આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સના સંપર્કથી સલાહની ટેવ મહત્વના નિર્ણયો લેવાની ક્ષમતા ઘટાડી શકે છે
તંત્રી સ્થાનેથી…
સોશિયલ મીડીયા અને ઈન્ટરનેટને લગતા સંશોધનો તેમજ સુવિધાઓ આપતો ટેકનોલોજીનો યુગ માણસ માટે ઘાતક બની રહેશે. આ સવલતો ઉપર આશ્રિત રહેવાના કારણે માણસ પાંગળો અને બુધ્ધિહિન બની શકે છે. આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સના ઉગતા યુગમાં મોટાભાગના લોકો આ ટેકનોલોજીના વધતા વપરાશથી લોકો નોકરી ગુમાવશે તેવી ચિંતા કરી રહ્યા છે. તેની સમાંત્તર એક નવો સમુહ એવો ઉભો થઈ રહ્યો છેકે, જે માતા-પિતાની સલાહ કરતા આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ચેટબોટની સલાહ ઉપર વધારે ભરોસો રાખે છે. નિષ્ણાતોના મતે બુધ્ધિ ત્યારેજ વધે છે, કે જ્યારે તેની સામે ખુબજ મુશ્કેલ સમસ્યાને ઉકેલવાનો પડકાર આવતો હોય. દિમાગને સંઘર્ષ કરવા માટે જેને ન્યુરલ પાથવે તરીકે ઓળખવામાં આવે છે. અત્યારનુ બાળક ચેટજીટીપીથી સીધુ કવિતા લખવા માડે કે તેની પાસે હોમવર્ક કરાવે તો બાળકને સ્માર્ટ ગણતા નહી. આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ બાળકની વિચારશક્તિને અપંગ બનાવી રહી છે. જીપીએસ સીસ્ટમ જ્યારે નહોતી તેવા સમયે લોકો પોતાની અક્કલ હોશિયારીથી રસ્તો શોધીને પહોચતા હતા. લોકોને રસ્તા યાદ રહેતા હતા. ભુલા પડી જવાનુ પણ થતુ હતુ, પરંતુ મગજ કસીને શોધેલ રસ્તો આજીવન યાદ રહેતો હતો. અગાઉ લોકો નકશા આધારે આગળ વધતા હતા અને હવે જીપીએસ સીસ્ટમાં બ્લ્યુ લાઈનનો પીછો કરીને જતા હોવાથી ફરીથી તેજ સ્થળે જવુ હોય તો રસ્તો યાદ હોતો નથી. કેલ્ક્યુલેટર નહોતા ત્યારે લોકો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આસાનીથી કરી શકતા હતા. કેલ્ક્યુલેટરનો સહવાસ વધતા આ ગણિત આપણે ભુલી ગયા છીએ. અત્યારના બાળકોને આપણે ગુજરાતીમાં પાયા-ઘડીયા કહીએ છીએ તે ભાગ્યેજ યાદ હશે. આમ ટેકનોલોજી મગજના વિકાસની શક્તિ હણી નાખે છે. અત્યારના સમયમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ચેટબોટની ભૂમિકા એટલી હદે વધી રહી છેકે આ ટુલ્સ ટીનેજરથી લઈને કોલેજના સ્ટુડન્ટ સુધી સતત પડછાયાની જેમ સાથે રહે છે. આ આદત બાળકના માનસિક વિકાસ સામે પડકાર છે. એક માતાએ તેની બાળકીને લંચમાં સાબુદાણાની ખીચડી આપવાનુ કહ્યુ. બાળકીએ જેમીનીમાં જઈને સાબુદાણાની ખીચડીનો ફોટો અપલોડ કર્યો અને આ ખોરાકમાં પોષણ શુ છે તેની માહિતી માગી. જેમીનીએ જવાબ આપ્યો કે આ ખોરાકમાં પ્રોટીન કે ફાઈબર નહીવત છે. કાર્બોહાઈડ્રેડ એટલે કે શર્કરાનુ પ્રમાણ અત્યંત વધુ છે. માતાએ દલીલ કરી કે વાસ્તવમાં સાબુદાણાની ખીચડીને ન્યુટ્રીશન તરીકે મહત્વ આપવામાં આવે છે. આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ચેટબોટની સલાહ બાદ આ ટુલ્સ સામે હાથ જોડ્યા. એક ટીનેજરના પિતા છેલ્લા કેટલાક દિવસથી ચિંતા કરતા હતા કે શા માટે તે રોજની જેમ છેલ્લા ત્રણ દિવસથી ફૂટબોલ રમવા જતી નથી. અગિયાર વર્ષની બાળકીનો મોબાઈલ ચેક કરતા ખ્યાલ આવ્યો. આ બાળકીએ ચેટબોટને પુછ્યુ હતુ કે, બહાર ફૂટબોલ રમવા જાવ ત્યારે તેના મિત્રો યોગ્ય રીતે વર્તન કરતા નથી. ચેટબોટે જવાબ આપ્યો હતો કે બેટર છે તમે ગેમ રમવા ન જાવ અને ઘરમાં બેસી રહો. દિલ્હી સ્થિત એક વકીલની પણ ફરિયાદ છે કે તેમનુ સંતાન તેના પિતા કરતા ચેટબોટ ઉપર વધુ માર્ગદર્શન મેળવે છે અને આ ટુલ્સની સલાહ ઉપરજ મદાર રાખે છે. અમેરિકામાં એક ચૌદ વર્ષના કિશોરે કેરેક્ટર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ચેટબોટ સાથે કલાકો સુધી વાતચીત કર્યા બાદ આત્મહત્યા કરી હતી. કેલીફોર્નિયામાં ૧૬ વર્ષના એક છોકરાએ ચેટબોટ તેને પ્રોત્સાહિત કરીને ખોટા વિચારો ભણી લઈ ગયા અને તે પછી તેને જીવનનો અંત આણ્યો. ચેટબોટ હવે તમારા સલાહકાર સમસ્યા ઉકેલનાર ટ્યુટર જેવી કામગીરી પણ કરે છે. જોકે કોઈ દલીલ વગર ફક્ત સીધી સલાહ આપનાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ચેટબોટને ટીનેજર કે ઉપયોગકર્તાની વાસ્તવમાં પર્સનલ બેકગ્રાઉન્ડની કોઈ માહિતી હોતી નથી. આ ટુલ્સનો જે જવાબ હોય છે તે માસ માટેના જવાબ પૈકીનોજ હોય છે. સેન્ટર ફોર પોલીસી રિસર્ચ એન્ડ ગવર્નન્સના એક અભ્યાસમાં આવેલા તારણ મુજબ દિલ્હી, મુંબઈ જેવા મોટાભાગના મેટ્રો શહેરોમાં, મહાનગરોમાં અને ટીયર-૩ તરીકે ઓળખાતા શહેરોમાં પણ હવે ટીનેજરથી લઈ કોલેજ સ્ટુડન્ટ તેમના અનેક પ્રશ્નો માટે જેમીની હેઠળ ચેટજીટીપીનો સહારો લઈ રહ્યા છે. એટલુજ નહી તેમના માતા-પિતા કે અન્યની સલાહ કરતા તે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સની સલાહ ઉપર વધુ આધાર રાખે છે. જો આ પ્રકારની પરિસ્થિતિને હળવાશથી લેતા હોય તો વાસ્તવમાં તે એક ગંભીર અને આધુનિક સમયની તાકીદ ગણી શકાય. નિષ્ણાતોનુ કહેવુ છેકે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટુલ્સ પર વારંવારની નિર્ભરતા મગજના કનેક્શનને પણ નબળુ કરે છે. રચનાત્મક વિચારો કરવાની શક્તિમાં ઘટાડો થાય છે. આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ઉપર અભ્યાસ કરનાર ર્ડા.નતાલીયા કોસ્મીનાએ ચેતવણી આપી છેકે, આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ પર નિર્ભરતા અત્યંત ક્રિટીકલ થીંકીંગ કહી શકાય. એટલે કે મહત્વના નિર્ણયો લેવામાં તમારી ક્ષમતા ઘટાડે છે. રાઈઝીંગ હ્યુમન ૨.૦ ના સ્થાપક રજતસુરી કહે છેકે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ એક એવુ ટુલ્સ છેકે તમે ચાલવા માટે કોઈકવાર લાકડીનો સહારો લો તો બરોબર છે પરંતુ કાયમ માટે તમે તેનો ઉપયોગ કરી શકો નહી. આ ટુલ્સ એક પેટર્ન આધારે જવાબ આપે છે. બાળકો જ્યારે ખુદને સવાલ પુછવાનુ કે માતા-પિતાને પ્રશ્ન પુછવાનુ અથવા શિક્ષકને કંઈ પુછવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે આ આદત બાળકની વિચાર ક્ષમતા અને તેના આઈક્યુ ઉપર ખતરો બની શકે છે.