Select Page

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવી હાક અત્યારે વહિવટી તંત્ર ઉપર નથીફરિયાદ નિવારણ કે સ્વાગત કાર્યક્રમોનીસરકારી બાબુઓએ ઘોર ખોદી છે

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવી હાક અત્યારે વહિવટી તંત્ર ઉપર નથીફરિયાદ નિવારણ કે સ્વાગત કાર્યક્રમોનીસરકારી બાબુઓએ ઘોર ખોદી છે

તંત્રી સ્થાનેથી…
નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે જવાબદારી સંભાળી ત્યારે પરિસ્થિતિ એવી હતી કે સરકારના અધિકારીઓ ગાંઠતા નહોતા. રેશનીંગ કાર્ડમાં ફેરબદલ, આવકના દાખલા, જાતિના દાખલા જેવા સામાન્ય કામ સરકારી કચેરીમાં થતા નહોતા. ગામડાના સામાન્ય પ્રજાજનો તાલુકા કચેરીએ ધક્કા ખાતા હોવાથી સમય અને નાણાંનો વ્યય થતો હતો. એક સામાન્ય કામ માટે શ્રમજીવી વર્ગના લોકોને મજુરીના દિવસો બગાડવા પડતા હતા. અધિકારીઓ અને કર્મચારીઓની લોકાભિમુખ કામગીરીની નિષ્ક્રીયતાના કારણે લોકો તોબા પોકારી ગયા હતા. આ પરિસ્થિતિ જોઈને નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી તંત્ર પ્રજાના દ્વારે જઈ કામ કરે તે માટે તા.૨૪-૪-૨૦૦૩ માં ફરિયાદ નિવારણ – સ્વાગત કાર્યક્રમનો અભિગમ અમલમાં મુક્યો. મામલતદાર કે પ્રાન્તની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેક્ટરની અધ્યક્ષતામાં જીલ્લા સ્વાગત કાર્યક્રમ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય લેવલનો સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો. આ સ્વાગત કાર્યક્રમોને એટલો આવકાર મળ્યો કે દર મહિનાની ૧૫ તારીખ સુધીમાં અરજીઓના ઢગલા થતા હતા અને મહિનાના ચોથા બુધવારે અરજીઓના નિકાલ માટેનો કાર્યક્રમ યોજાતો હતો. ફક્ત એક તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક માસમાં અર્ધસરકારી સંસ્થા એટલે કે નગરપાલિકા સહિતની વિવિધ કચેરીઓના ૪૦ ઉપરાંત્ત પ્રશ્ન રજુ થતા હતા. નરેન્દ્રભાઈ મોદીની હાંકથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ થયેલી અરજીને અનુરૂપ વિગતો સાથે હાથમાં ફાઈલોના થોકડા લઈને હાજર રહેતા હતા. રેશનીંગ કાર્ડમાં સુધારા જેવા કામ થતા નહોતા ત્યારે જમીન મહેસુલને લગતા પ્રશ્નોનો નિકાલ આવતા સ્વાગતના અભિગમ ઉપર લોકોનો વિશ્વાસ બેઠો હતો. કામ ન થાય તો સ્વાગત કાર્યક્રમમાં અધિકારી કે તેમના પ્રતિનિધિનો ઉધડો લેવાતો હતો. બીજા અધિકારીઓ સામે અપમાન સહન કરવુ પડે નહી તે માટે ચોથા બુધવારે સ્વાગત કાર્યક્રમ પહેલાતો પ્રશ્નનો નિકાલ થઈ જતો હતો. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી પદે રહ્યા ત્યા સુધી તલવારની ધાર ઉપર સ્વાગત કાર્યક્રમ થયા. પરંતુ વડાપ્રધાન બની દિલ્હી ગયા ત્યારબાદ સ્વાગત કાર્યક્રમની પડતી શરૂ થઈ. ફક્ત દેખાવ પુરતા કાર્યક્રમો થવા લાગ્યા. અરજદારને ખબર પણ ન હોય અને રેશનીંગ કાર્ડ, મા-કાર્ડ, પાણીના પ્રશ્નો, લાઈટના પ્રશ્નો કે સ્વચ્છતાના પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં ફક્ત દેખાવ પૂરતા અને અરજદારોની સંખ્યા બતાવવા પુરતા મુકવામાં આવતા હતા. નરેન્દ્રભાઈ મોદી ગયા અને આ સ્વાગત કાર્યક્રમોથી અધિકારીઓ નિષ્ક્રીય થતા ગયા. વહિવટી તંત્ર ઉપર કોઈ ભય નહી હોવાથી સ્વાગત કાર્યક્રમો પ્રત્યે અધિકારીઓની દુર્લક્ષતાના કારણે એક સમય એવો આવ્યો કે અરજીઓ આવતીજ બંધ થઈ ગઈ. અત્યારે પરિસ્થિતિ એવી છેકે જે મુખ્યમંત્રીના ડરથી અધિકારીઓ થર થર કાંપતા હતા તેજ અધિકારીઓનુ અત્યારે રાજ જોવા મળી રહ્યુ છે. સામાન્ય લોકોનુ તો શુ પણ પ્રજાના કામ લઈ જનાર આગેવાનોનુ પણ ઉપજતુ નથી. કામ નહી કરનાર આગેવાન કહેવા જાય તો બદલી કરાવશો એનાથી વિશેષ શુ કરશો તેવુ ચોપડાવી દેવામાં આવે છે. જ્યારે વિજયભાઈ રૂપાણી કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાના પ્રશ્નોનો નિકાલ નહી કરનાર અધિકારી કે કર્મચારીને કંઈ કરી પણ શકતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કામમાં ૨૦ વર્ષ પહેલા શરૂ થયેલ સ્વાગત કાર્યક્રમો ફરીથી ધમધમતા થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. પરંતુ જ્યા સુધી સ્વાગત કાર્યક્રમની ઘોર ખોદનાર અધિકારીઓ ઉપર અંકુશ નહી આવે ત્યા સુધી પ્રજાભિમુખ કાર્યક્રમોને સફળતા મળવાની નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us