મોસાળા મહોત્સવમાં ૬૫૦૦ દર્શનાર્થીઓએ પ્રસાદનો લાભ લીધો
બીલ્ડર પરેશભાઈ ચૌધરી અને સ્પાન પરિવારના સૌજન્યથી
- પ્રચાર સાપ્તાહિકના તંત્રી અને સ્પાન પરિવારના બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટની ઈચ્છા શક્તિથી વર્ષ ૨૦૧૯ માં મોસાળા મહોત્સવના સૌજન્ય માટે નામ નોધાવી સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશભાઈ ચૌધરીએ યાદગાર અભૂતપૂર્વ મોસાળા મહોત્સવ ઉજવ્યો
વર્ષ ૨૦૨૭ સુધી મોસાળા મહોત્સવ મનોરથના નામ નોધાયા
રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના મોસાળા માટે દાતાઓનો ઉત્સાહ વધતો જાય છે. વર્ષ ૨૦૨૪ માં જશુભાઈ પટેલ કાંસા પરિવાર, ૨૦૨૫ માં શીવકુમાર મંગળદાસ સોની પરિવાર, ૨૦૨૬ માં માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ અને મિત્ર મંડળ તથા વર્ષ ૨૦૨૭ માં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મોસાળા મહોત્સવમાં નામ નોધાવ્યા છે.
વિસનગરમાં પરંપરાગત રથયાત્રામાં જેટલો ઉત્સાહ છે તેટલોજ ઉત્સાહ હવે મોસાળા મહોત્સવમાં જોવા મળી રહ્યો છે. બીલ્ડર પરેશભાઈ ચૌધરી અને સ્પાન પરિવાર દ્વારા આ વર્ષે જે રીતે મોસાળા મહોત્સવ કરાયો તે અભૂતપૂર્વ હતો. મોસાળામાં ભગવાન જગન્નાથજીનુ ભવ્ય સ્વાગત કરી નવા વસ્ત્રો અને ઘરેણા પહેરાવી છપ્પન ભોગ મુકવામાં આવ્યા હતા. ૬૫૦૦ જેટલા દર્શનાર્થીઓએ મોસાળામાં પ્રસાદનો લાભ લીધો હતો. શહેરના જાણીતા કર્મકાંડી મહારાજ ભાર્ગવભાઈ તથા રાજુભાઈ મહારાજે મંત્રોચ્ચારથી મોસાળા મહોત્સવની વધામણી કરી હતી.
શહેરના જાણીતા બીલ્ડર અને સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના ચેરમેન પરેશભાઈ ચૌધરી તથા સ્પાન પરિવારના સૌજન્યથી આ વખતનો મોસાળા મહોત્સવ યાદગાર બની ગયો હતો. મહોત્સવ કમિટિના ભરતભાઈ એકાઉન્ટન્ટે યાદ કરતા જણાવ્યુ હતું કે, બચુકાકા (પ્રચાર સાપ્તાહિકના તંત્રી) એ રથયાત્રામાં મોસાળા મહોત્સવ જેવા કાર્યક્રમની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પ્રથમ વખતના કાર્યક્રમ માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના નિવાસ્થાને મળવા ગયા હતા. ત્યારે વિસનગર વેપારી મહામંડળના સહયોગથી આ પરંપરા શરૂ થઈ. આ વર્ષે સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરેશભાઈ ચૌધરીએ તન, મન અને ધનથી મોસાળા મહોત્સવ ઉજવ્યો હતો. રોટરી ક્લબથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે ઉમિયા માતાના મંદિર સુધી મોસાળાની શોભાયાત્રા નિકળી હતી. જેમાં સ્પાનના ભાગીદારો પરિવાર સાથે તથા ચૌધરી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેન્ડવાજાના તાલે ગરબે રમતા અને ઘુમતા ઉમિયા માતાની વાડીએ પહોચતા મોસાળા કમિટિના સભ્યો દ્વારા પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયુ હતુ. ભગવાન જગન્નાથજીને રથમાંથી આવકારી મોસાળામાં લાવેલા નવા વસ્ત્રો તથા ઘરેણા પહેરાવી છપ્પનભોગ દર્શન ખોલવામાં આવતા જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તેમના પત્ની મીનાબેન પટેલ સાથે બપોરે ૧૨-૩૦ કલાકે આવી બે કલાકનો સમય ફાળવી મોસાળા મહોત્સવના સહભાગી બન્યા હતા. મોસાળામાં લગભગ ૧૧-૦૦ કલાકે જમણવાર શરૂ થયો હતો. જેમાં રથયાત્રામાં જોડાયેલા યાત્રીઓ સાથે ૬૫૦૦ દર્શનાર્થીઓએ સીરો, મગ, પુરી, બટાકાનુ શાક, દાળ અને ભાતના સ્વાદિષ્ટ પ્રસાદનો લાભ લીધો હતો.
મોસાળા મહોત્સવનુ સૌજન્ય આપનાર સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશભાઈ ચૌધરી સહિતના પરિવારના સભ્યો અને ભાગીદારો નિગમભાઈ ચૌધરી, અજીતભાઈ ચૌધરી, સચીનભાઈ ચૌધરી, પટેલ રામચંદ્રભાઈ ગળીયા, અનિલભાઈ પટેલ હેપ્પી, મનોજભાઈ બ્રહ્મભટ્ટ, ર્ડા.વિરેન્દ્રસિંહ રાજપૂત, શૈલેષભાઈ જોઈતારામ પટેલ, ભરતભાઈ પટેલ ચોક્સી, કમલેશભાઈ સુથાર, નીતિનભાઈ ડાહ્યાભાઈ મોદી વિગેરેનુ મોસાળા કમિટિ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. જ્યારે રથયાત્રાનું સંચાલન કરનાર હરિહર સેવા મંડળ દ્વારા મોસાળા કમિટિના પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ, શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, પટેલ મહેશભાઈ ઓમકાર, પટેલ હર્ષલભાઈ એમ.જે.મેડિકલ, પટેલ દામજીભાઈ લાટીવાળા, ગૌતમભાઈ સથવારા, ચંદ્રકાન્તભાઈ પરમાર ઉમિયા ફર્નિચર, પટેલ મનીષભાઈ ગળીયા, પટેલ કાળુભાઈ સુભાષ, પટેલ ઈશ્વરભાઈ આવકાર, રવિભાઈ દરજી, બકાભાઈ પટેલ નવદુર્ગા, અનીલભાઈ પટેલ કપુર વિગેરેનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત્ત ડી.એસ.પી. અચલ ત્યાગી, ડી.વાય. એસ.પી. દેસાઈ, પી.આઈ. એસ.એસ. નિનામા, રાજુભાઈ પટેલ આર.કે., પ્રિતેશભાઈ પટેલ ચેરમેન માર્કેટયાર્ડ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, શીવકુમાર સોની વિગેરેનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
મોસાળા મહોત્સવ અનેક લોકોના સહયોગથી સફળ રહ્યો હતો. જેમાં ટોકન ભાડાથી ઉમિયા માતાની વાડી આપી ગુંદીખાડ પાટીદાર સમાજે સહયોગ આપ્યો હતો. કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા પીરસવાની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. ગૌતમભાઈ સથવારા અને તેમની ટીમે સેન્ટ્રીંગની લીફ્ટથી બીજા માળે ભોજન પ્રસાદી પહોચાડવાની કામગીરી સંભાળી હતી. રસોઈ બનાવનાર મોઘજીભાઈ રસોઈયાએ ખુબજ ઓછી મજુરી લઈ સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. વિસનગર વેપારી મહામંડળે પુરેપુરો સહયોગ આપી મહોત્સવ સફળ બનાવ્યો હતો. મેહુલ મંડપવાળા ભાઈઓએ મજુરી ખર્ચે મંડપ વ્યવસ્થા સંભાળી હતી. શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયાના માર્ગદર્શનમાં યુવા ભાજપ મોરચાના કાર્યકરોએ ખડેપગે સેવા આપી હતી. જે તમામ સહયોગીઓનો મોસાળા કમિટિએ આભાર માન્યો હતો.