વિસનગરમાં વાદળા અઢી ઈંચ ખાબકતા જળબંબાકાર પાલિકા સભ્યોની લાગણીહિનતા-નિષ્ફળતા અને નિષ્ક્રીયતાની પોલ ખોલી
શુક્રવારની સમી સાંજે મંડી પડેલા મેઘરાજાએ કલાક બાદ રાહત ન આપી હોત તો વિસનગરમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા હોત. વર્ષો સુધી પાણી ભરાવાની પરંપરા જોવા છતા પાલિકાના આગવા આયોજનના અભાવે અનેક વિસ્તારોમાં ક્યાંક ઘુંટણ સમા તો ક્યાંક કેડ સમા પાણી ભરાયા હતા. જોકે અષાઢી બીજ બાદ વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી ત્યારે એક સામટા અઢી ઈંચ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થતા ઉકળાટ અને બફારામાંથી લોકોને છુટકારો મળ્યો હતો.
ભારે વરસાદથી પાણી ભરાતા વિસનગર પાલિકા તંત્રની પોલ ખુલી. પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન ધોવાઈ ગયો. પ્રિમોન્સુન પ્લાનની કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ તેવી ટીકાઓથી હવે પાલિકા તંત્ર, કર્મચારીઓ અને ચુંટાયેલા સભ્યો રીઢા બની ગયા છે. ચુંટણીમાં મત લેવા પુરતોજ સ્વાર્થ રાખનાર સભ્યોનો લાગણીહિન સ્વભાવના કારણે કેનાલો અને ગટરલાઈનના કામ સમયસર નહી થતા અત્યારે ભારે વરસાદમાં લોકોને સહન કરવાનો સમય આવ્યો છે. અષાઢી બીજ પછી વિધિવત ચોમાસાની આતુરતાથી રાહ જોવાતી હતી ત્યારે તા.૩૦-૬-૨૦૨૩ ને શુક્રવારની સમી સાંજે વિસનગરને ઘેરી વળેલા વાદળ મન મુકી ખાબકતા લગભગ પોણો કલાકમાં અઢી ઈંચ વરસી ગયા હતા. ધોધમાર વરસાદના કારણે પાલિકા સભ્યોની લાગણીહિનતા, નિષ્ફળતા, નિષ્ક્રીયતા અને સ્વાર્થીપણાની પોલ ખુલી ગઈ હતી. શહેરમાં ફતેહ દરવાજા વિસ્તાર, મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા, આદર્શ વિદ્યાલય પાસે મહેસાણા રોડ, સવાલા દરવાજા, એમ.એન.કોલેજ રોડ કોલેજ ગેટથી પંડ્યાના નાળા સુધી, ધરોઈ કોલોની રોડ, ગંજબજારના મેઈન ગેટ સામે, કાંસા ચાર રસ્તા, દગાલા વિસ્તાર, ગૌરવપથ રોડ વિગેરે વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો હતો. જેમાં કેટલાક વિસ્તારમાતો અડધુ ટુ વ્હીલર ડુબી જાય તેટલુ પાણી ભરાયુ હતુ. ઘુંટણ સમા અને કેડ સમા ભરાયેલા પાણીથી કાર જેવા વાહનો બંધ પડતા ધક્કા મારીને કાઢવા પડ્યા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરના કેટલાક રસ્તા નદી જેવા લાગતા હતા.
- અનેક વિસ્તારમાં કાર અને ટુ વ્હીલર બંધ પડ્યા
- ધરોઈ કોલોની રોડ ઉપર વાહનો ખાડામાં પડવાથી ફસાયા
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે કે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પાલિકા કર્મચારી કે સભ્યો કોઈ જોવા મળ્યા નહોતા. વધારે વરસાદ પડ્યો હોત તો નિચાણવાળા વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા હોત અને માલ સામાનને મોટુ નુકશાન થાય તેમ હતુ. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવતુ નથી.
ધરોઈ કોલોની રોડ ઉપર ખોદકામ કરવામાં આવ્યુ છે. ત્યારે વરસાદી પાણી ભરાતા સાવચેતીના બોર્ડના અભાવે લગભગ ત્રણ થી ચાર ફોરવ્હીલ વાહનો ફસાયા હતા. એક્ટીવા ઉપર જતા એક વૃધ્ધ ખાડામાં પડતા આસપાસના લોકોએ દોડી બહાર કાઢ્યા હતા.