Select Page

ચાર પાંચ વર્ષે પણ રોડ નહી બને તેમ કહી ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છેવિસનગર બાયપાસ આસપાસની જમીન ખરીદવા દલાલો સક્રીય

ચાર પાંચ વર્ષે પણ રોડ નહી બને તેમ કહી ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છેવિસનગર બાયપાસ આસપાસની જમીન ખરીદવા દલાલો સક્રીય


ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાની સાથેજ વિસનગર બાયપાસ રોડની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે વર્ષો સુધી વિકાસથી વંચીત રહેલા આ વિસ્તારના ખેડૂતોની મજબુરીનો લાભ લેવા જમીન દલાલો સક્રીય બન્યા છે. ચાર પાંચ વર્ષ સુધી બાયપાસનુ ઠેકાણુ પડશે નહી તેમ કહી ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. એક દોઢ વર્ષ ધીરજ રાખવાથી ખેડૂતોને મોટો ફાયદો થવાની પુરેપુરી શક્યતા છે.
વિસનગર બાયપાસ માટે વર્ષ ૨૦૧૨ માં સર્વે શરૂ થયો હતો. ત્યારબાદ રાજકીય કિન્નાખોરીમાં બાયપાસની ફાઈલ અભરાઈએ મુકાઈ ગઈ હતી. વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વર્ષ ૨૦૨૧ માં કેબીનેટ મંત્રી બન્યા પછી બાયપાસની ફાઈલ હાથમાં લેતા સરકારનો કાર્યકાળ પુરો થાય તે પહેલા ઓક્ટોબર ૨૦૨૨ માં જમીન સંપાદન માટે ૧૦ એ નુ જાહેરનામુ બહાર પડ્યુ હતુ. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ ૨.૦ સરકારમાં ઋષિભાઈ પટેલ ફરીથી સરકારમાં બીજા નંબરના સ્થાને કેબીનેટ મંત્રી પદે શપથ લીધા તેના બીજાજ મહીને સંપાદિત જમીનમાં ફેરફાર નહી કરવા મહેસુલ વિભાગ દ્વારા તા.૨૦-૨-૨૦૨૩ ના રોજ કલબ ૧૧(૧) નુ બીજુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ. આ અત્યારે ફરીથી યાદ કરવુ એટલા માટે જરૂરી બન્યુ છેકે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વર્ષો સુધી પડતર રહેલો બાયપાસનો પ્રશ્ન રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. પાંચ માસના ગાળામાં બાયપાસ હાઈવે જમીન સંપાદનની પ્રક્રિયાના બે જાહેરનામા મહેસુલ વિભાગ દ્વારા બહાર પાડવામા આવ્યા. હવે ટુંક સમયમાં ત્રીજુ જાહેરનામુ બહાર પડશે અને ખેડૂતોને વળતર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વિસનગરના પૂર્વ ભાગનો વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચીત રહ્યો છે. આ ભાગનો વિકાસ નહી થતા પાંચ-દશ વર્ષ પહેલા એવી પરિસ્થિતિ હતી કે રૂા.૮ થી ૧૦ લાખમાં વિઘાના ભાવ હતા. બાયપાસ હાઈવેની પ્રક્રિયા શરૂ થતા વિઘાના ભાવ ઉચકાઈને ૨૦ થી ૨૫ લાખ થયા હતા. બાયપાસ રોડની પ્રક્રિયા ઝડપી શરૂ થાય તેમ લાગતા અત્યારે બાયપાસની આસપાસની જમીનનો વિઘાનો ભાવ રૂા.૪૦ થી ૪૫ લાખ બોલાઈ રહ્યો છે. આ ભાવ સાંભળી કેટલાક ખેડૂતો પણ જમીન વેચવા ઉતાવળા બન્યા છે. જેનો લાભ લેવા દલાલો સક્રીય બન્યા છે. બાયપાસ હાઈવે બનશે ત્યારે વિઘાનો ભાવ એક કરોડ આસપાસ થાય તેવી પુરેપુરી શક્યતા છે. જમીન દલાલો જે રીતે ફરી રહ્યા છે તે ઉપરથીજ કહી શકાય કે બાયપાસની પ્રક્રિયા હવે ઝડપી બનવાની છે. ખેડૂતો જમીન વેચવા વિચારતા થાય તેમજ ઉતાવળા થાય તે માટે ભરમાવવામાં આવી રહ્યા છે કે બાયપાસ રોડ બનતા ચાર થી પાંચ વર્ષનો સમય લાગશે. ત્યારે આ વિસ્તારના એક ખેડૂત આગેવાને થોભો અને રાહ જોવાની બાયપાસ વિસ્તારના ખેડૂતોને સલાહ આપી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us