ખેરાલુના નડતર રૂપ પ્રશ્નો હલ કરવા માગણી
વહેપારી મહામંડળના સ્નેહમિલન સમારોહમાં
- નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહમા ફરીયાદોની વણઝાર
ખેરાલુ વહેપારી મહામંડળના નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ ર૬-૧૦-ર૦રપને રવિવારે લાભ પાંચમ ના દિવસે સવજી દેસાઈની વાડી ખાતે યોજાયો હતો. દર વર્ષની જેમ ચાલુ વર્ષે નવા વર્ષની પુર્વ સંધ્યાએ ઉષ્મા ભર્યા વાતાવરણમા સમસ્ત વેપારીઓ મોટી સંખ્યામા હાજર રહી નવા વર્ષના સાલ મુબારક કર્યા હતા.
ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ જણાવેલ કે ગત વર્ષે આપણે શુ ગુમાવ્યુુ શુ મેળવ્યુ તેનો સરવાળો બાદબાકી કરી, તેમાંથી ભુલો સુધારીને નવા વર્ષમા કેમ કરીને પ્રગતિ કરી શકાય ધંધાના વિકાસ માટે શુ કરી શકાય તે બાબતે ચર્ચા કરી હતી. ખાસ કરીને જે ગ્રાહકો ઓનલાઈન માલ મંગાવી રહ્યા છે. તેનાથી બજારો અને ગામડાઓ તુટી જશે. જેના કારણે ભવિષ્યમા શહેરો તરફ પ્રયાણ કરવુ પડશે. માલ મિલ્કતોની બજાર કિંમતો પણ તુટી જશે. ભવિષ્યમા આપણી માલ મિલ્કતો કોઈ લેવા વાળુ નહી હોય. હજુ પણ સારો સમય છે. વિચારો મોટી મોટી કંપનીઓના માણસો દરરોજ થેલા ભરી હોમ ડીલેવરી કરે છે. એક તરફ એક વેપારી પોતાની દુકાન સવારે ખોલીને ભગવાનને અગરબત્તી કરતા પ્રાર્થના કરે છે કે મારો દિવસ સારો જાય, વેપાર ધંધો સારો થાય ત્યારે બીજી તરફ એજ વેપારીના દિકરા દિકરીઓ ઓનલાઈન માલ મંગાવે છે તે કેટલી કરૂણતા છે. સૌએ આ બાબતે શીખ લઈને આવનારા દિવસોમા લોકલ દુકાનમાંથી માલ ખરીદી સ્થાનિક બજારમા લાભ મળે તેવુ વિચારવુ જોઈએ. બજારમા વેપારીઓ દ્વારા પોતાની દુકાન આગળ વધુ પડતો માલ બહાર રોડ ઉપર કાઢે છે. પોતાના બાઈકો દુકાન આગળ મુકવા દુકાન આગળ પાથરણા વાળા ને બેસવા દેવા, આવા કારણોથી બજાર સંકડાય છે. ગ્રાહક આપણી દુકાને બાઈક લઈને આવે ત્યારે બાઈક ક્યાં મુકે ? બજારની સંકડાશ દુર થાય તો ગ્રાહકો બજારમાંથી શાંતિથી ખરીદી કરી શકશે જેથી ધંધો પણ વધશે.
આ કાર્યક્રમમા પ્રેમજીભાઈ દેસાઈ, મહેશભાઈ બારોટ, નવિનભાઈ મોદી, કિશોરભાઈ સિંધી એ પોતાના વિચારો મુક્યા હતા. વેપારીઓ તરફથી સુચનો આવ્યા હતા. જેમા ફરીયાદોની વણઝાર હતી. જેમા મુખ્યત્વે ખેરાલુ શહેરના લોકોને ધરોઈનુ પાણી મળતુ નથી. શહેરના રોડ રસ્તા સારા નથી. નગરમા સફાઈ બાબતે અંધેર ચાલે છે. ખેરાલુ હાઈવે ઉપરના શોપીંગ સેન્ટરો માટે ગટર લાઈન, પીવાના પાણીની સુવિધા નથી. હાઈવેના શોપીંગોમા સફાઈ નિયમિત થતી નથી જેવી રજૂઆતો પાલિકામા કરવા સામુહિક જવુ. બીજા દિવસે પાલિકામા જઈ આ મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી. પરંતુ જેમા પાલિકા પ્રમુખ અને ચિફ ઓફીસર ગેરહાજર રહેતા વેપારીઓ નિરાશ થયા હતા. છતા ધરોઈનુ પાણી કેમ મળતુ નથી સવારથી રાત સુધી પાણી વિતરણના વારંવાર ધાંધીયા અટકાવવા વધુ બે હંગામી કર્મચારીઓને જવાબદારી આપી પાણી નિયમિત મળે તેમ વ્યવસ્થા કરવી તેવી રજૂઆત કરતા જેેનો હકારાત્મક જવાબ મળ્યો હતો. નગરના રોડ રસ્તા નવા બનાવવા દરખાસ્તો થઈ ગઈ છે. સફાઈ બાબતની ચર્ચા ઉગ્ર બની હતી. જે સફાઈ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જાય છે તેને નોટીસો કેમ અપાતી નથી ? નોટીસો આપી ઈજાફો બંધ કરવા ચર્ચા કરાઈ રજૂઆત સાંભળવા ઉપપ્રમુખ હાજર રહ્યા હતા.