Select Page

મેઈન બજારમાં ખાસડા યુધ્ધ જોવા ગયા અને વિવાદમાં સપડાયા મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર રીંગણા-રવૈયાનો વરસાદ શુભેચ્છા રૂપ કે રોષ રૂપ

મેઈન બજારમાં ખાસડા યુધ્ધ જોવા ગયા અને વિવાદમાં સપડાયા મંત્રી ઋષિભાઈ પટેલ ઉપર રીંગણા-રવૈયાનો વરસાદ શુભેચ્છા રૂપ કે રોષ રૂપ

ધુળેટીના દિવસે મેઈન બજારમાં ખેલાતુ ખાસડા યુધ્ધ એ વિસનગરની આગવી ઓળખ તથા સંસ્કૃતિ છે. જેને ખાસડુ વાગે તેનુ વર્ષ સારૂ જાય તેવી એક માન્યતા હોવાથી મોટી સંખ્યામાં લોકો આ અનોખુ યુધ્ધ ખેલવા ઉત્સુક હોય છે. ખાસડા યુધ્ધને આગવી પહેચાન મળે તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ મેઈન બજારમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શો-રૂમના પ્રથમ માળેથી યુધ્ધ નિરખતા હતા તે વખતેજ કેબીનેટ મંત્રીના કાફલા ઉપર રીંગણા અને રવૈયાનો વરસાદ થતાજ કેબીનેટ મંત્રી વિવાદમાં સપડાયા છે. રીંગણા રવૈયાના મારાનો વીડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને કેબીનેટ મંત્રી ઉપર આ વરસાદ શુભેચ્છા રૂપ હતો કે રોષ રૂપ હતો તે ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગરના મેઈન બજારમાં એક ટાવરથી મંડી બજાર વિસ્તારમાં બે જુથ વચ્ચે ધુળેટી પર્વે ખેલાતુ ખાસડા યુધ્ધ શહેરની આગવી ઓળખ છે. આ પર્વ માટે પહેલા લોકો જુના તુટી ગયેલા ખાસડાનો સંગ્રહ કરતા હતા. ધુળેટીના દિવસે કોથળા ભરીને જુના ખાસડા ઠલવીને આ યુધ્ધ ખેલાતુ હતુ. જેને ખાસડુ વાગે તેનુ વર્ષ શુભદાયી ફળદાયી રહેતુ હોવાની માન્યતા પ્રવર્તેલી હોવાથી લોકો આ યુધ્ધમા સામેલ થવા ઉત્સુક રહેતા હતા. સમય જતા છેલ્લા કેટલાક વર્ષથી ખાસડાની જગ્યાએ રવૈયા, રીંગણા-ભટા, બટાકા અને ટામેટા જેવા શાકભાજીનો યુધ્ધમાં ઉપયોગ થઈ રહ્યો છે. સવારે આશરે આઠ વાગ્યાથી આ ખાસડા યુધ્ધ શરૂ થતુ હોવાથી વહેલી સવારથીજ લોકો એકઠા થઈ જાય છે. આ વર્ષે ખાસડા યુધ્ધમાં માનવ મહેરામણ સમાતો નહોતો.
કોઈ મોટા કદના નેતા જ્યારે આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે ત્યારે આવા પરંપરાગત ઉત્સવોને આગવી ઓખળ મળે છે. ખાસડા યુધ્ધ એ શહેરની ઓળખ હોવાથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસડા યુધ્ધ જોવા કેબીનેટ મંત્રી દ્વારકેશભાઈ મણીયારના શો-રૂમના પ્રથમ માળે ભાજપના કાર્યકરો સાથે ઉભા હતા. ખાસડા યુધ્ધ શરૂ થતાની સાથેજ કેટલાક યુવાનોએ કેબીનેટ મંત્રી ઉપર રીંગણા અને રવૈયાનો વરસાદ કર્યો હતો. કેબીનેટ મંત્રી અંદરની બાજુ ઉભા હતા અને શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ અને મહામંત્રી રોનકભાઈ સંઘવી બહારની બાજુ ઉભા હતા. ખાસડા યુધ્ધમાં રીંગણા રવૈયાનો મારો થતાજ શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી વિન્ડો બંધ કરી અંદરની તરફ સરકી ગયા હતા.
ખાસડા યુધ્ધમાં કેબીનેટ મંત્રી ઉપર રીંગણા રવૈયાના મારાનો વીડીયો વાયરલ થતા પોઝીટીવ અને નેગેટીવ બન્ને ચર્ચાઓ થઈ રહી છે. ટેકેદારોના મત મુજબ ચાર ટર્મ ધારાસભ્ય પદે રહી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે શહેર અને તાલુકામાં કરોડો રૂપિયાનો વિકાસ કર્યો છે. ખાસડુ વાગે તેનુ વર્ષ સારૂ જાય તેવી માન્યતા આધારે લોકોએ કેબીનેટ મંત્રી ઉપર શુભેચ્છા રૂપ રીંગણા રવૈયાનો વરસાદ કર્યો છે. નાતા-જાતના ભેદભાવ વગર કેબીનેટ મંત્રીના વિકાસને લોકોએ આવકાર્યો છે. જ્યારે વિરોધી જુથને આ બનાવથી તક મળી છે ગામના અને બહારગામના નો ભેદ હજી પણ કેટલાકની માનસિકતામાં રમી રહ્યો છે. લોકો શહેરની ટ્રાફીક સમસ્યા, નડતરરૂપ વિકાસ અને પાલિકાના ખાડે ગયેલા વહીવટથી ત્રાસી ગયેલા હોવાથી રોષ રૂપે રીંગણા રવૈયાનો મારો થયો હતો. ખાસડા યુધ્ધના આ બનાવથી આગામી ચુંટણીઓ પણ ચર્ચામાં આવી છે. કેબીનેટ મંત્રી ઉપર રીંગણા રવૈયાનો વરસાદ ફળશે કે નડશે તે સમય બતાવશે.