PHCમાંથી CHC મંજુર કર્યા પણ લાભ કંઈ નહીવાલમ-ઉમતા PHC માં સ્ટાફના અભાવે ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચીત
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા તેમને તાલુકાના ગામડાઓના નગારિકોને ઘરઆંગણે ઝડપથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે હેતુથી નવા ચાર PHC સેન્ટર અને બે CHC સેન્ટર મંજુર ક્યા છે. જેમાં વાલમ અને ઉમતાCHC મા અત્યારે કોઈ મેડીકલ સ્ટાફ ન હોવાથી ગામના નાગરિકો તાત્કાલિક સારવાર માટે હેરાન થઈ રહ્યા છે. આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ આ બંન્ને મોટા ગામના નાગરિકોને ઘર આંગણે ઝડપી સારવાર મળે તે માટે નવી સી.એચ.સી.સેન્ટરમાં જરૂરી મેડીકલ સ્ટાફની નિમણુક કરે તેવી ગ્રામજનોની માંગણી છે.
ગુજરાત સરકારે ગામડાના છેવાડા વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘરઆંગણે ઝડપી આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે વસ્તીના ધોરણે ગામડાઓમા PHC અને CHC સેન્ટર મંજુર કરી કાર્યરત કર્યા છે. જેમાં વિસનગર તાલુકામાં ગોઠવા, કંસારાકુઈ, કાંસા, વાલમ, ઉમતા, દેણપ અને ખરવડા ગામમાં PHC સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા તેમને ભાન્ડુ, જેતલવાસણા, ભાલક, કડા ગામમાં PHC તેમજ વાલમ અને ઉમતા ગામમાં PHC માંથી CHC સેન્ટર મંજુર કર્યુ. વાલમ અને ઉમતા ગામમાં PHC નો મેડીકલ સ્ટાફ કડા અને ગોઠવા આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવ્યો. જેના કારણે અત્યારે વાલમ અને ઉમતા CHC સેન્ટરમાં કોઈ મેડીકલ સ્ટાફ નથી. આરોગ્યખાતાના નિયમ મુજબ કોઈપણ CHC સેન્ટરમા દર્દીઓને 24 x 7 સારવાર આપવા માટે સુપ્રિટેન્ડેન્ટ-૧, સ્ટાફ નર્સ-૭, ડેન્ટીંસ-૧, એક્સરે ટેકનીશીયન-૧, લેબોરેટરી ટેકનીશીયન-૧, ફાર્માસીસ્ટ-૧, ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર તથા એમ્બ્યુલન્સ માટે ડ્રાયવરની નિમણુક કરવી ફરજીયાત છે. આ ઉપરાંત CHC સેન્ટર માટે આધુનિક સુવિધાવાળુ અદ્યતન બિલ્ડીંગ પણ જરૂરી છે. પરંતુ વાલમ અને ઉમતા CHC સેન્ટરમાં આ પ્રકારનો કોઈ મેડીકલ સ્ટાફ નથી અને બિલ્ડીંગ પણ નથી. જેના કારણે વાલમ અને ઉમતા જેવા મોટા ગામના નાગરિકો તાત્કાલિક સારવાર માટે હેરાન થઈ રહ્યા છે. બંન્ને ગામના લોકોનુ કહેવુ છે કે આના કરતા તો અમારા ગામમાં PHC સેન્ટર કાર્યરત હતુ ત્યારે મેડીકલ સ્ટાફ હાજર રહેતો હતો. અને ગામના નાગરિકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળતી હતી. આ તો ગામમાં CHC મંજુર થતા ઉદલપુર, લાંઘણજ, ઉંઝા, જોટાણા તથા અન્ય CHC સેન્ટરના ડાક્ટરો સારવાર આપવા આવી રહ્યા છે. જેના કારણે દર્દીઓને સારવાર લેવામાં કોઈ રસ રહેતો નથી. દર્દીઓ ન છુટકે રૂપિયા ખર્ચીને ખાનગી દવાખાને સારવાર લેવા મજબુર થાય છે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ વાલમ અને ઉમતા જેવા મોટા ગામના નાગરિકોની આરોગ્યની ચિંતા કરીને બંન્ને ગામના CHC માં પુરતા મેડીકલ સ્ટાફની નિમણુક કરે અને નવિન અદ્યતન બિલ્ડીંગ બનાવવા માટે કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગણી છે.