જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનો આપઘાત ભાજપ સરકાર અને પોલીસ માટે શરમજનક
અગ્રણીને ફરિયાદ માટે ઝઝુમવુ પડતુ હોય તો સામાન્ય વ્યક્તિનુ તો ક્યાંથી ઉપજે
તંત્રી સ્થાનેથી…
ભાજપ સરકારનુ ગૃહ વિભાગ લોકોને ન્યાય મળે તે માટે ભલે લોકાભિમુખ અભિગમ અપનાવે પરંતુ પોલીસ અધિકારીઓની મનમાની આગળ કોઈનુ ચાલતુ નથી કે ઉપજતુ નથી. રણેલા કોલેજના સંચાલક, મહેસાણા અર્બન બેન્કના ડીરેક્ટર, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ ૮૪ કડવા પાટીદાર સમાજના અગ્રણી કિરીટભાઈ ભાઈલાલભાઈ પટેલ સાથે થયેલી રૂા.૨.૪૦ કરોડની છેતરપીંડીમાં પોલીસ અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો નહી સાંભળતા છેવટે આપઘાતનુ જે પગલુ ભર્યુ છે તે ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. ઈન્દોરના નિલેશ ત્રીવેદી, દિલ્હીના હરીશ ગુપ્તા, અમદાવાદના અભિષેક શુકલા, કૃપાબેન શુકલા અને અમીબેન જોષીએ છેતરપીંડી કરી હોવાથી આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે પ્રેર્યા હોવાનુ આ અગ્રણીએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છેકે બેચરાજી પી.એસ.આઈ.રાઠોડ અને એસ.પી.અચલ ત્યાગીને ફરિયાદો કર્યા છતા એફ.આઈ.આર. નોધી નથી, તેઓ પણ નાણાંથી ફુટી ગયા હોય તેવુ સ્પષ્ટ છે. કેસની ફાઈલો પોલીસના હાથમાં જશે તો રફેદફે થશે તેવો ભય આ અગ્રણીએ સ્યુસાઈડ નોટમાં વ્યક્ત કર્યો છે. માણસ જ્યારે જીવનો અંત અણવાનો નિર્ણય કરે છે ત્યારે છેલ્લા સમયે ખોટુ બોલતો નથી તેવા સિધ્ધાંતથી લખેલ સ્યુસાઈડ નોટ આધારે કાયદેસરની કાર્યવાહી થાય છે. સમાજના અગ્રણી તેમજ કેળવણીકારની અનેક રજુઆતો છતા પોલીસે છેતરપીંડીની ફરિયાદ નોધીને તપાસ કરી નહી. નફ્ફટ બનેલા પોલીસ તંત્રની જોહુકમી અને મનમાની સામે કંટાળી, હારીને, થાકીને કિરીટભાઈ પટેલે જ્યારે જીવનનો અંત આણ્યો ત્યારે પોલીસે ગુનો નોધી હવે એસ.પી.ની સુચનાથી ચાર જુદી જુદી ટીમ બનાવી તપાસનુ નાટક શરૂ કર્યુ છે. ૮૪ કડવા પાટીદાર સમાજના અગ્રણી હયાત હતા ત્યારે પોલીસે ગણકાર્યુ નહી પરંતુ એસ.પી. વિરુધ્ધના થયેલા આક્ષેપથી પગ તળે રેલો આવતા હવે તપાસ કરવાનો દેખાવ કરવામાં આવી રહ્યો છે. સમાજે એક અગ્રણી ગુમાવ્યા બાદ ભલે ગમે તેટલી તપાસ થાય અને છેતરપીંડીની રકમ પાછી આવે તેનો હવે કોઈ મતલબ રહેવાનો નથી. આ બનાવ ભાજપ સરકાર અને તેના પોલીસ વિભાગ માટે શરમજનક છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાઈક ચોરી અને મોબાઈલ ચોરીના સામાન્ય ગુનાઓમાં લોકોને ન્યાય મળે તે માટે ઈ-એફ.આઈ.આર.નો અમલ કર્યો છે. જ્યારે આવા અગ્રણીઓને જીવનનો અંત લાવવા મજબુર થવુ પડે તેવા ગંભીર પ્રકારના ગુના નોધવા માટે કોઈ ગાઈડલાઈન નથી. સરકાર તપાસ કરે તો કિરીટભાઈ પટેલે ન્યાય માટે કરેલી અરજીઓ જેવી અનેક અરજીઓ પોલીસ સ્ટેશનની ફાઈલોમાં ધૂળ ખાય છે. આવી અરજીઓ એફ.આઈ.આર.માં તબદીલ કરવી કે નહી તે માત્ર ને માત્ર પોલીસ અધિકારીઓની મનસુફી ઉપર મદાર રાખે છે. કિરીટભાઈ પટેલની સ્યુસાઈડ નોટ આધારે છેતરપીંડી કરનાર વિરુધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો. તો વારંવાર રજુઆત કરવા છતા એફ.આઈ.આર. નહી નોધી માનસીક ત્રાસ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર નથી? ખરેખર આવા અધિકારીઓ સામે તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તોજ પોલીસ સ્ટેશનોમાં આમ જનતાનુ સંભળાશે. પરંતુ આતો ભાજપ સરકાર, સમાજે એક અગ્રણી ગુમાવ્યા તે ચાલશે પરંતુ એક આઈ.પી.એસ. અધિકારી વિરુધ્ધની તપાસમાં જરૂર ફિંડલુ વાળશે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પીડાતો હોય અને પોલીસ સ્ટેશનમાં ન્યાયની ઝંખનાએ ફરિયાદ આપવા જતો હોય ત્યારે આવા સંજોગોમાં પોલીસ ફરિયાદ લેતી ન હોય તો કોર્ટનો સહારો લેવો પડે છે. અગાઉ આવા કેસોમાં કલમ ૧૫૬/૩ મુજબ કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કરે ત્યારે પોલીસ એમ. કેસ દાખલ કરતી હતી. પોલીસ સ્ટેશનોમાં એમ. કેસનુ અલગ રજીસ્ટર રાખવામાં આવતુ હતુ. કાયદામાં ૧૫૬/૩ ની કલમ અમલમાં છે ત્યારે લોકો આ માર્ગે ન્યાય મેળવવાની પ્રણાલી ભુલી ગયા છે. કસુરવાર તમામ વિરુધ્ધ નિષ્પક્ષ કાર્યવાહી થશે ત્યારે કિરીટભાઈ પટેલને પાટીદાર અગ્રણીને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે.