આવો સૌ સાથે મળી બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવ ઉજવીએ
સંસ્થાનુ પોતાનુ મકાન બનાવવાનો તથા બ્લડની જરૂરીયાતવાળા દર્દીઓને સેવા આપવાનો પ્રકલ્પ
તંત્રી સ્થાનેથી…
માનવ શરીરમાં લોહી એક એવી વસ્તુ છેકે જેનુ કૃત્રિમ ઉત્પાદન થતુ નથી. રક્તનુ મુલ્ય સમજનાર રક્તદાતાઓ થકીજ રક્ત મેળવી શકાય છે અને દાનમાં મળેલ રક્તથી જ કોઈનો જીવ બચાવી શકાય છે. રક્તનુ આટલુ મહત્વ સમજનાર આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલ, કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ પટેલ કીર્તિભાઈ કલાનિકેતન તથા તેમની સમગ્ર ટીમ દ્વારા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. ચાર દિવસના આ આયોજનમાં ધંધા વ્યવસાયમાં સતત વ્યસ્ત એવા વિવિધ વેપારી મંડળના વેપારીઓ પણ તન, મન, ધનથી સહયોગ આપી રહ્યા છે. આયોજનમાં મદદ કરનાર તથા ચાર દિવસ ખડે પગે સેવા આપનાર વેપારીઓ રૂા.૨૫૦ નુ દાન આપી પરિવારના સભ્યોના પણ પાસ મેળવી ફ્રી પાસની અપેક્ષા વગર ફક્ત ને ફક્ત બ્લડ બેંકને મદદ કરવાની ભાવનાથી કામ કરી રહ્યા છે. શહેરના ઉદ્યોગપતિઓ, બીલ્ડરો, વેપારીઓ, ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારી વર્ગ વિગેરે ખુલ્લા મને નવરાત્રી મહોત્સવમાં ઉદાર હાથે દાન આપી બ્લડ બેંકના વધુ વિકાસ માટે નવરાત્રી મહોત્સવમાં સહયોગી બની રહ્યા છે. કોઈ એક સંસ્થાના હિતમાં નહી પરંતુ સમગ્ર સમાજના હિતમાં આપેલુ દાન ઉપયોગમાં આવવાનુ હોવાથી લોકો રૂા.૨૫૦ ના ગુણાંકમાં દાનની રકમ આપી મોટી સંખ્યામાં પાસ લઈ બ્લડ બેંકના વિકાસમાં સહયોગી બની રહ્યા છે. નાત-જાત, વિસ્તાર કે શહેરના ભેદભાવ વગર પગથારે આવનાર કોઈ પણને બ્લડ આપવામાં આવે છે. રાજુભાઈ પટેલ, કીર્તિભાઈ કલાનિકેતન, કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્ર મંડળ વિગેરે સહયોગી સંસ્થાઓ પોતાના નામ માટે નહી પરંતુ સમાજના લોકોના કામ માટે આ મહોત્સવના આયોજનમાં તનતોડ મહેનત કરી રહ્યા છે. અત્યારે બ્લડ બેંક કાર્યરત છે, તો શુ કરવા ફંડ એકઠુ કરવામાં આવી રહ્યુ છે તેવો કદાચ પ્રશ્ન થતો હશે. આ આયોજન પાછળ આયોજકોનો જે ઉમદા હેતુ છે તે સમજવા જેવો છે. બ્લડ બેંકમાં અત્યારે એકજ બેચની મશીનરી છે. જેમાંથી કોઈ મશીન બંધ પડે કે બગડી જાય તો આખી બેચનુ કામ અટકી જાય છે. રક્તની પ્રોશેસ બંધ થતા જરૂરીયાતમંદ દર્દીઓને રક્તની ડીલેવરી અટકે નહી તે માટે બીજી બેચ માટે ફંડ એકઠુ કરવા આ કોપરસીટી નવરાત્રી મહોત્સવનુ અભિયાન ઉપાડવામાં આવ્યુ છે. બીજી બેચની મશીનરીનો ખર્ચ રૂા.૭૫ લાખ જેટલો થાય તેમ છે. આ ઉપરાંત્ત સંસ્થાનુ ત્રણ માળનુ મકાન, તેમાં એક ક્લિનિક, મીની હોસ્પિટલ બનાવવાનુ પણ ભાવિ આયોજન છે. નિયમિત બ્લડની જરૂર પડતી હોય છે તેવા થેલેસેમીયા, કિડની ડાયાલીસીસ, આંતરડાની તકલીફ ધરાવતા દર્દીઓની સાથે તેમના પરિવારને પણ હેરાન થવુ પડે છે. આવા દર્દીઓને વાન દ્વારા ઘરેથી લઈ આવવા, બ્લડ બેંકમાં રક્ત ચડાવીને પરત મુકી આવવા સુધીની સુવિધા આપવાનો બ્લડ બેંકના સંચાલકોનો ઉમદા વિચાર છે. દર્દીઓના હિતને લક્ષમાં રાખી અને સમગ્ર ગુજરાતમાં ક્યાય પણ સુવિધા મળતી ન હોય તેવી સુવિધા આપવાનો આશય ધરાવતા બ્લડ બેંકના સંચાલકોને નવરાત્રી મહોત્સવમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ સુધીની સ્થિતિએ બ્લડ બેંકમાંથી રોજની ત્રણ થી પાંચ બોટલોની જાવક હતી. રાજુભાઈ પટેલ અને તેમના ગૃપે તા.૧૧-૧-૨૦૨૦ ના રોજ બ્લડ બેંકનુ સંચાલન સંભાળ્યુ. ત્યારબાદ દાતાઓના સહકારથી રૂા.૧.૨૦ કરોડનુ દાન મેળવી બ્લડ બેંકના વિકાસ સાથે કમ્પોનેન્ટ સેન્ટર માટે રૂા.૯૦ લાખનો ખર્ચ કર્યો. તા.૨૧-૧૨-૨૦૨૧ ના રોજ કમ્પોનેન્ટ સેન્ટર શરૂ કર્યુ. હાલ એવી પરિસ્થિતિ છેકે સરેરાશ રોજની ૧૫ થી ૨૦ રક્ત બોટલની જાવક છે. રક્તદાતા પાસેથી રક્ત મેળવ્યા બાદ રૂા.૧૫૦૦ થી ૧૬૦૦ પ્રોશેસ ખર્ચ થાય છે. જેની સામે વિસનગર બ્લડ બેંકમાં રૂા.૯૦૦ ચાર્જ લેવામાં આવે છે. પ્લાઝમા અને પ્લેટલેટમાં રૂા.૪૦૦ ચાર્જ લેવામાં આવે છે. જ્યારે અન્ય શહેરમાં રક્ત બોટલનો રૂા.૧૧૦૦ થી ૧૨૦૦ ચાર્જ લેવાય છે. વિસનગર બ્લડ બેંકના સંચાલકોનો એકજ ધ્યેય છેકે દાતાઓના સહકારથી બને ત્યા સુધી ઓછા ચાર્જમાં સેવા આપવી. બ્લડ બેંકની આ સેવાઓ અને ભાવિ આયોજન જાણી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ટોરેન્ટ પાવર લી.ના સી.એસ.આર. ફંડમાંથી રક્તવાહિની માટે રૂા.૬૭ લાખનુ ફંડ વિસનગર વોલન્ટરી બ્લડ બેંકમાં ફાળવવામાં આવ્યુ છે. બ્લડ બેંકની સેવાનો વ્યાપ ફક્ત વિસનગર પુરતો સીમીત ન રહે પરંતુ તમામ વિસ્તારના લોકોને મળે તેવા ભગીરથ પ્રયાસો છે. બ્લડ બેંક દ્વારા વિસનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત્ત, વડનગર સિવિલ હોસ્પિટલ, વિજાપુર સિવિલ હોસ્પિટલ, જ્યોતિ હોસ્પિટલ વિસનગર, વસંતપ્રભા હોસ્પિટલ વડનગર, દુર્વા કિડની હોસ્પિટલ વિજાપુર સાથે બ્લડની સેવા આપવા એમ.ઓ.યુ. કરાયા છે. આ ઉપરાંત્ત વડનગર, વિજાપુર, ઉંઝા, ખેરાલુ, સતલાસણા, માણસા, કુકરવાડા, ગોઝારીયા, ઈતર, દાંતા, અંબાજી સુધીના દર્દીઓ માટે બ્લડ સપ્લાય કરવામાં આવે છે. આ વિસ્તારના દાતાઓએ પણ પોતાના વિસ્તારના લોકોને મળતી સેવાઓને લક્ષમાં રાખી વિસનગરની બ્લડ બેંકમાં દાન આપવા વિચારવુ જોઈએ. ખરી જરૂરીયાતના સમયે સમાજના દર્દીઓને મદદરૂપ બનવાની ભાવના સાથે અને સંસ્થાના વિકાસ માટે નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે “આવો સૌ સાથે મળી બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવ ઉજવીએ.”