પૂર્વ જિલ્લા સરકારી વકીલ સ્વ.ચંદનસિંહ રાજપૂતના પરિવાર દ્વારાચાણસોલમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલને સાકર તુલાથી સન્માનીત કરાયા
ખેરાલુ વિધાનસભામાં ભાજપની ધરોહર સમાન પૂર્વ જિલ્લા સરકારી વકીલ તથા ગુજરાત રાજ્યના રાજપૂત સમાજ સહીત તમામ સમાજોમાં જેમનુ નામ આદર સહીત લોકો ચિરકાળ સુધી યાદ કરશે તેવા સ્વ. ચંદનસિંહ સરદારસિંહ રાજપૂતના પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની સાકર તુલાનો કાર્યક્રમ ચાણસોલ પીપળોજ માતાના મંદિરે યોજાયો હતો. જેમા હજારોની સંખ્યામા લોકો હાજર રહ્યા હતા.
પ્રાપ્ત માહીતી પ્રમાણે તા.૯-૭-ર૦ર૩ ને રવિવારે સવારે ૮-૦૦કલાકે ખેરાલુ તાલુકાના ચાણસોલ પીપળોજ માતાના મંદિરે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલને સાકર તુલાથી સન્માનિત કરવામા આવ્યા હતા. આ સાકર તુલા બાબતે મંદ્રોપુરના વતની અને ગુજરાત ભાજપ લીગલ સેલના સભ્ય લક્ષ્મણસિંહ રાજપૂત દ્વારા ધારાસભ્યની ચુંટણીમાં જંગી મતોથી જીતે તે માટે ઋષિભાઈ પટેલ માટે બાધા રાખી હતી. જે બાધા પૂરી કરવા માટે સાકરતુલા કરી ઋષિભાઈ પટેલને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ઋષિભાઈ પટેલ સાથે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, રાજય સભાના સાંસદ જુગલજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ તથા અજમલજી ઠાકોર રાજપૂત સમાજના અગ્રણી જયરાજસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ બબુબેન ભરતભાઈ ચૌધરી, ખેરાલુ નગર પાલિકા પૂર્વ પ્રમુખ તથા ખેરાલુ વિધાનસભાના ઈન્ચાર્જ હેમન્તભાઈ શુકલ, એ.પી.એમ.સી. ચેરમેન ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ પરથીભાઈ ચૌધરી, સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી દશરથસિંહ પરમાર સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તમામ વક્તાઓ દ્વારા સ્વ. ચંદનસિંહ રાજપૂતને ખૂબ જ યાદ કર્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ખેરાલુ -સતલાસણા તાલુકા વિસ્તાર માટે ગુજરાત સરકારે રૂા.૩૧૭/- કરોડ રૂપિયા મંજુર કરી દીધા છે. જેનુ ટેન્ડરીંગ કરીને દિવાળી સુધીમાં કામ ચાલુ થઈ જશે. આપણા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે આખો વિસ્તાર પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે. હાલ દૂધ સાગર ડેરીના ચેરમેન હયાત છે જેમણે ગત વર્ષે રૂા.૩ર૧/- કરોડનો દૂધમાં વધારો આપ્યો. આ વર્ષે રૂા. ૩૭પ/- કરોડનો દૂધમાં વધારો આપ્યો છે. ૬૦ વર્ષના કયારેય આટલો નફો દૂધસાગર ડેરીએ આપ્યો નથી. હાલ દૂધસાગર ડેરીમાં ખેરાલુ ૪ લાખ લીટર દૂધ ભરાવે છે. આગામી સમયમાં હવે પાણીની સગવડ થવાની છે જેથી ચાર લાખની જગ્યાએ આઠ લાખ લીટર દૂધ ભરાવવાનો પ્રયત્ન કરાશે. વકીલ લક્ષ્મણસિંહ રાજપૂતે જે સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ૩૧૭/- કરોડની યોજના મંજુર કરવા બદલ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો પણ ખેરાલુ વિધાનસભાવતી આભાર માન્યો હતો. મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વ.ચંદનસિંહ રાજપૂત સાથેના સંભારણા યાદ કર્યા હતા. વધુમાં જણાવ્યુ હતુ કે સરકાર નાનામાં નાના માણસોને ફાયદો થાય તેવા કામો કરે છે. હાલમાં પંથકની માંગણી અનુસાર સરકાર ગ્રાન્ટો ફાળવે છે પણ હવે આગામી સમયમાં આ વાતો યાદ રાખી સરકારની પડખે ઉભા રહેવા વિનંતી સાથે ટકોર કરી હતી.
તેમજ ર૦ર૪ લોકસભાની ચુંટણી માટે તૈયાર થઈ મહેનત કરવા જણાવ્યુ હતુ. તેમજ મોદી સાહેબની સરકારના નવ વર્ષના કામો વિશે ઉલ્લેખ કરી કોઈપણ જ્ઞાતિ ધર્મના લોકોએ કામ માટે દોડી આવશો કે ફોન કરશો તો ઉપાડીશુ અને સાચુ કામ ચોક્કસ કરીશુ તેની ખાત્રી આપી હતી. તમામ મહાનુભાવાનુ સ્વાગત લક્ષ્મણસિંહ રાજપૂતે કર્યુ હતુ. તેમજ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારનું સ્વાગત ત્રણ તાલુકા રાજપૂત સમાજ તરફથી નટવરસિંહ રાજપૂતે કર્યુ હતું.