Select Page

રૂા.૬૦ હજાર પ્રિમિયમ લઈ ૧૭ વર્ષથી દુકાનો ફળવાતી નથી

રૂા.૬૦ હજાર પ્રિમિયમ લઈ ૧૭ વર્ષથી દુકાનો ફળવાતી નથી

ગ્રાહક સુરક્ષા મંડળે વિસનગર પાલિકાને નોટીસ ફટકારી

  • વર્ષ ૨૦૦૫મા આગોતરી જાણ કર્યા વગર વહીવટદાર રાજમાં દુકાનો તોડી નાખી હતી
  • ગેરકાયદેસર બાંધવામાં આવતી દુકાનો અને કેબીનો સામે કોઈ જોવાવાળુ નથી, જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે ઓર્ડર કર્યો હોવા છતા દુકાનો ફળવાતી નથી

વિસનગર સીટી પોલીસ સ્ટેશન આગળ પાલિકાની જગ્યામાં કાયદેસરના મંજુર કરેલા કેબીનો હતા. વેપારીઓને આગોતરી કોઈપણ જાણ કર્યા વગર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત કાચા કેબિનો ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવ્યુ હતુ. પાછળથી ભુલ સમજાતા એક વર્ષ બાદ પાકી દુકાનો બનાવી આપવા પાલિકાએ દુકાન દીઠ રૂા.૬૦ હજાર પ્રિમિયમ લીધુ હતુ. ૧૭ વર્ષ બાદ પણ પાલિકા તંત્ર નહી ગણકારતા એક કેબિન ધારકે ગ્રાહક સુરક્ષામા રજુઆત કરતા પાલિકાને નોટીસ આપવામાં આવી છે. કેબિનવાળી જગ્યા ફાળવવા શહેર વિકાસ વિભાગ દ્વારા જાણ કરવા છતાં પાલિકામા આ નાના વેપારીઓનુ કોઈ સાંભળવા તૈયાર નથી.
વિસનગર સ્ટેશન રોડ ઉપર સિવિલ હોસ્પિટલના મેઈન ગેટની સામે જ્યા સીટી ડી.વાય.એસ.પી. બંગલો અને ઓફીસ હતી. જેની આગળ પાલિકાની જગ્યામાં મંજુરી સાથેના આઠ કેબીન હતા. જેનો વેરો લેવાતો હતો અને વેપારીઓ ગુમાસ્તાધારાનું લાયસંસ પણ ધરાવતા હતા. વર્ષોથી વેપારીઓ આ કેબિનમાં વેપાર કરી ગુજરાન ચલાવતા હતા. ત્યારે દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આગોતરી કોઈ પણ જાતની જાણ કર્યા વગર તા. ૧૩-૦૫-૨૦૦૫ના રોજ પાલિકાએ કાચા કેબિનો ઉપર બુલડોઝર ફેરવી નાના વેપારીઓની રોજગારી છીનવી હતી.
વિસનગર પાલિકાના આવા અમાનુષી અત્યાચાર સામે વેપારીઓ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમા રજુઆત કરી હતી. માનવ અધિકાર આયોગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને નિયમાનુસાર ઘટતી કાર્યવાહી કરવા સુચન કર્યુ હતુ. વિસનગર પાલિકામા તા.૨૦-૧-૨૦૦૫ થી તા.૭-૧૧-૨૦૦૫ સુધીના વહિવટદાર સાશનમાં કેબિનોનુ દબાણ હટાવવામાં કાચુ કપાયુ હોવાનુ જણાતા નવ માસ બાદ નવિન દુકાનો બનાવી આપવા માટે પાલિકા દ્વારા કેબિન દીઠ વેપારી પાસેથી રૂા.૬૦,૦૦૦ પ્રિમિયમ લેવામા આવ્યુ હતુ. પરંતુ વહિવટકર્તાઓની મેલી મુરાદના કારણે આ નાના વેપારીઓને દુકાન ફાળવવામાં આવી ન હોતી.
વર્ષ ૨૦૦૮મા માનવ અધિકાર આયોગમા થયેલી રજુઆત સંદર્ભે મહેસાણા જીલ્લા કલેક્ટર દ્વારા કરવામા આવેલી દરખાસ્ત સંદર્ભે તા.૧૧-૧૨-૨૦૦૮ના પત્રથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે વિસનગર સીટીના સીટ નં.૪૮ સી.સી. નં.૧૦૦૭,૧૦૦૮મા દક્ષિણે જમીનમાં પાકી દુકાનો બનાવી ભાડાપટ્ટે આપવા કેટલીક શરતોને આધિન પાલિકાને સંમતી આપી હતી. તેમ છતા પાલિકા દ્વારા હજુ સુધી દુકાનો ફાળવી આપવામાં આવી નથી.
વિસનગરમાં પોલીસ લાઈન આગળ આવેલ પાલિકા માર્કેટમાં પુસ્કર પીપરમેન્ટની દુકાન ધરાવતા સિન્ધી પરમાનંદ જામનદાસ તિલોકાનીના પણ બે કેબિન હતા. જેમણે બે કેબિનની જગ્યામાં પાકી દુકાન બનાવવા પાલિકામાં રૂા.૧,૨૦,૦૦૦ પ્રિમિયમ પેટે આપ્યા હતા. જેની બે પાકી પાવતી પણ છે. વર્ષ ૨૦૦૬મા પ્રિમિયમ ભર્યા બાદ આજ ૧૭ વર્ષે પણ આ વેપારીને દુકાન નહી ફળવાતા વેપારી દ્વારા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરવામાં આવી છે. નોંધપાત્ર બાબત છે કે, પાલિકાએ આ કેબિનોનુ દબાણ દુર કર્યા બાદ અનેક જગ્યાએ ગેરકાયદેસર કેબિનો અને દુકાનો બની. પરંતુ કલેક્ટરની દરખાસ્ત બાદ શહેરી વિકાસ દ્વારા મંજુરી આપવા છતાં પાલિકાએ આ નાના વેપારીઓને દુકાન ફાળવી નથી. વેપારીની અરજી આધારે રૂ.૧,૨૦,૦૦૦/- પ્રિમિયમ ભર્યુ ત્યારથી વાર્ષિક ૧૮ ટકા વ્યાજ ચુકવવા તથા દુકાન પઝેશન આપવા ગ્રાહક સુરક્ષા મંડળે પાલિકાને નોટીસ આપી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us