Select Page

વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં પ્રમુખપદે પુષ્પાબેન વણકર અને ઉપપ્રમુખ પદે જનકબા ચાવડાનો વિજય

મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમા પ્રમુખપદના ઉમેદવારમા ભાજપમાંથી એક જ ફોર્મ ભરાતા પુદગામ સીટના અનુસુચિત જાતિના ભાજપના મહિલા ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. જયારે ઉપપ્રમુખ પદ માટે કડા સીટના ભાજપના અને ગુંજા-૧સીટના કોંગ્રેસના સદસ્યએ ઉમેદવારી નોધાવી હતી. જેમા ભાજપના ઉમેદવારને- ર૦ અને કોંગ્રેસના ઉમેદવારને-૩ મત મળતા ભાજપના મહિલા ઉમેદવારને ૧૭ મતે વિજેતા જાહેર કર્યા હતા. જો કે આ ચુંટણીમા કાંસા એન.એ. સીટના આમ આદમી પાર્ટીના મહિલા સદસ્યએ ભાજપને સમર્થન આપતા આવનારી લોકસભાની ચુંટણી પહેલા પક્ષપલટો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા અઢી વર્ષની ટર્મ માટે મહેસાણા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગભાઈ વ્યાસની અધ્યક્ષતામા અને ઈન્ચાર્જ ટી.ડી.ઓ. રોહીતભાઈ રાવલની ઉપસ્થિતિમાં તા.૧૩-૯ ના રોજ બપોરે ૧ર-૦૦ કલાકે તાલુકા પંચાયતમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. જેમા પ્રમુખ પદે એકમાત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પુદગામ સીટના અનુસુચિત જાતીના મહિલા સદસ્યામાં પુષ્પાબેન ચંદ્રેશકુમાર વણકરે ઉમેદવારી નોંધાવી હતી. જયારે ઉપપ્રમુખ પદ માટે કડા-૧ર સીટના ભાજપના મહિલા સદસ્યા ચાવડા જનકબા જશવંતસિંહ અને ગુંજા-૧ સીટના કોંગ્રેસના સદસ્ય ચૌધરી જીતેન્દ્રભાઈ હિમ્મતસિહે ઉમેદવારી નોંધાવી હતી. જેમા પ્રમુખપદ માટે એક જ ફોર્મ ભરાતા ચુંટણી અધિકારીએ પુદગામ સીટના ઉમેદવાર વણકર પુષ્પાબેન ચંદ્રેશકુમારને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જયારે ઉપપ્રમુખ પદના ઉમેદવારોમાં કડા સીટના ભાજપના ઉમેદવાર ચાવડા જનકબા જશવંતસિંહને ર૪ મતોમાંથી- ર૦ અને ગુંજા સીટના કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી જીતેન્દ્રભાઈ હિમ્મતસિંહને- ૩ મત મળતા ચુંટણી અધિકારીએ ચાવડા જનકબા જશવંતસિંહને ૧૭ મતે વિજેતા જાહેર કર્યા હતા. જયારે સ્ટેન્ડીંગ કમિટીના ચરેમેન પદે વિષ્ણુભાઈ પટેલ (વી.પી.દેણપ) અને પક્ષના નેતા તરીકે કમલેશભાઈ પટેલ (હસનપુર)ની વરણી કરવામા આવી છે. આ ચુંટણીમાં બાસણા સીટના ભાજપના સદસ્યા ચૌધરી નિતાબેન શંકરભાઈ ગમે તે કારણે ગેરહાજર રહ્યા હતા. જયારે કાંસા એન.એ. સીટના આમ આદમી પાર્ટીના સદસ્યા પટેલ એકતાબેન વિજયકુમારે ભાજપના ઉપપ્રમુખ પદના ઉમેદવારને ટેકો આપ્યો હતો. વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય ચાણક્ય નિતિથી તાલુકા પંચાયતમા બીજા અઢી વર્ષની ટર્મ માટે ભાજપનુ શાસન અકબંધ રહેતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ચુંટણીમાં વિજયી બનેલા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે કોંગ્રેસના કાર્યકરોએ ચુંટણીમાં પાર્ટીના વફાદાર રહેનાર ત્રણ સદસ્યોનુ અભિવાદન કરી કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરનાર પુદગામ સીટના મહિલા સદસ્યા પુષ્પાબેન વણકર, ગોઠવા સીટના સદસ્ય રણજીતસિંહ ઠાકોર અને દઢિયાળ સીટના સદસ્ય ભરતભાઈ ચૌધરી વિરૂધ્ધ રોષ ઠાલવી પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરી પક્ષપલટો કરનાર ત્રણેય સદસ્યોને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

  • કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર ત્રણ સભ્યો વિરૂધ્ધ પક્ષાંતર ધારાની કાર્યવાહી થશે-હસમુખભાઈ ચૌધરી

વિસનગર તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે પ્રમુખની અનુ.સુચિત જાતિ મહિલા સીટ જાહેર થતા જ રાજકીય ભુકંપ સર્જાયો હતો. ભાજપ પાસે ૧૭ સભ્યોની બહુમતી હતી. પરંતુ અનુ.જાતિના એક પણ મહિલા સભ્ય ન હતા. જ્યારે કોંગ્રેસના છ સભ્યમા એક અનુ.જાતિ મહિલા સભ્ય હતા. ત્યારે કેબિનેટ મંત્રીના ઈશારે અનુ.જાતિ મહિલા સભ્ય સહિત કોંગ્રેસના તાલુકા પંચાયતના ત્રણ સભ્યોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ગુંજા સીટના જીતુભાઈ હિમ્મતસિંહ ચૌધરીએ ભાજપના ઉપપ્રમુખના ઉમેદવાર સામે ફોર્મ ભર્યુ હતુ. ત્યારે વિસનગર તાલુકાના મગરોડા ગામના કોંગ્રેસ અગ્રણી તેમજ પી.સી.સી.ડેલીગેટ હસમુખભાઈ ચૌધરીએ કોંગ્રેસના ઉપ પ્રમુખના ઉમેદવારને મત આપવા કોંગ્રેસના છ સભ્યોને વ્હીપ આપ્યો હતો. ચુંટણી અધિકારીને પણ વ્હીપની કોપી આપી ચુંટણી પ્રક્રિયા દરમ્યાન વ્હીપનુ વાંચન કર્યુ હતુ. ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમા ગયેલા અનુ. જાતિના મહિલા સીટના પ્રમુખ પુષ્પાબેન વણકર સહિત ત્રણ સભ્યોએ કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી ભાજપના ઉપ પ્રમુખના ઉમેદવાર જનકબા જશવંતસિંહ ચાવડાને મત આપ્યો હતો. ત્રણ સભ્યોએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા પ્રતિક્રિયા રૂપે પી.સી.સી. ડેલીગેટ હસમુખભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ત્રણ સભ્યો રાજીનામુ આપ્યા વગર ભાજપમા જોડાયા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવો હોય તો બે તૃતિયાંસ બહુમતી એટલેકે ચાર સભ્યો જોઈએ. જ્યારે કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમા જોડાયા છે. જેમની સામે પક્ષાંતર ધારા મુજબ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવા કોંગ્રેસ દ્વારા સક્ષમ અધિકારી સમક્ષ કાર્યવાહી કરવામા આવશે. નિયત સમયમાં યોગ્ય પ્રત્યુત્તર નહી મળે તો હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.
હસમુખભાઈ ચૌધરીએ એ પણ જણાવ્યુ છે કે, જીલ્લા પંયાયતની સવાલા સીટ ઉપર મારા પત્ની રાજીબેન ચૌધરી કોંગ્રેસમાથી ચુંટાયા છે. જીલ્લા પંચાયત નીચે આવતી તાલુકા પંચાયતની ચાર સીટ પૈકી પુદગામની આ સીટ પણ આવે છે. જેના ઉપરથી પુષ્પાબેન વણકર કોંગ્રેસમાંથી ચુંટાયા હતા. અમારી મહેનત અને તાકાતથી ભાજપના પવન સામે પણ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચાર સીટો ઉપર પંજાના નિશાન ઉપર તમામ ઉમેદવાર ચુંટાઈ આવ્યા હતા. ત્યારે પુદગામ સીટના અનુ.જાતિના મહિલા સભ્યએ પ્રમુખના હોદ્દાની લાલચમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તાલુકા પંચાયત પ્રમુખને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.

  • કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ચાણક્યનિતિથી ભાજપે કબજો મેળવ્યો

વિસનગર તાલુકા પંચાયતમાં ૨૪ સદસ્યો પૈકી ૧૭ સદસ્યો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતી છે. નવા રોટેશનમાં આગામી અઢી વર્ષની ટર્મમાં પ્રમુખ પદ માટે અનુસુચિત જાતી મહિલા અનામત સીટ જાહેર થતા ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસના સદસ્યાને પ્રમુખપદ આપવાની સ્થિતી સર્જાઈ હતી. ત્યારે વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પોતાના મત વિસ્તારમાં ભાજપની આબરૂ ન જાય તે માટે પોતાના ૧૬ વર્ષના ધારાસભ્ય પદના અનુભવથી શામ, દામ, દંડ, ભેદની રાજકીય નિતિ અપનાવી મહેસાણા કમલમ્‌ કાર્યાલયમાં કોંગ્રેસના પ્રમુખપદના મહિલા ઉમેદવાર સહિત ત્રણ કોંગ્રેસી સદસ્યોને કેસરીયો પહેરાવી તાલુકા પંચાયતમાં ફરીથી ભાજપનો કબજો જમાવ્યો છે. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના આ ભુગર્ભ ઓપરેશનમાં શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલ સહિત ભાજપના વફાદાર સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોએ દિવસ-રાત દોડધામ કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us