Select Page

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ધન્વંતરિ રથનુ લોકાર્પણ

ધુળેટીની રજા હોવા છતા ઉત્સાહી સ્ટાફ હાજર થઈ ગયો

સ્લમ વિસ્તાર તેમજ શ્રમિકોના કાર્યસ્થળે સરકાર દ્વારા તબીબી સેવાઓ પુરી પાડવા ધન્વંતરિ રથ (વાન) તૈયાર કરવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લામાં વિસનગર અને કડી તાલુકામાં આ બન્ને રથને સેવારત કરવા કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સિવિલ હોસ્પિટલમાં અચાનક કાર્યક્રમ ગોઠવવામાં આવતા ધુળેટીની રજાના દિવસે પણ તમામ સ્ટાફ હાજર થઈ ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિગમ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ સમાજના છેવાડાના નાનામાં નાના માનવી સુધી તબીબી સેવાઓ પહોચતી કરવા સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગ તેમજ ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે વિસનગર અને કડીમાં બે ધન્વંતરિ રથ કાર્યરત કરવામાં આવ્યા છે. જે બન્ને રથનુ તા.૮-૩-૨૦૨૩ ને બુધવારે ધુળેટીની રજાના દિવસે વિસનગર સિવિલ હોસ્પિટલમાં કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં હેલ્થ એન્ડ મેડીકલ સર્વિસ ગાંધીનગરના રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ કાંસાના વતની સતીષ કે.મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી ર્ડા.ઓમપ્રકાશ, જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.અમીતભાઈ કાપડીયા, સિવિલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેેલ, સિવિલ હોસ્પિટલના ર્ડાક્ટરો તથા સ્ટાફ, ભાજપના કાર્યકરો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ ધન્વંતરિ રથનાં લોકાર્પણથી શ્રમિક પરિવારોને લાભ થશે.તેના થકી શ્રમિક તંદુરસ્ત બનશે,તંદુરસ્ત શ્રમિક હશે તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે અને તેના થકી અંતે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણમાં શક્ય બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ધન્વંતરિ રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ,કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પડાશે.જેમાં શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન,જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ- નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ,ઝાડા,ઉલટીની સારવાર, ચામડીનાં રોગો ની સારવાર, સામાન્ય રોગોની સારવાર,રેફરલ સેવા,નાના બાળકોની સારવાર,સગર્ભા માતાની પ્રાથમિક તપાસ,ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લબિનની તપાસ,મલેરીયાની તપાસ,પેશાબની તપાસ,લોહીમાં સુગરની તપાસ,પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us