મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી- ટેમ્પરરી વરસાદી લાઈનમાં જોડાણ અપાશે ઘનશ્યામનગર-કૃષ્ણનગરના ગટરના પાણીનો નિકાલ કરાશે
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપરની ઘનશ્યામનગર અને કૃષ્ણનગરના ગટરના પાણીનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ગુંચવાયેલો છે. આ વિસ્તારના કોર્પોરેટર મનીષભાઈ બારોટે ઘણા પ્રયત્નો કરવા છતાં ગટરના પાણીનો નિકાલ થઈ શક્તો નથી. છેવટે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ બંન્ને સોસાયટીની લાબા સમયની સમસ્યાનો નિકાલ કરવા અધિકારીઓ સાથે નક્શા આધારે ચર્ચા કરી હતી. જેમાં ગટર લાઈનનુ ટેમ્પરરી વરસાદી કેનાલમા જોડાણ આપવાનો નિર્ણય કરાતા બંન્ને સોસાયટીના રહિશોએ હાશકારો અનુભવ્યો છે.
વિસનગરમા ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ ઘનશ્યામનગર સોસાયટી અને કૃષ્ણનગર સોસાયટી વર્ષોજુની હોવાથી આ સોસાયટીનુ જમીન લેવલ નીચુ છે જ્યારે આસપાસના વિકાસ થયેલ સોસાયટી વિસ્તારનુ લેવલ ઉંચુ હોવાથી આ બંન્ને સોસાયટી ગટરના પાણીના નિકાલના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહી છે. પાલિકામા વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામા નહી આવતા સોસાયટીમા ગટરનુ પાણી ભરાતા ગંદકી થતા સ્થાનિકોમા પાલિકાની નિષ્કાળજી સાથે ભારે રોષ છે. પાલિકાની ચુંટણી આવતા છેલ્લે ઘનશ્યામનગર સોસાયટીના રહિશોએ ગટરની સમસ્યાનો નિકાલ કરવામા નહી આવે તો ચુંટણી બહિષ્કારની અને ઉમેદવારોને ચુંટણી પ્રચાર માટે પ્રવેશબંધીની ચીમકી આપી હતી. આ સોસાયટીઓમાં મધ્યમવર્ગના અને નાના સમાજના લોકો રહેતા હોવાથી તેમની રજુઆતો ગણકારવામાં નહી આવતી હોવાનો પણ રોષ છે.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય કાર્યાલયમાં વિકાસ કામોની સમીક્ષા કરવા તેમજ સમસ્યા તેમજ પ્રશ્નોનો નિકાલ કરવા અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી. આ મિટીંગમાં ઘનશ્યામનગર તથા કૃષ્ણનગર સોસાયટીના ગટરના પાણીનો નિકાલ કરવા નક્શા આધારે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, ધરોઈ કોલોની રોડ વિસનગરના કોર્પોરેટર મનીષભાઈ બારોટ, જી.યુ.ડી.સી.ના અધિકારીઓ વિગેેરેની ઉપસ્થિતિમા કરવામા આવેલી ચર્ચા અને જીયુડીસીની લાઈન કાર્યરત થાય નહી ત્યાં સુધી વરસાદી કેનાલમા ગટર લાઈનને જોડી ગંદા પાણીનો નિકાલ કરવા નિર્ણય કરાયો હતો. ચર્ચા દરમ્યાન કોર્પોરેટર મનિષભાઈ બારોટે પણ મંત્રીશ્રીને સાચી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. મંત્રી ઋષિભાઈ પટેલના સુચનથી ગટરના પાણીની ગંદકીમાથી મુક્ત થવાશે તે જાણી સોસાયટીના રહિશોમા આનંદની લાગણી ફેલાઈ છે.
આ બાબતે કોર્પોરેટર મનીષભાઈ બારોટે જણાવ્યુ છે કે, ઘનશ્યામનગર સોસાયટીના ગટરના પાણીના નિકાલ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. જીયુડીસીની ફેઝ ટુ ગટર લાઈનમા મંત્રીશ્રીના પ્રયત્નોથી નવી લાઈન નાખવામાં આવી છે. આ અગાઉ પાલિકામાં રજુઆત કરી ૪૦ થી ૫૦ ફુટની લાઈન નાખવામાં આવી છે. અને કુંડી પણ બનાવવામાં આવી છે. કૃષ્ણનગરથી દેવર્ષિ ટાઉનશીપ, મણીરત્ન, રાજવિલા સોસાયટી તરફથી કુદરતી ઢાળ છે. કાંસા એન.એ.પંચાયત દ્વારા શેરડીનગર, સામવેદ સોસાયટીના વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી હતી. આ કેનાલમા હાલપુરતુ ટેમ્પરરી જોડાણ કરી ગટરના પાણીનો નિકાલ કરવામાં આવશે. જીયુડીસીની લાઈન ચાલુ થયા બાદ વરસાદી કેનાલમાં જે જોડાણ આપવામા આવશે તે બંધ કરવામાં આવશે. ઘનશ્યામનગર બાબતે કોર્પોરેટરે જણાવ્યુ હતુ કે, આ સોસાયટીમા શોષકુવાની પણ અગાઉ વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ એક મકાન માલિકે કોમન પ્લોટમા પુરાણ કરતા ગટરનુ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. આ બંન્ને સોસાયટીના ગટરના પાણીનો નિકાલ કરતો નિર્ણય કરતા કોર્પોરેટર મનીષભાઈ બારોટે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માન્યો છે.