથી સાંભળવા મળ્યા હતા. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે તાલુકા પોલીસનુ નાક વાઢતી ભાન્ડુમા રેડ કરી રૂા.૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા તેના પડઘા ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પડ્યા હતા. ઘણા સમયથી ધમધમતા જુગારધામ ઉપરની રેડમા તાલુકા પી.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાના બનાવથી પોલીસ વિભાગમા ભારે ચકચાર જાગી છે.
કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ કે ભાજપ મારૂ કંઈ નહી કરી શકે તેવા ઉધ્ધત જવાબો પણ પી.આઈ.ના મોઢેથી સાંભળવા મળ્યા હતા
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામનો જેમની ઉપર અગાઉ ઘણા જુગારના કેસ થયા છે તે લીસ્ટેડ ગેમ્બલર્સ ગનીભાઈ રહેમાનભઆઈ મનસુરી તથા ઈશાકભાઈ ઉસ્માનભાઈ શેખ છેલ્લા ઘણા સમયથી જુગારનો અડ્ડો ચલાવતા હતા. જુગારના અડ્ડા ઉપર અન્ય જીલ્લા અને તાલુકાના
જુગારીયાઓની મોટી સંખ્યામા અવર જવર હતી. પરંતુ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.પી. રાઠોડ દ્વારા જુગાર ધામ ઉપર રેડની કોઈ કાર્યવાહી થતી ન હોતી. ત્યારે તા.૨૭-૪-૨૦૨૩ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને ભાન્ડુના બહુચર્ચીત જુગારધામની બાતમી મળતા રેડ કરી હતી. આ રેડમાં જુગારની દાવ ઉપરની રોકડ રૂા.૭૫,૪૮૦/- , ૧૧ મોબાઈલ, ૭ બાઈક, પાંચ પાણીના જગ, બેસવા માટે પાથરણા, જુગારના દાવમા પૈસા નાખવા પ્લાસ્ટીકની ટોપલીઓ, બાજી પત્તાની ૧૧ નંગ કેટ વિગેરે મળી કુલ રૂા.૩,૨૬,૪૮૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે તાલુકા પોલીસની છત્રછાયામા કેબિનેટ મંત્રીના તાલુકામા જુગારધામ પકડાતા તેના ગૃહવિભાગ તેમજ રેન્જ આઈ.જી. સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
ભાન્ડુ ગામની બહુચર્ચિત જુગારની રેડમાં ફરજ દરમ્યાન બેદરકારી દાખવવા બદલ તાલુકા પી.આઈ. એન.પી.રાઠોડ, વાલમ આઉટ પોસ્ટના જમાદાર રાજુજી કુંવરજી તેમજ ડી સ્ટાફના જમાદાર જગદીશભાઈ પ્રવિણભાઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર ઉઘરાણી વસુલાત, વાલમ યુવતી પ્રકરણમા નિષ્ક્રીયતા, ગામડામા ચોરીનો ઉપદ્રવ, ગામડામાં ફુલેલી ફાલેલી અસામાજીક પ્રવૃતિઓના વિવાદથી પી.આઈ.ઘેરાયેલા હતા
નોંધપાત્ર બાબત છે કે, તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.પી. રાઠોડ છેલ્લા આઠ માસથી અનેક વિવાદોમા ઘેરાયેલા હતા. જેમની ઉપર ઉઘરાણી પતાવટમા એક શખ્સને ગેરકાયદેસર રીતે પકડી ચેકો પડાવી લીધાના ગંભીર આક્ષેપો થયા હતા. આ વિવાદ છેક કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સુધી પહોંચતા પી.આઈ.રાઠોડનો ઉધડો લેવાયો હતો. પી.આઈ.ના ચાર્જમા પોલીસની નિષ્ક્રિયતાથી તાલુકાના ગામડાના લોકોમા ચોરીના ભય સાથે તાલુકા પોલીસ સામે રોષ હતો. વાલમની ગુમ યુવતીના હત્યા પ્રકરણમા પણ પી.આઈ.રાઠોડે નિષ્ક્રિયતા દાખવી હતી. ખુદ વાલમ સરપંચ હાર્દિકભાઈ પટેલે રોષ ઠલવ્યો હતો કે, યુવતી ગુમ થઈ તેની તુર્તજ તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. પી.આઈ.એ ત્વરીત તપાસ કરી હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત. વિસનગર તાલુકાના કડા ગામના સીમમા વિદેશી દારૂનુ કટીંગ કરતુ આખુ કન્ટેનર ઝડપાયુ હતુ. ત્યારે તાલુકા પોલીસની છત્રછાયામા અગાઉ કેટલા કન્ટેનરનુ કટીંગ થયુ હશે તેની પી.આઈ.સસ્પેન્ડ થતા ચર્ચાઓ થઈ રહી છે.