Select Page

મંત્રી ઋષિભાઈ વિસનગરના ખેડૂતોની જવાબદારીમાં બેધ્યાન

કમોસમી વરસાદમા કૃષિપાકોના નુકશાનીના રી સર્વેર્મા વિસનગર તાલુકો બાકાત

કમોસમી વરસાદમા કૃષિ પાકોને નુકશાનીના વળતર માટે મહેસાણા જીલ્લાના ત્રણ ધારાસભ્યની રજુઆતથી મહેસાણા, બેચરાજી તથા ઉંઝા તાલુકામાં નુકશાનીના રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિસનગર તાલુકામા પણ ઘણા ખેતરમાં કમોસમી વરસાદથી ઉભો પાક નમી ગયો છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ આ મુદ્દે બેધ્યાન રહેતા નુકશાનીના રીસર્વેમા વિસનગર તાલુકો બાકાત રહ્યો છે. નુકશાનીના રીસર્વેમા વિસનગર તાલુકાનો સમાવેશ કરવામાં આવે તેવી ખેડુતોની માગણી છે.
શિયાળાના અંતમા અને ઉનાળામા કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડુતોને વ્યાપક નુકશાન થયુ છે. જેમાં મહેસાણા જીલ્લાના તાલુકાના ખેડુતો પણ નુકશાનીમા બાકાત રહ્યા નથી પણ વંટોળ અને ભારે વરસાદના કારણે ઉભા પાક નમી ગયા છે. કમોસમી વરસાદથી ખેડુતોના મોંમા આવેલો કોળીયો છિનવાયો છે. ખેડુતોને નુકશાનીના વળતર માટે કૃષિ વિભાગ દ્વારા રાહત પેકેજ જાહેર કરાયુ હતુ. જેમાં મહેસાણાને રાહત પેકેજમાં બાકાત રાખવામા આવતા વિસનગરના ખેડુતો દ્વારા ધારાસભ્યો સમક્ષ રજુઆત કરાઈ હતી. ખેડુત  આગેવાનોની રજુઆતને પગલે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર તથા ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા તેમના તાલુકામા નુકશાનીના રીસર્વે માટે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન અને જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશને રજુઆત કરી હતી. જેના પગલે આ ત્રણ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમા રીસર્વે કરવા ખેતીવાડી વિભાગને સુચના આપવામાં આવી છે. જે ખેડુતોને ૩૩ ટકાથી વધારે નુકશાન થયુ હશે તેમને નિયમો પ્રમાણે વળતર ચુકવવા સુચના આપતા ખેડુતો રાહત પેકેજ માટે આસાવાદી બન્યા છે.
વિસનગર તાલુકામા પણ કમોસમી વરસાદથી ખેડુતોને મોટુ નુકશાન થયુ છે. એવા ઘણા ખેતર છે કે જ્યા વંટોળ અને ભારે વરસાદથી ઉભા પાક નમી પડ્યા છે. માવઠાના મારથી વિસનગરના ખેડુતોને નુકશાનીનો પાર રહ્યો નથી. સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના ખેડુતોને રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવતા વિસનગર તાલુકાના ખેડુતોને પણ રાહત મળવાની આશા બંધાઈ હતી. પરંતુ રાજ્યની જવાબદારીમા વિસનગરના જનપ્રતિનિધિ ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ આ મુદ્દે બેધ્યાન રહેતા પંથકના ખેડુતો રાહત પેકેજથી વંચીત રહે તેમ જણાતા નુકશાનીના અસરગ્રસ્ત જગતના તાતમાં ભારે હતાશા વ્યાપી છે. વિસનગરના ખેડુતોની લાગણી છે કે, મહેસાણા, બેચરાજી અને ઉંઝાના ધારાસભ્યની જેમ મંત્રી ઋષિભાઈ પટેલે પણ વિસનગર તાલુકાના કૃષિપાક નુકશાનીના રીસર્વે માટે રજુઆત કરવી જોઈએ. કમોસમી વરસાદથી વિસનગરના ખેડુતોને ભારે નુકશાન થયુ છે. સરકાર જ્યારે નુકશાનીનુ વળતર આપતી હોય ત્યારે મત વિસ્તારના અસરગ્રસ્ત ખેડુતોને યોગ્ય વળતર મળે તે જોવાની જવાબદારી સ્થાનિક ધારાસભ્યની છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts