Select Page

ખેરાલુ-ડભોડાનો બીસ્માર રોડ પદયાત્રીઓ માટે કઠીન બનશે

હાઈવેની કામગીરીથી અકસ્માત થવાનો ભય

  • ઉખડેલી કપચીથી ઉઘાડા પગે પદયાત્રાની બાધા રાખનાર માઈભક્તોના પગે છાલા પડશે

ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રીઓ માટે આ વર્ષે ખેરાલુથી ટીંબા સુધીનો રોડ કઠીન થઈ પડશે. દર વર્ષે રોડની મરમ્મત કરવામાં આવે છે. પરંતુ ભાદરવી પૂનમની બે માસ અગાઉથી તૈયારી કરતી સરકાર આ વર્ષે ઉંઘતી ઝડપાઈ છે. રોડ ઉપરની સરફેસની કપચી ઉખડી ગઈ છે. વળી હાઈવેની કામગીરી ચાલતી હોવાના કારણે પણ અકસ્માતનો ભય રહેલો છે. ભાદરવી પૂનમની તૈયારી કરતા પાલનપુર વહિવટી તંત્રને આ બાજુના વિસ્તારના રોડ જોવાની દરકાર નહી હોવાથી વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તથા ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ રોડ ઉપર તાત્કાલીક સફાઈ થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવી જરૂરી છે.
હિન્દુત્વની વાતો કરતી ભાજપ સરકાર ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓના ફક્ત દેખાવ કરે છે. પરંતુ માર્ગોમાં લાખ્ખો પદયાત્રીઓને પડતી મુશ્કેલી જોવાનો કોઈની પાસે સમય નથી. જ્યાંથી લાખ્ખો પદયાત્રીઓ પસાર થાય છે તે ખેરાલુથી ટીંબા સુધીના માર્ગ ઉપર મોટા ખાડા છે. વરસાદમાં રોડની ડામરની સરફેસ ધોવાઈ જતા મોટાભાગના રોડ ઉપર જીણી કપચી વિખરાયેલી છે. જીણી કપચી ચાલતા જતા પદયાત્રીઓને ચપ્પલમાં ઘુસી જાય તેટલી હદે અણીયારી હોય છે. એવા તો ઘણા પદયાત્રીઓ હોય છેકે જેમની માનતા પુરી થતા ઉઘાડા પગે ચાલતા અંબાજી જાય છે. અણીયારી કપચી ભરેલો આટલો લાંબો માર્ગ પદયાત્રીઓ માટે કઠીન બની જાય તેમ છે. રોડ ઉપર પથરાયેલી કપચીના કારણે ઉઘાડા પગે ચાલતા જતા પદયાત્રીઓના પગે છાલા પડશે અને પગ લોહી લુહાણ કરશે. દંડવત કરીને પણ કેટલાક માઈભક્તો અંબાજી જાય છે. ત્યારે નવાઈની વાત છેકે ભાદરવી પૂનમના મેળાની તૈયારી કરતી હોવાની વાતો કરનાર ભાજપ સરકારના તંત્રને હજુ સુધી બીસ્માર થયેલો રોડ જોવામાં આવ્યો નથી. આ ઉપરાંત્ત રોડ ઉપર અત્યારે હાઈવેનુ કામ ચાલી રહ્યુ છે. મોટા વાહનોની પણ અવર જવર છે. જેના કારણે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બને તેવી પુરેપુરી શક્યતા છે. વિસનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલે જણાવ્યુ છેકે, ભાદરવી પૂનમ પહેલા દર વર્ષે ડામર રોડ રીપેરીંગ થતા હતા. પરંતુ આ વર્ષે ગમે તે કારણોસર રોડ રીપેરીંગ કરવામાં આવ્યો નથી. કપચી એટલી બધી ઉખડેલી છેકે તાત્કાલીક સફાઈ કરવામાં નહી આવે તો પદયાત્રીઓને ચાલતા જવામાં મુશ્કેલી પડશે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તેમજ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ અંબાજી જતા પદયાત્રીઓના હિતનો વિચાર કરીને તાત્કાલીક રોડ રીપેરીંગ કરાવે અથવા રોડની સફાઈ કરાવે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us