Select Page

કોન્ટ્રાક્ટરની ધીમી ગતિ કે કોઈ ચેરમેનની મેલીમુરાદની અસરદગાલા કેનાલ-ધરોઈ કોલોની રોડ ગટરલાઈન કામ ખોરંભે

કોન્ટ્રાક્ટરની ધીમી ગતિ કે કોઈ ચેરમેનની મેલીમુરાદની અસરદગાલા કેનાલ-ધરોઈ કોલોની રોડ ગટરલાઈન કામ ખોરંભે

વિસનગર પાલિકામાં ભાજપના સભ્યો વચ્ચેના જુથવાદમાં વિકાસ કામ અટકતા અત્યારે લોકોને હેરાન થવાનો સમય આવ્યો છે. પાલિકામાં બાંધકામ વિભાગમાં બેસી રહેતા એક ચેરમેનની મેલીમુરાદના કારણે કોન્ટ્રાક્ટર ધીમી ગતિથી કામ કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. દગાલા રોડ ઉપર કેનાલનુ ગોકળ ગાયની ગતિએ કામ ચાલે છે. જે ગંજબજારમાં ચોમાસામાં ખાના ખરાબી સર્જશે. જ્યારે ધરોઈ કોલોની રોડ ઉપર ગટરલાઈન માટે પાઈપો ઉતારી છે પણ કામ શરૂ થતુ નથી. આ કોન્ટ્રાક્ટરના કારણે બે કરોડ રૂપિયાના વિકાસ કામ ખોરંભાયા છે ત્યારે પાલિકા તંત્રમાં કોઈ કહેવાવાળુ નથી.
વિસનગર પાલિકા દ્વારા ઓરબીસ એન્જીકોન લી. અમદાવાદ કોન્ટ્રાક્ટરને રૂા.૧.૧૭ કરોડમાં ગંજબજાર ભોજનાલયથી કાંસા ચાર રસ્તા સુધી વરસાદી પાણીની કેનાલનો તેમજ બામણચાયડાથી શીરડીનગર ચાર રસ્તા સુધી ધરોઈ કોલોની રોડ ઉપર રૂા.૨૦.૨૫ લાખના ખર્ચે ગટરલાઈનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરને તા.૨-૧૧-૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે હજુ સુધી કામ પુરા કરી શક્યો નથી. ઘણી રજુઆતો બાદ ત્રણ અઠવાડીયા પહેલા ગંજબજાર ભોજનાલયની બાજુમાં દગાલા રોડથી કેનાલનુ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ગોકળ ગાયની ગતિથી ચાલતુ કેનાલનુ કામ કાંસા ચાર રસ્તા સુધી ક્યારે પુરૂ થશે તે એક મોટો પ્રશ્ન છે. કેનાલના કામના કારણે દગાલા વિષ્ણુનગરનો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. ગંજબજારના પાછળના ભાગના વરસાદી પાણીનો નિકાલ દગાલા રોડ ઉપર થાય છે. ત્યારે કેનાલનુ કામ ઝડપી પુરૂ કરવામાં નહી આવે તો ગંજબજારના ચોમાસુ પાણીનો નિકાલ થવો અશક્ય છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગંજબજારમાં ચોમાસુ પાણી ભરાવાની પુરેપુરી શક્યતા છે. જેના કારણે મોટુ નુકશાન થાય તેમ છે.
ધરોઈ કોલોની રોડ ઉપર પણ ગટરલાઈન કામ માટે છેલ્લા પંદર દિવસથી પાઈપો ઉતારવામાં આવી છે. પરંતુ ગટરલાઈનનુ કામ શરૂ થતુ નથી. બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ કહેતા હતા કે હોળીના કારણે મજુરો નહી હોવાથી હોળી પછી કામ શરૂ થશે. હોળી ગયાના બે માસ ઉપરાંત્ત થવા છતા મજુરો આવતા નથી અને ગટરલાઈન કામ શરૂ થતુ નથી. ગટરલાઈન કામ નહી થવાના કારણે ધરોઈ કોલોની રોડ ઉપર રૂા.૪૯.૭૨ લાખના ખર્ચે બનનાર આર.સી.સી. રોડનુ કામ પણ અટક્યુ છે. ચર્ચાતી માહિતી પ્રમાણે બાંધકામ વિભાગમાં બેસી રહેતા એક ચેરમેનના ઈશારે કોન્ટ્રાક્ટર કામ કરતો નથી. આ ચેરમેનને પ્રમુખ બનવુ છે. પરંતુ પોતાની ખરાબ નિતિઓના કારણે પ્રમુખ બની શકે તેમ નહી જણાતા હવે દુઃખે છે પેટ અને કુટે છે માથુની જેમ વિકાસ કામમાં આડખીલીરૂપ બની રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us