Select Page

નાયબ કાર્યપાલક ઈજનેર ઉપરી અધિકારીને પણ ગણકારતા નથી

નાયબ કાર્યપાલક ઈજનેર ઉપરી અધિકારીને પણ ગણકારતા નથી

આવી તો કેટલીયે આર.ટી.આઈ. થાય અમે ગણકારતા નથી

માર્ગ અને મકાન પેટા વિભાગ વિસનગરના નાયબ કાર્યપાલક ઈજનેરની વિવાદાસ્પદ કામગીરી ખુબજ ચર્ચામાં આવી છે. પરંતુ રાજકીય છત્રછાયાના કારણે નાયબ કાર્યપાલક ઈજનેર તાલુકાની જનતાને તો શુ પરંતુ ઉપરી અધિકારીઓને પણ ગાંઠતા નહી હોવાનુ આર.ટી.આઈ.ના એક હુકમ ઉપરથી જોવા મળે છે. કડા રોડ ઉપરના વહેળા ઉપર થયેલા દબાણોને લગતી એક આર.ટી.આઈ.માં નાયબ કાર્યપાલક ઈજનેરનો અરજદારને એવો જવાબ આપવામાં આવે છેકે, આવી તો કેટલીય આર.ટી.આઈ. થાય અમે ગણકારતા નથી. મનમાની કરનાર આવા અધિકારીને તંત્ર કેમ સબક શીખવતુ નથી તેવી ચર્ચાઓ થઈ રહી છે.
માર્ગ અને મકાન પેટા વિભાગ વિસનગર ઓફીસના આંખ મીચામણાના કારણે કડા રોડ ઉપર વરસાદી પાણીના વહેળામાં વગર મંજુરીએ રસ્તાના દબાણો થયા છે. જેની પાછળનુ કારણ બીલ્ડરો પાસેથી મોટી લેતી દેતી થઈ હોવાનુ જણાય છે. નીતિ નિયમો પ્રમાણે પાઈપલાઈનો નાખવામાં નહી આવી હોવાથી ભારે વરસાદમાં પાણી ગાળી શકે તેમ નહી હોવાથી એક અરજદાર દ્વારા આર.ટી.આઈ. કરવામાં આવી છે. માર્ગ મકાન પેટા વિભાગ વિસનગર ઓફીસના જવાબદારી અધિકારી દ્વારા આર.ટી.આઈ.નો યોગ્ય પ્રત્યુત્તર નહી મળતા મહેસાણા કાર્યપાલક ઈજનેરની ઓફીસમાં અરજદાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેમાં એપ્રિલ ૨૦૨૩ માં મહેસાણા ઓફીસ દ્વારા વિસનગર નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર લખવામાં આવ્યો છેકે, એપ્રોચ રસ્તાની દરખાસ્ત વિસનગર ઓફીસથી તૈયાર થઈને ફક્ત મંજુરી અર્થે મહેસાણા કચેરીએ આવતી હોય છે. આખરી પરવાનગીનો પત્ર વિસનગર કચેરીથી આપવામાં આવે છે તેમ છતા આર.ટી.આઈ.ની માહિતી મહેસાણા કચેરીએથી આપવાની થાય છે તેવો બીલકુલ બીનજવાબદાર જવાબ આપવામાં આવ્યો છે. અપીલકર્તાની શરતભંગની ફરિયાદ ધ્યાને લઈ સ્થળ મુલાકાત લઈ એપ્રોચ રસ્તાઓ ડિઝાઈન મુજબના છે, વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી સ્ટ્રક્ચર કે નાળુ બનાવેલ છેકે કેમ, રસ્તાની પરવાનગી ફક્ત અવરજવર પુરતી મર્યાદિત છેકે કેમ, એપ્રોચ રસ્તાની પહોળાઈ અવરજવર માટે મર્યાદિત હોય તેટલી પહોળાઈના છેકે કેમ, રસ્તાની સંપાદિત જગ્યામાં કોઈ દબાણ છેકે કેમ તેની સ્થળ ઉપર જઈ ખરાઈ કરવી, શરતભંગ જેવુ લાગે તો આપેલ પરવાનગી આપોઆપ રદ થવા પાત્ર છે. રસ્તાની સમગ્ર લંબાઈમાં આવા અન્ય કોઈ બાંધકામ થયા છેકે કેમ તેની ખરાઈ કરી દિન-૪ માં વિગતવાર અહેવાલ મોકલવો. શરતભંગ જેવી પરિસ્થિતિ હોય તો મહેસાણા કચેરીના ઓર્ડરની અપેક્ષા રાખ્યા વગર લાગતા વળગતાને નિયમોનુસાર નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવી. મહેસાણા કચેરી દ્વારા આ પત્ર તા.૨૬-૪-૨૦૨૩ ના રોજ વિસનગર નાયબ કાર્યપાલક ઈજનેરને લખવામાં આવ્યો છે. પરંતુ નાયબ કાર્યપાલક ઈજનેર તો ઉપરી અધિકારીઓને પણ ઘોળીને પી ગયા છે. હજુ સુધી કોઈ તપાસ કરી નથી કે કોઈ જવાબ આપ્યો નથી. આ ઉપરાંત્ત આર.ટી.આઈ.ની સમય મર્યાદામાં પ્રત્યુત્તર આપવા માટે મહેસાણા ઓફીસ દ્વારા તા.૧૮-૮-૨૩ ના પત્રથી તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં વિસનગરમાં ભાજપના શાસનમાં રાજકીય છત્રછાયા ધરાવતા આ વિવાદાસ્પદ નાયબ કાર્યપાલક ઈજનેરના પેટનુ પાણી હાલતુ નથી.
આ નાયબ કાર્યપાલક ઈજનેર આર.ટી.આઈ.ના કાયદાને ઘોળીને પી ગયા છે. અરજદાર જ્યારે આર.ટી.આઈ.ની શું કાર્યવાહી થઈ તે માટે વિસનગર ઓફીસે રૂબરૂ ગયા ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેરે જવાબ આપ્યો હતો કે, આવી તો કેટલીય આર.ટી.આઈ. થાય અમે ગણકારતા નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us