Select Page

પાલડી મંડળીમાં રૂા.૧.૫૨ કરોડની ઉચાપતમાં મંત્રીને બચાવવા પ્રમુખની ફરિયાદ

પાલડી મંડળીમાં રૂા.૧.૫૨ કરોડની ઉચાપતમાં મંત્રીને બચાવવા પ્રમુખની ફરિયાદ
કૌભાંડને છાવરવા ૯ માસ સુધી તપાસનુ નાટક કરાયુ
વિસનગર તાલુકાના પાલડી ગામની સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા રૂા.૧.૫૨ કરોડની ઉચાપતનો મામલો છેલ્લા નવ માસથી ચર્ચાઈ રહ્યો છે. રાજકીય પ્રેશરમાં સમગ્ર કૌભાંડ છાવરવામાં આવતુ હોવાની શંકા એટલા માટે પ્રબળ બની છેકે, જીલ્લા રજીસ્ટ્રારના પ્રતિનિધિ સરકારી કર્મચારી દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ મંડળીના પ્રમુખની ફરિયાદ આધારે મંત્રી વિરુધ્ધ ગુનો નોધાયો છે. જેમાં પાછળથી સમાધાનની પુરેપુરી શક્યતા છે અને છેતરાયેલા ખેડૂતોને પણ રકમ પરત મળવાની શક્યતા ઉપર પ્રશ્નાર્થ છે. મંડળીના પ્રમુખ તથા કારોબારી સભ્યો અત્યાર સુધી ચુપ બેસી રહ્યા તે પણ શંકા ઉપજાવે છે. મંડળીના પ્રમુખની ફરિયાદ આધારે રૂા.૧,૫૨,૯૫,૫૪૫/- ની ઉચાપત કરી હોવાનો મંત્રી વિરુધ્ધ ગુનો નોધાયો છે.
વિસનગર તાલુકાના પાલડી ગામના ધી પાલડી સેવા સહકારી મંડળી લી.માં પ્રમુખ તરીકે છત્રસિંહ જેસંગભાઈ ચૌધરી વર્ષ-૨૦૧૬ થી મંત્રી તરીકે રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઈ રામજીભાઈ ચૌધરી ફરજ બજાવે છે. મંડળીમાં ૧૩ કારોબારી સભ્યો છે. મંડળીના પ્રમુખ તથા કારોબારી સભ્યોની મંડળીની અને મંત્રીની રોજીંદી કામગીરી ઉપર દેખરેખ રાખવાની ફરજ છે. પરંતુ ગમે તે કારણોસર પ્રમુખ તથા કારોબારી સભ્યો પોતાની ફરજ ચુક્યા છે જેમાં તેમની જવાબદારી બને છે.
સેવા સહકારી મંડળી દ્વારા તા.૨૦-૫-૨૦ થી ૪-૯-૨૦૨૦ સુધીમાં ખેડૂતોને જમીન સામે ૭ ટકાના વ્યાજે ધિરાણ આપવામાં આવ્યુ હતુ. જેમાં ખેડૂતોએ તા.૧-૩-૨૦૨૧ થી ૩૦-૬-૨૦૨૧ સુધીમાં વ્યાજ સાથે પાક ધિરાણની રકમ મંત્રીને પાસે જમા કરાવી પહોચ મેળવી હતી. બીજા વર્ષે પાક ધિરાણ લેવા જતા કેટલાક ખેડૂતોને ધિરાણ લોન મળી નહોતી. જેની તપાસ કરતા કેટલાક ખેડૂતો દ્વારા મંત્રી રાજેન્દ્ર ચૌધરી પાસે ધિરાણની રકમ જમા કરાવી હતી તે બેંકમાં ભરપાઈ કરાવેલ નહી. મંડળીના મંત્રીએ મોટી રકમની ઉચાપત કરી હોવાનુ પ્રાથમિક તબક્કે જણાયુ હતુ.
મંડળીના મંત્રીની રોજીંદી કામગીરી ઉપર દેખરેખ રાખવાની જેમની જવાબદારી છે તે મંડળીના પ્રમુખ તથા કારોબારી સભ્યો દ્વારા થયેલ ઉચાપત સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા છેવટે છેતરાયેલા ખેડૂતો દ્વારા જીલ્લા રજીસ્ટ્રારમાં અરજી કરી ઉચાપતની જાણ કરવામાં આવી હતી. જેમાં જીલ્લા રજીસ્ટ્રારની સુચના આધારે તા.૭-૭-૨૦૨૧ ના રોજ મંડળીના મંત્રી સાથે થયેલ નાણાંકીય વ્યવહારોની પુરાવા સાથે રજુઆત કરવા નોટીસ પ્રસિધ્ધ કરાઈ હતી.
• કૌભાંડમાં મંડળીના પ્રમુખ તથા કારોબારી સભ્ય ચુપ બેસી રહેવા પાછળનુ રહસ્ય શુ?
• મંડળીના છેતરાયેલા સભાસદ ખેડૂતોએ ઉપવાસની ચીમકી આપતા છેવટે ફરિયાદ દાખલ કરાઈ
ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રજુઆત બાદ ઉચાપતની તપાસનો ધમધમાટ થયો હતો. પરંતુ રાજકીય ઈશારે તપાસ ધીમી પડતા ખેડૂતો દ્વારા લાગતા વળગતા અધિકારીઓ તથા સરકાર સુધી રજુઆત કરવામાં આવી હતી. છેવટે ગવર્નમેન્ટ સર્ટીફાઈડ ઓડીટર એન.કે.પટેલ દ્વારા તા.૧-૯-૨૦૧૯ થી ૩૧-૩-૨૦૨૧ સુધીનુ ઓડીટ કરી તા.૧૫-૨-૨૦૨૨ ના રોજ જીલ્લા રજીસ્ટ્રારને અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો. ઓડીટ દરમ્યાન તપાસમાં ઢીલ જોવા મળતા વચ્ચે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી આગળ ભુખ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
ઓડીટર દ્વારા તપાસ કરી આપેલ અહેવાલમાં જણાવ્યા મુજબ મંત્રી રાજેન્દ્ર પટેલે મંડળીના ૭૫ ખેડૂતોના ધિરાણના રૂા.૧,૩૧,૭૧,૦૦૦ તથા વ્યાજના રૂા.૭,૫૭,૪૫૧ મળી કુલ રૂા.૧,૩૯,૨૮,૪૫૧/- ની તથા મંડળીના વ્યાપારી પ્રવૃત્તિ તથા અન્ય સિલ્લકોના નાણાં મળી કુલ રૂા.૧૩,૬૭,૦૯૪/- સાથે કુલ રૂા.૧,૫૨,૯૫,૫૪૫/- ની ઉચાપત કરી હતી. સહકારી સંસ્થાઓમાં થયેલ ઉચાપતમાં જીલ્લા રજીસ્ટ્રારના પ્રતિનિધિ તરીકે સરકારી કર્મચારી ફરિયાદી બને તો ઉચાપત કરનારને સજા તેમજ છેતરાયેલા ખેડૂતોને વળતર મળવાની શક્યતા વધી જાય છે. પરંતુ ગમે તે કારણોસર હજુ પણ મંડળીના મંત્રીને બચાવવાનો કારસો રચાયો હોઈ તેમ ચર્ચાય છે. જેમની ખરેખર આ ઉચાપતમાં જવાબદારી બને છે તેવા મંડળીના પ્રમુખ છત્રસિંહ જેસંગભાઈ ચૌધરીને ફરિયાદી બનાવી મંડળીના મંત્રી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઈ રામજીભાઈ ચૌધરી વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવતા છેતરાયેલ ખેડૂતોને વળતર મળશે કે નહી તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us