ગત વર્ષે વિદ્યાનગર સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમ બાદ હનુમાનદાદાનો જન્મોત્સવ ભૂતનાથ મહાદેવ મંદિરમાં ઉજવાશે
વિસનગરમાં હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં શ્રીરામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગત વર્ષે વિદ્યાનગર સોસાયટીમાં ૧૧૫ જેટલી સોસાયટીઓનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે ભૂતનથ મહાદેવના મંદિરમાં હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં બાઈક રેલી, મારૂતિ યજ્ઞ, ૧૦૮ હનુમાન ચાલીસા, અન્નકુટ, ભોજનપ્રસાદ વિગેરે ધાર્મિક કાર્યક્રમો કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકોએ દાતાઓને દાન માટે તથા ધર્મજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.
વિસનગરમાં શ્રીરામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ગત વર્ષે હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાનગર સોસાયટીમાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં ભાગ લઈને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ વર્ષે આ કેન્દ્ર દ્વારા તા.૨-૪-૨૦૨૬ ને ગુરૂવાર ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી જયંતિ દિને મહેસાણા રોડ આદર્શ વિદ્યાલયની સામે અંબિકા, આશીષ, ગાયત્રી સોસાયટીના રોડ પાસે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર (ભૈરવ ટેકરી) ખાતે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મહેસાણા ચાર રસ્તાથી મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિર સુધીની, મહેસાણા ચાર રસ્તાથી ધરોઈ કોલોની રોડ આઈટીઆઈ ફાટક સુધીની, મહેસાણા ચાર રસ્તાથી સવાલા દરવાજા બસ સ્ટેન્ડ, સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી એમ.એન. કોલેજ ફાટક તથા એમ.એન.કોલેજ રોડ બામણ ચાયડાથી ધરોઈ કોલોની રોડ બંસલ મૉલ સુધીની ૧૧૫ જેટલી સોસાયટીની ધર્મપ્રીય જનતા આ કાર્યક્રમમાં જોડાય તે માટે કેન્દ્રના સંચાલકો દ્વારા સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે.
બે દિવસની હનુમાનદાદા જન્મોત્સવની ઉજવણીમાં ૧૧૫ જેટલી સોસાયટીના સમગ્ર વિસ્તારમાં તા.૧-૪-૨૦૨૬ ના રોજ બાઈક રેલી નીકળશે. જન્મજયંતિ દિન તા.૨-૪ ની વહેલી સવારે ૫-૦૦ કલાકથી મંદિરમાં ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે. ત્યારબાદ હનુમાન દાદાને અન્નકૂટ, મારૂતિ યજ્ઞ બાદ સાંજે ભોજન પ્રસાદ સમારંભ યોજાશે. જ્યારે રાત્રે મંદિરમાં સંત સકુબાઈનુ આખ્યાન કાર્યક્રમ કરવામાં આવશે. હિન્દુ સમાજ સનાતન ધર્મ પ્રત્યે જાગૃત થાય તેમજ સમાજના લોકોમાં એકતા કેળવાય તેવા ઉમદા આશયથી શ્રીરામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા હનુમાનદાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રના પ્રમુખ અલ્પેશભાઈ જે.પટેલ વિદ્યાનગર મો.નં.૯૮૨૫૩૨૭૪૬૦, મંત્રી જીજ્ઞેશભાઈ પટેલ વીજીઆર સોપાન સોસાયટી મો.નં.૯૫૧૦૬૦૦૬૬૦, સહમંત્રી સંજયભાઈ જાગીરદાર મો.નં.૯૮૯૮૨ ૬૨૦૧૪, કેન્દ્રના ઉપાસક ચેતનાબેન લીંબાચીયા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ભૂતનાથ મહાદેવના મંદિરમાં આ કાર્યક્રમ થતો હોવાથી ગોવિંદચકલા પાટીદાર સમાજ પણ ઉત્સુક છે. દાતાઓના દાન થકીજ ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. ત્યારે હનુમાનદાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાનજીના ઉપાસકો તેમજ ધર્મપ્રેમી જનતાને દાન આપવા અપીલ કરવામાં આવી છે. દાન માટે કેન્દ્રના સંચાલકોનો જણાવેલ નંબર ઉપર સંપર્ક કરી શકાશે. નોંધપાત્ર બાબત છેકે શ્રીરામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ વિનામુલ્યે કરવામાં આવે છે.