વિસનગર તાલુકા પંચાયતમાં દાખલા માટે અરજદારોનો હોબાળો
વિસનગર તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય સડો ઘુસી જતા ટી.ડી.ઓ. તેમજ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા હોદ્દેદારો નિષ્ક્રિય બનતા અત્યારે પંચાયતમાં રણીધણી વગરનો મહોલ ઉભો થયો છે. જેથી ટી.ડી.ઓ રજા ઉપર જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને અઠવાડીયા સુધી આવકના તથા અન્ય દાખલા નહી મળતા ધક્કા ખાઈને કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટી.ડી.ઓ.ની ઓફીસમાં ઘુસી ભારે હોબાળો કર્યો હતો. ત્યારે ટી.ડી.ઓ. મેઘાબેન ભગતે તપાસ કરતા મામલતદાર કચેરીમાંથી સહી માટે દાખલાના થોક ત્રણ-ચાર દિવસે આવતા અરજદારો કચેરીના ધક્કા ખાતા હોવાનુ જાણવા મળ્યુ હતુ.
વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનતા અત્યારે તેમની પાસે મહત્વના ત્રણ ખાતાની જવાબદારી છે. જેથી તેઓ પોતાના મત વિસ્તારમા પુરતુ ધ્યાન નહી આપી શક્તા પ્રજા હેરાન થાય છે. અત્યારે તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તાલુકા પંચાયતના વહીવટમાં રાજકીય સડો ઘુસી જતા
મામલતદાર કચેરીમાંથી સહી માટે આવતા દાખલા મોડા આવતા તાલુકા પંચાયતમાં દાખલા લેવા માટે અરજદારોની બુમરાડ થતી હતી
ટી.ડી.ઓ. મેઘાબેન ભગત અને તાલુકા પંચાયતના મહત્વના હોદ્દેદારો નિષ્ક્રિય થઈ ગયા છે. હોદ્દેદારો પોતાની અઢી વર્ષની ટર્મ હેમખેમ પુરી થાય તેની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના સપના જોતા ભાજપના એક ડેલીગેટ અન્ય કાર્યકરોને હાથ ઉપર રાખી એક વ્યક્તિના ઈશારે તાલુકા પંચાયતના વહીવટમાં ખોટી ડખલગીરી કરી રહ્યા છે. જેના કારણે ટી.ડી.ઓ. મેઘાબેન ભગત અવાર-નવાર રજા ઉપર જતા તેમજ હોદ્દેદારો નિષ્ક્રિય થતા તાલુકા પંચાયતમાં રણીધણી વગરનો માહોલ ઉભો થયો છે. તાજેતરમાં શાળા-કોલેજોની પરિક્ષાના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે સરકારી લાભ લેવા માટે આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રિમીલેયર સર્ટીફીકેટ, બિન અનામતનો દાખલો તથા આર્થિક પછાતના દાખલાની ખાસ જરૂર પડે છે. જેથી દાખલો લેવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે ઘસારો રહે છે. ત્યારે રાજકીય ડખલગીરીના કારણે ટી.ડી.ઓ. લાંબી રજા ઉપર જતા ઈન્ચાર્જ ટી.ડી.ઓ.એ દાખલામાં સહીઓ નહી કરતા ગામડાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ બુધવારના રોજ ટી.ડી.ઓ.ની ઓફિસમાં ઘુસી ભારે હોબાળો કર્યો હતો. જોકે ટી.ડી.ઓની ઓફિસમા જતા પહેલા અરજદારો મત લેવા માટે હાથ જોડતા તાલુકા પંચાયતના હોદ્દેદારોને શોધતા હતા. પરંતુ તેઓ ઓફિસમાં હાજર જોવા મળ્યા ન હતા. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટી.ડી.ઓ. મેઘાબેન ભગતને કહ્યુ કે મેડમ અમે કાળઝાળ ગરમીમાં દાખલો લેવા અહી ધક્કા ખાઈએ છીએ. જેમાં અમારા પૈસા અને સમય બગડે છે. તમારી કચેરીમાંથી દાખલો ક્યારે મળશે તેવુ કહે અમેે ખોટા ધક્કા ખાઈએ નહી. અરજદારોની રજુઆત સાંભળી ટી.ડી.ઓ.એ તપાસ કરતા વડનગરના ઈન્ચાર્જ ટી.ડી.ઓ.એ સોમથી બુધવાર સુધીના આશરે ૩૫૦ ઉપરાંત દાખલામાં સહીઓ કરી ન હતી. જ્યારે મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રનાં કર્મચારીઓ અરજદારોનો ફોટો પાડી ફોર્મ લઈ તાલુકા પંચાયતમાંથી તેમને બે દિવસમાં દાખલો મળી જશે એવુ કહેતા હતા.ંપરંતુ મામલતદાર કચેરીમાંથી સહી માટે દાખલા મોડા આવતા હતા. જેના કારણે તાલુકા પંચાયતમાં દાખલા લેવા માટે અરજદારોની બુમરાડ થતી હતી. ટી.ડી.ઓ. મેઘાબેન ભગતે મામલતદાર કચેરીમાં ફોન કરીને ઝડપી દાખલા પહોંચાડવા કડક સુચના આપી હતી.