વિસનગરમાં હાઈવેના સીસી રોડની મજબુતાઈ ઉપર અનેક શંકાઓ
- કેબિનેટ મંત્રીના શહેરમાં વિકાસ કામમા નિયમો વિરૂધ્ધ કામ કરતા પણ ખચકાતા નથી
વિસનગરમાં હાઈવે ઉપર બની રહેલ સીસી રોડની કામગીરી સામે અનેક શંકાઓ સેવાઈ રહી છે. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે વિકાસ કામની સમીક્ષા બેઠકો કરે છે. અને સ્થળ નિરિક્ષણ પણ કરે છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરને કેબિનેટમંત્રીનો જાણે કોઈ ડર ન હોય તે રીતે ટેન્ડરની શરતોની ઐસી તૈસી કરી સીસી રોડનું કામ કરી રહ્યા છે. રોડ બનાવવા સીસી માલ ડંપરમાં ભરીને લવાય છે. માલ જામી જતા જેસીબીથી કાઢવામાં આવે છે. ત્યારે કરોડોના ખર્ચે બનતા સીસી રોડની મજબુતાઈ કેટલી રહેશે તે બાબતે ચર્ચાઓ થઈ રહી છે. વિસનગરના ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ પોતે એન્જીનીયર છે. છતાં કોન્ટ્રાક્ટર નિયમો વિરૂધ્ધ કામ કરતા ખચકાતા નહી હોવાથી માર્ગ મકાન વિભાગની તકેદારી ઉપર પણ શક થઈ રહ્યો છે.
વિસનગરમાં હાઈવેનો ડામર રોડ વારંવાર તુટી જતા પડેલા ખાડાઓથી શહેરના લોકો ઘણા વર્ષથી પરેશાન હતા. ખાડા પુરી રોડ રીસરફેસ કરવામાં આવતા હતા છતાં પરિસ્થિતિ જૈસે થે થતી હતી. ડામર રોડ ચોમાસામાં ધોવાતા અને વારંવાર ખાડા પડતા તેમાથી કાયમી છુટકારો મળે તે માટે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી રૂા.૩૭ કરોડના ખર્ચે સીસી રોડ બની રહ્યો છે. જ્યુડીસીએ ગટર લાઈન માટે ખોદકામ કરી નિયમો પ્રમાણે યોગ્ય પુરાણ નહી કરતા તેની ઉપર બની રહેલ સીસી રોડની મજબુતાઈ બાબતે પ્રથમથીજ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરના નિયમોની પરવા કર્યા વગર જે રીતે કામ કરવામાં આવી રહ્યુ છે તે જોતા સીસી રોડ કેટલો ટકશે તે બાબતે પ્રશ્નો થઈ રહ્યા છે. સીસી વર્ક જ્યા મોટા પ્રમાણમાં થતુ હોય ત્યાં પ્લાન્ટ ઉપરથી માલ આવતો હોય છે. દુરના પ્લાન્ટથી આવતો સીસી માલ ઠરી ન જાય કે જામી ન જાય તે માટે મોટા ગોળાવાળી ટ્રક ટ્રાન્ઝીટ(ફ્લોરી) મીક્ષરથી માલ લાવવામાં આવે છે. જ્યારે વિસનગરમા રોડના કામમા સીસી માલ ડંપરમા લાવવામાં આવે છે. ડંપરમા ભરેલા માલ જામી જાય છે. સાઈટ ઉપર જ્યારે ડંપર માલ ઠલવવા આવે છે ત્યારે સીસી માલ એટલો જામી ગયેલો હોય છે કે તેને ડંપરમાથી કાઢવા જેસીબીની મદદ લેવી પડે છે. જ્યારે ટ્રાન્ઝીટ(ફ્લોરી) મીક્ષરમા લાવવામાં આવતો માલ જામી જતો નથી અને મીક્ષરમાથી સીધોજ સાઈટ ઉપર માલ ઠલવવામાં આવે છે. સીસી માલ એક વખત જામી જાય ત્યારે તેની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે. આવા જામી ગયેલા માલથી સીસી રોડ બનાવવામાં આવે તો તે કેટલો મજબુત રહેશે તેના ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે. અગાઉ માટેલ હોટલ સામે સીસી રોડનુ પ્રથમ લેયરનુ કામ કર્યુ ત્યારે હલકી ગુણવત્તાનો માલ હોવાથી બુટ કે ચંપલ પહેરીને પગ ઘસવાથી કપચી ઉખડી જતી હતી. હલકી ગુણવત્તાની કામગીરીનો પર્દાફાશ કરવા છતાં કંઈ થયુ નહી અને બીજા લેયરના કામમાં પણ ડંપરમા માલ લાવીને હલકી ગુણવત્તાનુ કામ થઈ રહ્યુ છે. કોન્ટ્રાક્ટર ટેન્ડરની શરતો અને નિતિ નિયમોનુ પાલન કર્યા વગર કામ કરતા હોવાથી કરોડોના ખર્ચે બનતા સીસી રોડની મજબુતાઈ ઉપર અનેક પ્રશ્નો ઉભા થયા છે. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ વિસનગરમાં આવે એટલી વખત ધારાસભ્ય કાર્યાલયમાં અધિકારીઓ સાથે વિકાસ કામની સમીક્ષા કરે છે. પરંતુ કોન્ટ્રાક્ટરની ગેરરીતી જોતા કેબિનેટમંત્રીની સમીક્ષા બેઠકોની કોઈ અસર થતી હોય તેવુ જોવા મળતુ નથી.
આ બાબતે માર્ગ મકાન વિભાગની વિસનગર ઓફીસના ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જીનીયર ડી.આર.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે માલ પ્લાન્ટ ઉપર મિક્ષીંગ થાય છે અને ડંપરમા લાવવામાં આવે છે. પરંતુ માલ ક્વોલીટી છે દર પંદર મીટરે ટેસ્ટીંગ કરવામાં આવે છે. ટી એમ ટ્રાન્ઝીટ(ફ્લોરી)થી માલ સ્થળ ઉપર લાવવા માટે કોન્ટ્રાક્ટરને કડક સુચના આપવામાં આવશે.