
પ્રદેશ ભાજપ પ્રમુખની નોરીપીટ થીયરીની જાહેરાત બાદવિસનગર પાલિકા પ્રમુખની હોડમાથી ત્રણ સભ્યો આઉટ
ભારતીય જનતા પાર્ટી ભલે વિશ્વનો સૌથી મોટો અને સૌથી વધુ સભ્યો ધરાવતો પક્ષ હોય, પરંતુ આ પાર્ટીના સગવડીયા નિયમો ક્યારે બદલાય તેનુ કોઈ નક્કી હોતુ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહત્વના પાંચ હોદ્દા ધરાવતા પદાધિકારીઓમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણીમાં નો રીપીટ થીયરીની પ્રદેશ ભાજપ પ્રમુખે જાહેરાત કરી હતી. પ્રદેશ ભાજપની આ જાહેરાતથી વિસનગર પાલિકા પ્રમુખની હોડમા રહેલા ત્રણ સભ્યો આઉટ થઈ ગયા છે. હવે આઠ સભ્યોમાથી એક પ્રમુખ બનશે.
આવતા બોર્ડમા ભાવિ પ્રમુખની ઈચ્છા રાખનાર સભ્ય મહત્વના હોદ્દા લેતા વિચારશે
વિસનગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા.૧૩-૯-૨૦૨૩ને બુધવારના રોજ યોજાશે. જેમા પ્રમુખની હોડમાં પાલિકાના દશ સભ્યોએ પ્રદેશ નિરિક્ષકો સમક્ષ દાવેદારી કરી હતી. પ્રમુખની દાવેદારી બાદ સિનિયર વગદાર સભ્યોએ પ્રદેશ નેતાગીરી સામે પણ રજુઆત કરી રહ્યા છે. પ્રમુખની ચુંટણીમા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પ્રમુખ બનવા માટે લોબીંગ પણ કરી દીધુ છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગાંધીનગર ખાતેના પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રથમ અઢી વર્ષની ટર્મમાં જેઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાના હોદ્દા ઉપર હોય તેમના માટે નો રીપીટની જાહેરાત કરતાજ વિસનગર પાલિકા પ્રમુખની હોડમા રહેલા દશ દાવેદારોમાથી ત્રણ આઉટ થઈ ગયા છે.
પ્રમુખ પદ માટે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, દંડક મેહુલભાઈ પટેલ તથા શાસક પક્ષના નેતા અમાજી ઠાકોરનો પણ દાવો હતો. રૂપલભાઈ પટેલ અગાઉ પાલિકા પ્રમુખની સફળ જવાબદારી નિભાવી ચુક્યા છે. પાલિકા વહીવટનો પુરેપુરો અનુભવ છે. કર્મચારીઓને પણ કાબુમા લેવાની ત્રેવડ છે. વળી ભાજપમા પ્રદેશ નેતાગીરી સુધી વગ ધરાવતા સિનિયર નેતા છે. પરંતુ વર્તમાન બોર્ડમા ઉપપ્રમુખ હોવાથી નોરીપીટ થીયરીમાં પ્રમુખની દાવેદારીમાથી નામ નિકળી ગયુ છે. પ્રમુખ માટે ઈતર સમાજમાથી શાસક પક્ષના નેતા અમાજી ઠાકોરનુ પણ નામ ટોપમા હતુ. પરંતુ નો રીપીટ થીયરીમાં પ્રમુખ બનવાના સપના ચકનાચુર થઈ ગયા છે. એક સભ્યતો કહેતા હતા કે, મને પ્રમુખ ન બનાવો તો રૂપલભાઈ પટેલને પણ પ્રમુખ ન બનાવતા. રૂપલભાઈ પટેલ નો રીપીટમા કપાતા આ સિનિયર સભ્ય પણ ગેલમા આવી ગયા છે. અને પ્રમુખ બનવાનો પોતાનો માર્ગ મોકળો થઈ ગયો હોવાનુ માની રહ્યા છે. પરંતુ લીટી ટુંકી કરનારની રાજકારણમાં ક્યારેય પ્રગતિ થતી નથી.