Select Page

વિસનગર તાલુકા પંચાયત માત્ર રૂા.૫૦૦૦ નહી ભરતા વિજ કનેક્શન કપાયુ

કાંસા એન.એ.માં કાર્યરત IRD-ICDS શાખાનો વહીવટ ખોરવાયો

  • તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ અધિકારી રામજીભાઈ સુથારે ભાજપના હોદ્દેદારોને કહ્યુ વીજ બીલના નાણાં ભરવાની જવાબદારી ટી.ડી.ઓ.ની છે

વિસનગરમાં ભાજપ શાસીત તાલુકા પંચાયતની આઈ.આર.ડી. અને આઈ.સી.ડી.એસ.શાખા છેલ્લા બે વર્ષથી કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ કે.પી. પટેલ કોમ્યુનિટિ હોલમાં ભાડેથી કાર્યરત છે. જેમાં તાલુકા પંચાયતના અણઘડ વહીવટના કારણે ત્રણ માસ થવા છતાં કુલ વપરાશના ૩૦ ટકા લેખે વીજ બીલના આશરે રૂા.૫૦૦૦ નહી ચુકવતા મંગળવારના રોજ વીજ કંપનીએ કોમ્યુનીટી હોલનું વિજ કનેક્શન કાપ્યુ હતુ. ભાજપના શાસનમાં તાલુકા પંચાયતની શાખાનું માત્ર રૂા.૫૦૦૦માં વીજ કનેક્શન કપાય તે શરમજનક કહેવાય.
ભાજપ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ અદ્યતન બનાવી છે અને આજે પણ સરકારી કચેરીઓના અદ્યતન નવિન બિલ્ડીંગનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. પરંતુ ભાજપના શાસનમાં ગ્રાન્ટના અભાવે કોઈ સરકારી કચેરીનુ વિજ કનેક્શન કપાયુ હોય તેવુ ભાગ્યેજ જાણવા મળશે. વિસનગર તાલુકા પંચાયતના ત્રણ માળના અદ્યતન બિલ્ડીંગનુ નિર્માણકાર્ય ચાલતુ હોવાથી તાલુકા પંચાયતની આઈ.આર.ડી અને આઈ.સી.ડી.એસ.શાખા કાંસા રોડ ઉપર આવેલ કે.પી.પટેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી ભાડેથી કાર્યરત છે. જેમાં સરકારી ગ્રાન્ટમાંથી વીજ બીલના ૩૦ ટકા લેખે સંસ્થાને વીજ બિલનું ચુકવણુ કરવામાં આવતુ હતુ. પરંતુ આઈ.આર.ડી.શાખામાં કન્ટીજન્સીની કોઈ ગ્રાન્ટ નહી આવતા છેલ્લા બે મહિનાથી તેઓ વીજ બીલના ૩૦ ટકા લેખે આશરે રૂા.૫૦૦૦ વીજ બીલનો ચેક સંસ્થાને આપી શક્યા ન હતા. ત્યારે સંસ્થાએ વિજ બિલના નાણાં માટે વારંવાર નાયબ ટી.ડી.ઓ.ને ઉઘરાણી કરી હતી. જે બાબતે નાયબ ટી.ડી.ઓ. રોહિતભાઈ રાવલે ટી.ડી.ઓ. સુચીબેન પટેલ અને નાયબ હિસાબનીશ રામજીભાઈ સુથારને જાણ કરી વિજબીલના નાણાંનો કોઈ ઉકેલ લાવવા રજુઆત કરી હતી. પરંતુ ટી.ડી.ઓ. અને નાયબ હિસાબનીશ અધિકારીએ આઈ.આર.ડી. અને આઈ.સી.ડી.એસ.શાખાનુ માત્ર રૂા.૫૦૦૦ નુ બીલ કેવીરીતે ભરવુ તેનું કોકડુ ઉકેલી શક્યા ન હતા. તાલુકા પંચાયત કચેરીએ વીજ બીલના નાણાં નહી ચુકવતા કોમ્યુનીટી હોલના સંચાલકે બે મહિનાનુ આખુ બીલ ભર્યુ ન હોતુ. અને ત્રીજા મહિના સાથે ટોટલ રૂા.૧૭,૧૫૧ વીજ બીલ થતા વીજ કંપનીએ છેવટે મંગળવારના રોજ સવારે સંસ્થાનું વીજ કનેક્શન કાપતા તાલુકા પંચાયત તંત્ર સફાળુ જાગ્યુ હતુ. ગુજરાત સરકારના બીજા નંબરના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારની તાલુકા પંચાયત કચેરીનુ માત્ર રૂા.૫૦૦૦ ગ્રાન્ટના અભાવે વિજ કનેક્શન કપાતા ભાજપના હોદ્દેદારો પણ દોડતા થયા હતા. ભાજપના એક હોદ્દેદારે વીજ બીલ બાબતે નાયબ હિસાબનીશ અધિકારી રામજીભાઈ સુથારને પુછતા તેમને વીજબીલના નાણાં ભરવાની જવાબદારી ટી.ડી.ઓ.ની હોવાનુ કહી પોતાની જવાબદારીમાંથી છટક્યા હતા. ત્યારે વિસનગર તાલુકા પંચાયતના ઇતિહાસમાં માત્ર રૂા.૫૦૦૦ના અભાવે ભાજપ શાસિત તાલુકા પંચાયત કચેરીનું વિજ કનેક્શન કપાયુ તે શરમજનક બાબત કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us