તાલુકા સદસ્યોની ગ્રાન્ટોમાંથી થતા વિકાસકામોમાં તપાસ કમિટી નિમાતા વિસનગર તાલુકા પંચાયતના સદસ્યોનો આક્રોશ-શું અમે ચોર છીએ
રાજકારણમાં વિપક્ષના લોકો સત્તાધારીપક્ષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે તે સ્વાભાવિક છે. પરંતુ વિસનગર ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં અવળી ગંગા વહે છે. અહી વિપક્ષના સદસ્યો નહી પણ ભાજપના કેટલાક સદસ્યો ઉપર વિકાસ કામોમા ગેરરીતીની શંકા ઉભી થતા ભાજપના પાંચ સભ્યોની તપાસ કમિટીની રચના કરવામા આવી છે. તાલુકા પંચાયતના ર૪ સદસ્યોમાં પ્રમુખ સહીત ત્રણ સદસ્યોનો તપાસ કમિટીંમા સમાવેશ કરતા ભાજપના અન્ય સદસ્યોમા ભારે આક્રોશ ઉભો થયો છે. તાલુકા પંચાયતના સદસ્યોમા એવી ચર્ચા હતી કે પંચશીલ કોલેજમા નવરા બેસી રહેતા વ્યક્તિ દ્વારા તાલુકાના વિકાસ કામોની ઘોર ખોદવામા આવી રહી છે.
વિસનગર તાલુકા પંચાયતમા સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ શાસન છે. ભાજપના શાસનમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે વિકાસ કામો થયા છે. જેમા કેટલાક વિકાસ કામોમા ગેરરીતીના આક્ષેપો થયા હતા. આ સમયે સરળ સ્વભાવના બિન ભ્રષ્ટાચારી પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ દરેક સદસ્યો સાથે રાખી જે તે વિવાદનો ઉકેલ લાવતા હતા. જો કે તાલુકાના ભાજપના એક સદસ્યની કાન ભંભેરણીના કારણે તાલુકાના વિકાસ કામો અટકયા હતા. વિકાસ કામોમા ગેર રીતીની શંકા ઉભી થતા થોડા દિવસ પહેલા તાલુકાના સદસ્યોએ સુચવેલા વિકાસ કામોમા ગેરરીતી ન થાય તે માટે વિકાસ કામોની તપાસ કમિટીની રચના કરવામા આવી છે. જેમા તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ (વી.પી), તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી તથા તાલુકા સદસ્ય બિપીનભાઈ પટેલની નિમણુંક કરાઈ છે. જો કે આ વિકાસ કામોની તપાસ કમિટી કોના ઈશારે બનાવવામા આવી અને કમિટીમા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ સહિત ત્રણ સદસ્યોને કેમ મૂકાયા તે બાબતે તાલુકામા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બુધવારના રોજ વિસનગર તાલુકા પંચાયતમા જનરલ સામાન્ય સભા મળી હતી. આ સભા પૂર્ણ થયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલની હાજરીમાં ભાજપના તાલુકા સદસ્યો ગામડામાં થનાર વિકાસ કામોની ચર્ચા કરતા હતા. આ દરમિયાન વિકાસ કામોની તપાસ કમિટીની નિમણૂંકનો મુદ્દો ઉછળ્યો હતો. જેમા સદસ્યોએ પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે દરેક સદસ્યો ચુંટણી જીતવા માટે પોતાના મત વિસ્તારના ગ્રામજનોની માંગણી પ્રમાણે વિકાસ કામો કરવાનુ વચન આપે છે. ચુંટણી જીત્યા પછી તમામ સદસ્યો પોતાની ર૦ ટકા ગ્રાન્ટમાંથી પોતાના મત વિસ્તારના ગામોમા વિકાસ કામો કરવાની પ્રક્રિયા કરે છે ત્યારે પંચશીલ કોલેજમાં નવરા બેસી રહેતા વ્યક્તિઓના ઈશારે સદસ્યોએ સુચવેલા વિકાસકામોમા ગેરરીતીની શંકા રાખી તેમા ફેરફાર કરવામા આવે છે. શું કમિટી સિવાયના બીજા સદસ્યો ચોર છે? ચુંટણી જીતીને પણ અમારા (સદસ્યો) સુચવેલા કામો ન થાય તો આવા હોદ્દોનો કોઈ અર્થ ખરો ? પંચશીલ કોલેજમાંથી જ તાલુકા પંચાયતનો વહીવટ થતો હોય તો તાલુકા સદસ્યોનુ શુ કામ છે ? ભાજપના સદસ્યોનો સામૂહિક આક્રોશ જોઈ તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ કોઈ જવાબ આપી શક્યા નહોતા. જો કે ભાજપના તાલુકા સદસ્યોનો આક્રોશ આવનારી લોકસભાની ચુંટણીમા તાલુકાના ગામોમા ભાજપને નુકશાન કરી શકે છે. ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ચિંતન કરવાની જરૂર છે.