કડા રોડ કેનાલ પાસે રેલીંગના અભાવે અકસ્માતોની વણઝાર
ભાજપના આશિર્વાદથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બેફીકર
વિસનગરમાં કડા રોડ ઉપર કેનાલ પાસે રેલીંગના અભાવે અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. એકજ માસમાં બીજી એક કાર રેલીંગ નહી હોવાથી કેનાલમાં પડી હતી. ભાજપના આશિર્વાદથી વિસનગર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બેફીકર થઈને ફરતા અને કરવાના કામ નહી કરતા લોકોનો જીવ જોખમાઈ રહ્યો છે. કેનાલ પાસે રેલીંગ નહી હોવાથી મોટી હોનારત થયાની પુરેપુરી શક્યતા છે. ત્યારે ભાજપની છત્રછાયા હોવાથી નોકરીની નિશ્ચીતતાના કારણે કોઈ કહી શકે તેમ ન હોવાથી મત આપનાર પ્રજાનો ભોગ લેવાઈ રહ્યો છે.
વિસનગર ભાજપના આશિર્વાદથી માર્ગ મકાન વિભાગની વિસનગર પેટા ઓફીસના અધિકારીઓને જાણે પ્રજાની કંઈ પડી નથી. ખરેખર તો મત આપનાર પ્રજાની સુરક્ષાનો વિચાર કરવાની જગ્યાએ માર્ગ મકાનના અધિકારીઓને ભાજપ સુરક્ષા આપતા અત્યારે વાહનચાલકોને શોષવા વારો આવ્યો છે. વિસનગરમાં કડા રોડ ઉપર જમણી સાઈડે કેનાલ પસાર થાય છે. અગાઉ જ્યારે ડબલ રોડ હતો ત્યારે ગફલતમાં કોઈ વાહનચાલક કેનાલમાં પડી ન જાય તે માટે લોખંડની એંગલ ઉપર રેલીંગ લગાવવામાં આવી હતી. ફોરલેન હાઈવે બનતા રેલીંગ કાઢી નાખવામાં આવી હતી. અત્યારે રેલીંગ લગાવવા પથ્થરના પીલ્લર લગાવવામાં આવ્યા છે. પરંતુ લોખંડની પાઈપો લગાવવાનુ કામ ગમે તે કારણોસર પુરૂ કરવામાં આવતુ નથી.
કડા રોડ કેનાલ પાસે રેલીંગ નહી હોવાથી તા.૬-૪-૨૦૨૩ ના રોજ એક નવી નંબર પ્લેટ વગરની અર્ટીકા કાર કેનાલમાં પડી હતી. કાર કેનાલમાં પડતા ફસાયેલા લોકોને લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભાજપની રહેમનજરથી ખાઈબદેલા માર્ગ મકાન વિભાગમાં અધિકારીઓએ અર્ટીકા કાર કેનાલમાં પડતા તાત્કાલીક રેલીંગ લગાવવાની કાર્યવાહી કરવાની જરૂર હતી. પરંતુ ભાજપના કારણે નોકરી ઉપર કે બદલીમાં આંચ આવે તેમ નહી હોવાથી બેફીકર બનેલા અધિકારીઓને જાણે કોઈની પડીજ નથી. ભાજપ માટે અધિકારીઓ મહત્વના છે. અને મત આપનાર પ્રજા જાય જહાન્નુમમાં તેવો ઘાટ વિસનગરમાં ઘડાયો છે. તા.૯-૫-૨૦૨૩ ના રોજ કડા રોડ ઉપર બીજો અકસ્માત થયો જેમાં સ્વીફ્ટ કાર કેનાલમાં પડી. એકઠા થયેલા લોકોએ મહાપરાણે કારમાં ફસાયેલ દંપત્તીને બહાર કાઢ્યુ હતુ. એપ્રીલ માસમાં થયેલા અકસ્માતથી બોધપાઠ લઈને કેનાલ પાસે તાત્કાલીક રેલીંગ લગાવી હોત તો ફરીથી સ્વીફટ કાર કેનાલમાં પડી ન હોત. એકઠા થયેલા લોકોમાં રોષ હતો કે, માર્ગ મકાન વિભાગ રોડની સાઈડમાં કેનાલ આગળ રેલીંગ કેમ લગાવતુ નથી. પથ્થરના પીલ્લરમાં પાઈપો નાખી જે રેલીંગ લગાવવામાં આવશે તેની મજબુતાઈ કેટલી રહેશે. વાહનચાલકોની સુરક્ષા માટે લોખંડની રેલીંગ લગાવવી જરૂરી છે. પરંતુ માર્ગ મકાનના અધિકારીઓને લોકોના રોષની કે સુરક્ષાની કાંઈ પડી નથી.