૨૨૦૦ મતદારોના નામ રદ કરવાના વાંધાથી ખળભળાટ
વિસનગર મતદારયાદી સુધારણાની કામગીરીમાં સવાલા, ભાલક, વાલમ તથા પાલડી ગામના
- ભાજપ સરકાર આવનારી ચુંટણીઓમાં પરાજય થવાના ડરે સત્તા ટકાવી રાખવા મતદારોનો મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચી રહી હોવાનો કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ
- અગાઉ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની જનસમર્થન યાત્રામાં અમે સાહેબને બગીમા બેસાડી નોટોનો વરસાદ કરી ભવ્ય સ્વાગત સન્માન કર્યુ હતુ – સવાલાના ગ્રામજનો
ગુજરાતમાં મતદારયાદી સુધારણા (SIR) ની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આ કામગીરીમાં જન્મ તેમજ બે-ત્રણ પેઢીથી રહેતા હજારો મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવા ખોટી વાંધા અરજીઓ આપતા રાજકીય ખળભળાટ થયો છે. જેમાં વિસનગર તાલુકાના સવાલા, ભાલક, પાલડી તથા વાલમ ગામના કુલ આશરે ૨૨૦૦ જેટલા સાચા મતદારોના નામ મતદારયાદીમાંથી રદ કરવા ખોટી વાંધા અરજીઓ આપતા તમામ ગામોના મતદારોએ કોંગ્રેસના આગેવાનો સાથે રાખીને ટી.ડી.ઓ. અને પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી. જેમાં મતદારોએ એવો આક્ષેપ કર્યો છે કે વાંધો લેનાર વ્યક્તિઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ખોટી અરજીઓ કરી અમારા નામ મતદારયાદીમાંથી રદ કરવાનુ કૃત્ય કર્યુ છે. ખોટી વાંધા અરજી આપનાર વિરૂધ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવાનુ જણાવ્યુ હતુ.
ચુંટણી પંચના આદેશથી સમગ્ર ગુજરાતમાં મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા મતદારો, ગેરહાજર મતદારો, બીજી જગ્યાએ સ્થાયી થયેલા મતદારો તેમજ બે જગ્યાએ ચુંટણી કાર્ડ ધરાવતા લાખો મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક સાચા મતદારોના નામ મતદારયાદીમાંથી રદ કરવા ખોટી વાંધા અરજીઓ આપતા સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો થયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના ઈશારે ખોટી વાંધા અરજીઓ કરી જન્મથી રહેતા સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનુ ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ખોટી વાંધા અરજીઓના આધારે સાચા મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કરવાના કાવાદાવાથી ભાજપ સરકાર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જેમાં વિસનગર તાલુકાના સવાલા ગામના ૧૧૮૦, ભાલક ગામના ૮૨૪, પાલડી ગામના ૬૪ તથા વાલમ ગામના આશરે ૧૪૦ જેટલી મળી કુલ ૨૨૦૦ જેટલા સાચા મતદારોના નામ ખોટી વાંધા અરજીઓના આધારે મતદારયાદીમાંથી કમી કરવાની પ્રક્રિયા થતા ભાજપના સ્થાનિક આગેવાનો સામે લોકોમાં ભારે રોષ ઉભો થયો છે. આ ચારેય ગામના મતદારોએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી અને પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાને આવેદનપત્ર આપી ન્યાયીક કાર્યવાહી કરવાની માગણીકરી હતી. જેમાં સવાલાના મતદારોએ એવી રજુઆત કરી હતી કે અમો તમામ નાગરિકો ભારતીય નાગરિક છીએ અને અમારા સરનામા ઉપર જન્મથી રહીએ છીએ. છતાં અમારા નામો મતદારયાદીમાંથી રદ કરવા ખોટી વાંધા અરજીઓ આપવામા આવી છે. જે તદ્ન ખોટી અને લોકશાહી વિરૂધ્ધની પ્રક્રિયા છે. જ્યારે ભાલક ગામના મતદારોએ જણાવ્યુ હતુ કે, અમે વર્ષોથી ગામમાં રહીએ છીએ. અને દરેક ચુંટણીમાં મતદાન કર્યુ છે. અગાઉ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની જન સમર્થન યાત્રામાં અમારા ગામના દરેક જ્ઞાતિના લોકોએ તેમનુ ઉષ્માભેર ભવ્ય સ્વાગત સન્માન કર્યુ હતુ. આ સમયે ગામના સરપંચ યુનુસખાન પઠાણે ઋષિભાઈ સાહેબને બગીમા બેસાડી ગામમા વરઘોડો કાઢી સ્વાગત કર્યુ હતુ. અને સાહેબની વિજયની ખુશાલીમાં રોડ ઉપર રૂા.૫૦ થી ૧૦૦ની નોટોના બંડલ ઉડાડી આનંદ વ્યક્ત કર્યો હતો. છતાં પુરાવા વિનાની ખોટી વાંધા અરજીના આધારે અમારા નામો મતદારયાદીમાંથી કમી કરવાની પ્રક્રિયા કરવામા આવી છે. હવે ભાલકના તમામ સમાજના લોકો ભેગા થઈ ન્યાય માટે કાયદાકીય લડત લડીશુ. જ્યારે પાલડીના ગ્રામાજનોએ વાંધા અરજી કરનાર ચૌધરી મહેશભાઈ મેંઘજીભાઈ, રાઠોડ મેહુલકુમાર કાન્તિભાઈ અને ઠાકોર ધવલસિંહ ફતેસિંહ સામે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, અમે પાલડી ગામના વતની છીએ. અને પેઢીઓથી ગામમાં રહીએ છીએ. દરેક ચુંટણીમાં મતદાન કરીએ છીએ. છતાં ભાજપના આ ત્રણેય જણાએ અમારા વિરૂધ્ધ રાજકીય કિન્નાખોરી રાખીને ફોર્મ-૭ ભરી ખોટી વાંધા અરજીઓ કરી ગામના ૬૪ લોકોના નામો રદ કરાવવા વાંધા અરજીઓ આપી છે. ભાજપના આ ત્રણેય વ્યક્તિઓએ પુરાવા વિના ખોટી વાંધા અરજીઓ કરી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાનુ કામ કર્યુ છે. આવા લોકો સામે કડક કાનુની કાર્યવાહી થવી જોઈએ. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, અત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી સૂર ઉઠ્યો છે. ત્યારે ભાજપ સરકાર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં પરાજય થવાના ડરે સત્તા ટકાવી રાખવા મતદારોનો મતાધિકાર છીનવવાનુ ષડયંત્ર રચી રહી છે. ભાજપની આવી કૂટનિતીથી લોકોમાં ભાજપ પ્રત્યે ધૃણા ઉભી થઈ છે. જોકે મતદારોની વાંધા અરજીઓ અને આક્ષેપોની લડાઈમાં ગામના બી.એલ.ઓ. શિક્ષકોની ઉંઘહરામ થઈ ગઈ છે. બી.એલ.ઓ,. શિક્ષકોને કાયદાકીય પ્રક્રિયામાં હેરાનગતી થવાનો ડર સતાવી રહ્યો છે.