પાલિકા ભવન માટે જમીન સુપ્રત કરવા કલેક્ટરનો હુકમ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી આગોતરા કબજા માટે ખાસ કિસ્સામાં સરકારે આદેશ કર્યો
- “પૂર્વ દ્રષ્ટાંત ન ગણવાની શરતે” એટલે કે પાલિકાની જગ્યા ભવિષ્યમાં બીજા કોઈ ઉપયોગ માટે ન ફાળવવાની શરતે કબજો સોપાયો
- રૂા.૫.૩૫ કરોડના ખર્ચે સેવાસદનનુ નવીન બિલ્ડીંગ બનાવવા તાંત્રીક મંજુરી મળી
વિસનગર પાલિકા ભવનની જગ્યાનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ઘોચમાં પડ્યો હતો. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ નવુ પાલિકા ભવનના તમામ દ્વાર ખુલી ગયા છે. કેબીનેટ મંત્રીના પ્રયત્નોથી ખાસ કિસ્સામાં જમીનનો કબજો સોપવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જંત્રીની કિંમત પ્રમાણે ૧૦૦ ટકા રકમ પાલિકા દ્વારા ભરવામાં આવતા આગોતરો કબજો સુપ્રત કરવા જીલ્લા કલેક્ટરે હુકમ પણ કર્યો છે. જ્યારે વિવિધ ગ્રાન્ટમાંથી સેવાસદનનુ નવીન મકાન બનાવવા તાંત્રીક મંજુરી પણ મળી ગઈ છે. નવા પાલિકા ભવન માટે પ્રમુખ વર્ષાબેન પટેલે ભારે જહેમત ઉઠાવી છે. ત્યારે તેમના પ્રમુખ કાળ પહેલા પાલિકા ભવનનુ ખાતમુહુર્ત કરીને વર્ષાબેન પટેલની મહેનત બીરદાવવી જોઈએ.
વિસનગર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં સી.સ.નં.૧૦૧૭ પૈકીની ૧૨૦૦ ચો.મી. જમીન પાલિકા ભવન માટે ફાળવવામાં અનેક વિઘ્નો હતા. તત્કાલીન કલેક્ટર એચ.કે.પટેલના સમયમાં પાલિકા ભવન માટે જગ્યાની ફાઈલ આગળ વધતી નહોતી. ત્યારે વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાની સાથેજ પાલિકા ભવનની જગ્યાની મંજરીમાં નડતરરૂપી રોડા આપોઆપ ખસી ગયા હતા. પ્રથમ રૂા.૨૧૧૭૪/- પ્રતિ ચો.મી. બજાર કિંમત પ્રમાણે રૂા.૨,૫૪,૦૮,૮૦૦/- ભરવાની શરતે જમીન ફાળવવા મંજુરી મળી હતી. આ રકમ ગ્રાન્ટમાંથી ભરી શકાય નહી. સ્વભંડોળમાંથી જમીનની કિંમત ચુકવવી પડે તેમ હતી. આટલી માતબર રકમ ભરવા માટે પાલિકાની આર્થિક સક્ષમ ન હોઈ, જમીનની કુલ રકમના ૧૦ ટકા રકમ ભરી આગોતરો કબજો સોપવા અને બાકીની રકમ હપ્તામાં ભરવા પાલિકા દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી જંત્રીની કિંમત એટલે કે રૂા.૧૦૫૦/- પ્રતિ ચો.મી. પ્રમાણે ૧૨૦૦ ચો.મી.ના રૂા.૧૨,૬૦,૦૦૦/- ભરી આગોતરો કબજો સોપવા માટે સરકાર દ્વારા ખાસ કિસ્સામાં આદેશ કરાયો હતો. બાકીની રકમ રૂા.૨,૪૧,૪૮,૮૦૦/- અર્ધવાર્ષિક ચાર સરખા હપ્તામાં ભરપાઈ કરવાના રહેશે. મહત્વની બાબત તો એ છેકે જીલા કલેક્ટર દ્વારા જમીન સુપ્રત કરવા જે આદેશ કરાયો છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છેકે “પૂર્વ દ્રષ્ટાંત ન ગણવાની શરતે” એટલે કે પાલિકા ભવનની જગ્યા ભવિષ્યમાં બીજા કોઈ હેતુ માટે ન ફાળવાની શરત કરવામાં આવી છે. પાલિકા દ્વારા તા.૨૭-૪-૨૦૨૩ ના રોજ રૂા.૧૨,૬૦,૦૦૦/- ભરીને ચલણ રજુ કરતા આગોતરો કબજો સુપ્રત કરવા જીલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. નોધપાત્ર બાબત છેકે સરકાર હસ્તકની જગ્યામાં પુરેપુરી કિંમતની રકમ ન ભરાય ત્યા સુધી કબજો આપવામાં આવતો નથી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલની વગના આધારે જંત્રીની કિંમત પ્રમાણે ૧૦૦ ટકા રકમ ભરતા જમીનનો આગોતરો કબજો મળશે.
એક તરફ પાલિકા ભવનની જગ્યાની મંજુરી માટે કાર્યવાહી ચાલતી હતી. ત્યારે પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી તાંત્રીક મંજુરી માટેની સમાંત્તર કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા ભવનનો અંદાજીત ખર્ચ રૂા.૫,૩૫,૩૫,૧૦૦/- હોવાથી કોઈ એક ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાય તેમ નહોતો. ત્યારે નવીન ભવન ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, યુ.ડી.પી. ૮૮ ૨૦૨૨-૨૩, નવીન ભવન ફર્નિચર ગ્રાન્ટ, ૧૫ મુ નાણાપંચ ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટમાંથી તાંત્રીક મંજુરી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે નવીન પાલિકા ભવનની તાંત્રીક મંજુરી પણ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવી છે.